________________
સામાજિક અને ધાર્મિક જીવનનો પરિચય ૦ ૫૧ બસ બધાએ એને દેવવાણી માની લીધી. મારી શ્રદ્ધા એ ઉપર ચોંટે નહિ છતાં મૌન રહ્યો. ઉત્સુકતાથી રાહ જોતાં જોતાં પંદરમો દિવસ આવી પહોંચ્યો, પણ મેઘરાજના નિશાન ડંકા સંભળાયા નહિ. ઘણા દૃઢ શ્રદ્ધાળુઓએ જ્યારે એવી દલીલ કરી કે પાંચદશ દિવસ આઘુંપાછું થાય તોય પંદર દિવસ કહેવાય ત્યારે મને એમ કહેવાનું સાહસ થઈ આવ્યું કે જો એવા ભામટાને સાચું ભવિષ્યત્ જ્ઞાન હોય તો તે પંદર દિવસ પૂરા થયા પહેલા જ બધી જ મળતી સગવડ છોડી શા માટે પલાયન કરી જાય ? યોગાભ્યાસનો નાદ
આ જ અરસામાં યોગાભ્યાસનો પણ નાદ લાગેલો. એનાં બીજ તો વવાયાં એક બાળકૃષ્ણજી નામના જૈન સાધુ દ્વારા. મૂળે એ સાયલા સંઘાડાના સાધુ, પણ પાછળથી ગુરુ અને સંઘાડાથી છૂટા પડેલા. તે ક્યારેક ઉપાશ્રયમાં ઊતરે તો કયારેક ગામ બહારની ધર્મશાળામાં બીજા બાવાઓ સાથે પણ ઊતરે. એમનો કંઠ સુમધુર અને ચિદાનંદ, આનંદઘન ઉપરાંત કબીર, દાદુપંથી સાધુ-સંતોનાં પણ અર્થવાહી આધ્યાત્મિક ભજનો ગાયા કરે અને યોગીઓની તેમ જ ગિરનારમાં વસતા અકળ શક્તિવાળા સાધુ-સંતોની વાતો કરે. મને પણ થયું કે આ ભણવા-ગણવાની લમણાંફોડ શી ? યોગ શીખીએ તો બધું વગર મહેનતે સિદ્ધ થાય. બાળકૃષ્ણજીની દૃષ્ટિ પણ મારા ઉપર ચોંટી. અમારું સખ્ય બંધાયું અને ઉપાશ્રયમાં રહી ચોમાસુ પણ કર્યું. મધરાતે ઊઠીને એકલા આસનપ્રાણાયામ કરે, નોળી-ધોતી કર્મ કરે, એ બધું જાણી તેમના પ્રત્યે મારો આદર વધ્યો અને એક વા૨ અમે બંનેએ નક્કી કર્યું કે ગિરનાર ચાલ્યા જવું અને ત્યાંની ગુફાઓમાંથી હજી જીવિત સંભળાતા ચિદાનંદને શોધી કાઢવા અને ત્યાં જ રહી જવું. જો એ જ વર્ષે હું ચોમાસામાં વઢવાણ કેમ્પ ઉત્તમચંદજી મહારાજ પાસે સંસ્કૃત શીખવા ગયો ન હોત અને ત્યાં રહ્યો ન હોત તો કદાચ ગિરનારની રખડપટ્ટી પણ થઈ હોત. જ્યારે ગિ૨ના૨ જવાનો મારો નિશ્ચય મોળો પડવાની વાત બાળકૃષ્ણજીએ જાણી ત્યારે મને આવા ભણતરની નિસ્સારતા વિષે કહ્યું ખરું પણ એની મારા ૫૨ અસર થઈ નહિ. જ્યારે કાશીથી પાછો ફરી આવતો ત્યારે સમાચાર જાણી ગમે તેટલે દૂરથી પણ બાળકૃષ્ણજી પોતે અગર તેમના કુંભાર ચેલા કર્મચંદ્રજી મળી જતા. એમની ધૂને એમને ગિરનારની સફર પણ કરાવી, પણ એનું પરિણામ એમની પાસેથી જાણવાની મને કદી તક મળી નહિ. મારી વૃત્તિ સંસ્કૃત વિદ્યાભ્યાસ તરફ ઉત્તરોત્તર વધ્યે જ જતી હતી તેમ છતાં યોગશક્તિ વિષેનો તે વખતે પડેલો સંસ્કાર ભૂંસાઈ જવાને બદલે મનમાં ઊંડાં મૂળ નાંખી રહ્યો હતો. અત્યારે મને લાગે છે કે એ અરસામાં શ્રીમદ્ રાજચંદ્રનો ભેટો થયો હોત તો કદાચ મારી યોગરુચિએ તે જ વખતે વિશિષ્ટ રૂપ ધારણ કર્યું હોત. એ ભેટો ન થવાનું મુખ્ય કારણ તો સાંપ્રદાયિક લોકોના મિથ્યા પ્રચારમાં હતું. પ્રતિષ્ઠિત ગણાતા અને શાસ્ત્રના વિદ્વાન મનાતા તેમજ નાની ઉંમરમાં ગુરુ તરીકે સ્વીકારેલ અમીચંદજી ઋષિ જેવાના મુખથી સીધેસીધું સાંભળેલું કે રાયચંદ્ર તો ગૃહસ્થ છે અને
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International