________________
કાશી પાઠશાળા - ૬૫ ચોમાસું પૂરું થયે સન્મિત્ર વિહાર કરી જશે કે પાઠશાળામાં જ રહી જશે ? જો રહી જાય તો ત્યાં હવે મહારાજજીને રહેવું કોઈ પણ રીતે પાલવે તેમ ન હતું. જો વિહાર કરવાના હોય અને ચોમાસું પૂરું થયા પહેલાં જ વિહાર કરી જાય તો પણ તેમાં મહારાજજીના મંડળની પૂરી બદનામી થતી હતી. લોકો એમ કહ્યા વિના ન રહે કે, પાઠશાળાના તંત્રથી અસંતુષ્ટ થઈને સન્મિત્રને પણ નીકળવું પડ્યું. પાઠશાળા બહાર જ કાશીમાં અન્યત્ર સન્મિત્ર રહે તેમાં પણ મહારાજજીના મંડળની બદનામી હતી.
છેવટે ચરો દ્વારા બાતમી મળી કે, સન્મિત્ર તો વિહાર કરવાના છે. અને તે સમેતશિખર તરફ જવા ધારે છે. આ જાણ થવાથી મહારાજજીના મંડળે નક્કી કર્યું કે સન્મિત્ર વિહાર કરે તે પહેલાં જ તેમણે વિહાર કરવો. એ પણ જાહેર થયું કે મહારાજજી સમેતશિખરની યાત્રા વાસ્તે ચોમાસું પૂરું થતાં જ વિહાર કરશે. આ જાહેરાત થતાંની સાથે જ કેટલાંક કાવાદાવાનાં ચક્રો ગતિમાન થયાં. આ બધાં ચક્રોની ગતિનું અંતિમ લક્ષ્ય એક જ હતું અને તે એ કે પાઠશાળાના મંત્રીઓ, એના પોષક ધનિકો અને પાઠશાળામાં રસ ધરાવતા બીજાઓને પણ એમ ઠસાવવું કે, જો મહારાજજી ન હોય તો પાઠશાળાનું તંત્ર કદી ચાલી શકે નહિ. એમ ઠસાવી છેવટે મંત્રીઓ અને પોષક ગૃહસ્થો દ્વારા આમંત્રણ પામી પાછું પાઠશાળાનું તંત્ર પોતાના હાથમાં જ રાખવું. એ લક્ષ્યની સિદ્ધિ અર્થે જરૂરી હતું કે મહારાજજી વિહાર કરી જાય ત્યારે પાઠશાળા પણ વિદ્યાર્થીઓથી ખાલી થઈ જાય. ભક્તિપ્રવણ કાચા વિદ્યાર્થીઓને ભોળવી નાંખે એવી યુક્તિ બહાર આવી. જાહેર થયું કે, જેઓ સમેતશિખરની દુર્લભ યાત્રા કરવા ઇચ્છતા હોય તેઓ નામ નોંધાવે. બધાંને લઈ જવાની શક્યતા નથી તેથી નોંધાયેલ નામમાંથી અમુકની જ પસંદગી થશે, ઈત્યાદિ નોંધણી શરૂ થઈ. તે વખતે ઉપરાઉપરી વિદ્યાર્થીઓની સભાઓ ભરાતી અને ગુરુભક્તિપ્રેરક ભાષણો પણ થતાં. ગુરુભક્તિનું વાતાવરણ એવું જાણ્યું કે નામ નોંધાવવા માટે વિદ્યાર્થીઓની પડાપડી શરૂ થઈ.
આ બધું ચાલતું ત્યારે મારું આસન કંપિત થવા લાગ્યું. મારું નાવડું વ્યાકરણગંગાની મઝધારમાં હતું. વચ્ચે જ ડૂબશે કે પાર જશે એવો સંદેહ ઉત્પન્ન થયો, પરંતુ કોઈ પણ રીતે પાર જ પહોંચવું એ વિચારે મને નોંધણીમાં નામ લખાવતા રોકયો. મને વિચાર આવ્યો કે, એકવાર ભણવાનું અનુસંધાન તૂટી ગયું અને કાશી છૂટી તો “અણીનું ચૂકયું સો વર્ષે એ ન્યાયે બધું રહી જશે અને અન્યત્ર ગયા પછી તિવારીજી જેવા અધ્યાપક તો મળશે જ નહિ. મારા વિચારના પડઘા આસપાસના વિદ્યાર્થીઓમાં પણ પડ્યા. તેથી મારી પેઠે બીજા પણ પાંચ-દસ જણાઓએ પોતાનાં નમ નોંધાવ્યાં નહિ.
મહારાજજીના મંડળમાં ભારે ઊહાપોહ શરૂ થયો. તેમને મારી વિદ્યાનિષ્ઠાની જાણ તો હતી જ છતાં તેમને એમ થયું કે જો સુખલાલ અહીં રહી જશે તો બીજા ઘણા વિદ્યાર્થીઓ રહેવા લલચાશે. તેમજ નાનું પણ વિદ્યાર્થીમંડળ હશે તો કદાચ સન્મિત્ર પણ વિહારનો વિચાર માંડી વાળી, પાઠશાળામાં જ રહી જશે અને એ તંત્ર ચાલશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org