________________
યાત્રા અને મૂર્તિપૂજા • ૭૧ થયેલ વિકૃતિઓ અને અતિશયતાઓના દોષને નિવારવાનો વિવેકી પુરુષાર્થ કરવાને બદલે મૂર્તિ, મંદિર, અને સંસ્થાઓનો, તેના ઈતિહાસનો અને તેને આશ્રી ઉદ્દભવેલી કળામય સંસ્કૃતિનો એવો છેદ ઉડાડ્યો કે તેને લીધે એ પરંપરામાં અનેક અસ્વાભાવિકતાઓ જન્મી છે અને વધારામાં હજારો વર્ષ થયાં વિકસતા શાસ્ત્રજ્ઞાનના વારસાનો મોટો સારભાગ પણ ગુમાવ્યો છે. એ જ અજ્ઞાનમૂલક જડતાના પરિણામે તેમાંથી તેરાપંથના સિદ્ધાંતો ઉદ્દભવ્યાં છે, જે માનવતામૂલક જૈન ભાવના ઉપર જ પ્રહાર કરે છે. બીજી બાજુ શ્વેતાંબર અને દિગંબર ફિરકાઓએ મૂર્તિ - માન્યતાની ઐતિહાસિક પરંપરા સાચવી છે અને મૂર્તિને લગતી કેટલીક સંસ્થાઓ ઊભી કરી ઉદારવૃત્તિ તેમ જ કળાવૃત્તિ પોષી છે એ વાત ખરી, પણ તેમણે વેવલાપણાને લીધે મૂર્તિને નામે જે અહિંસા અને અપરિગ્રહ જેવા જૈનત્વના મૂળ સિદ્ધાંતો ઉપર જ પાણી ફેરવ્યું છે તે પણ સંપૂર્ણપણે નવેસર સુધારણા માંગે છે. હું અત્યારે એમ માનું છું કે પતંજલિ યોગસૂત્રમાં સૂચવે છે તેમ ઉત્ક્રાન્તિક્રમમાં પ્રતીકને કોઈ ને કોઈ જાતની મૂર્તિને) માત્ર વિકલ્પ સ્થાન છે. અર્થાત્ આધ્યાત્મિક વિકાસ હોય કે વ્યાવહારિક, તેમાં અધિકારીની યોગ્યતા પ્રમાણે અમુક ભૂમિકા સુધી પ્રતીકોપાસના પણ અન્ય સાધનોની પેઠે સફળ નીવડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org