________________
૬૬. મારું જીવનવૃત્ત તો આપણું લક્ષ્ય કદી સિદ્ધ થશે નહિ. આવી કોઈ ધારણાથી મહારાજજીના મંડળના મૂળિયાં જેવા તેમજ મારી સાથે મીઠો સંબંધ રાખનારા કેટલાક વિદ્યાર્થીઓ અને સાધુઓ મારી રૂમમાં કોઈ ને કોઈ બહાને આવવા લાગ્યા. તેમાંથી કોઈ સમેતશિખરની યાત્રાના લાભ બતાવે તો કોઈ ગુરુભક્તિનું મહત્ત્વ વર્ણવે. વિદ્યાર્થીઓ તો ઘણા જ આવવા તૈયાર છે પણ મહારાજજી બહુ થોડાને જ સાથે લેવા ઇચ્છે છે વગેરે વગેરે વાતો કરે. સાથે જવામાં ભણતરનું નાવડું ડૂબશે એમ લાગતું. અને ન જવામાં મહારાજજીની લાગણી દુભવ્યાનું દુઃખ હતું. છેવટે એક સાધુના અત્યાગ્રહ મને નામ નોંધાવવા ઢીલો કર્યો. પાઠશાળામાં જલદી જાણ થઈ ગઈ કે સુખલાલ પણ વિહારમાં સાથે જાય છે.
વિહારની તૈયારીઓ જોસભેર ચાલવા લાગી. વીરમગામથી નાનામંત્રી છોટાલાલ પારેખ આવ્યા. તેઓ મૂળ મહારાજજીના ભક્ત પણ પાઠશાળાના તંત્ર વિષે બધું જાણી કાંઈક શંકિત થઈ ગયા. ઉંમર નાની અને આવી નાજુક સમસ્યાનો ઉકેલ કદી કરવો પડેલો નહિ એટલે મૂંઝાયા પણ ખરા. મહારાજજીનું મંડળ એમ ધારતું કે છોટાલાલ સન્મિત્રના કહેવામાં આવી ગયા છે. ઉદ્ધત વિદ્યાર્થીઓ તેમનું અપમાન કરવાની અને તેમને મૂંઝવવાની તક શોધતા. કોઈ સાધારણ તક આવતાં મારા સિવાય બધા વિદ્યાર્થીઓએ એક સાથે મળી અરજી તૈયાર કરી જેમાં મંત્રીને એમ કહેવામાં આવ્યું હતું કે જો તમે તમારી અમુક વાત પાછી નહિ ખેંચો તો અમે બધા પાઠશાળા છોડી દઈશું. એક મોટા અને ડાહ્યા ગણાતા આગેવાન વિદ્યાર્થીએ જોયું કે સુખલાલને પણ સાથે લેવો જોઈએ. તેથી તેણે આવી મને કહ્યું કે છોટાલાલ પારેખે અમુક વિદ્યાર્થીનું અપમાન કર્યું છે. વિદ્યાર્થીઓનું અપમાન એ આપણા બધાનું અપમાન કહેવાય. અમે બધાએ મંત્રી માફી ન માંગે તો ચાલ્યા જવાનું નક્કી કરી અરજી લખી છે તેમાં તમારી પણ સહી જોઈએ, આવો અન્યાય આપણાથી કેમ સહેવાય ઇત્યાદિ. આવનાર ભાઈ હરખચંદ હતા, જે અત્યારે સાધુઅવસ્થામાં જયંતવિજયજીના નામે જાણીતા છે. એમના મધુર અને સુશીલ સ્વભાવથી હું ખેંચાયો અને અરજીમાં સહી કરી દીધી. મંત્રીએ બધા વિદ્યાર્થીઓને બોલાવી તેમની નારાજગીનાં કારણો જાણવા માંગ્યાં. દરમિયાન અરજીમાં મારું નામ વાંચી મને પણ બોલાવ્યો. હું જઈને જોઉં છું તો ઘણા મંત્રી સાથે ઉદ્ધતાઈથી વાત કરી રહ્યા હતા. મને છોટાભાઈએ પૂછ્યું કે તમે ખરી બીના જાણો છો ? મેં સીધેસીધું કહ્યું કે ના. એમણે પૂછ્યું ત્યારે તમે અરજીમાં સહી કેવી રીતે કરી ? મેં એક પણ સેકેન્ડ થોભ્યા સિવાય દુઃખ સાથે કહી દીધું કે હરખચંદભાઈના કહેવાથી મેં સહી કરી છે, પણ મારું નામ તમે રદ કરો. એટલું કહી હું વગર પૂછ્યું ત્યાંથી ઊઠી ગયો. છેવટે છોટાભાઈએ ત્યાંની પરિસ્થિતિથી મૂંઝાઈ નમતું આપવા મહારાજ પાસે જઈ માફી માંગી અને એ પ્રકરણ ત્યાં જ શમ્યું. આ ઘટનાથી અણધારી રીતે જ હું છોટાભાઈની વધારે નજીક આવ્યો હોઈશ એમ અત્યારે લાગે છે. તેમનું ધ્યાન મારા તરફ ગયું. એક વાર તેમણે કહ્યું કે, મારી ઉંમર નાની છે. અહીં હું નવો જ છું. એટલે આ ગૂંચવાયેલા કોકડામાં તમારા જેવો મોટી ઉંમરનો વિદ્યાર્થી જ મને ઉત્તરસાધક થઈ શકે, ઈત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org