________________
૩૨ ૦ અનેકાન્ત ચિંતન દરેક પ્રકારના યજ્ઞ અને સમગ્ર વેદોનું પ્રામાણ્ય સ્થાપન કરવા લાગ્યો. છેવટે પ્રધાન ધર્મશાસ્ત્ર તરીકે લોકોમાં રૂઢ થયેલ વેદોના પ્રામાણ્યાપ્રામાણ્યનો જ પ્રશ્ન બંને વર્ગો વચ્ચે ચર્ચાનો મુખ્ય વિષય થઈ ગયો. અપ્રામાણ્ય સિદ્ધ કરનાર વર્ગ એમ કહેતો કે શાસ્ત્રને રચનાર પુરુષો હોય છે. કોઈ કોઈ પુરુષ કદાચ નિર્લોભ અને જ્ઞાની હોય, પણ દરેક કાંઈ તેવા હોતા નથી. તેથી એકાદ થોડાઘણા સ્વાર્થી કે થોડાઘણા અજ્ઞાની પુરુષ દ્વારા શાસ્ત્રમાં એવો ભાગ પણ દાખલ થઈ જાય છે કે જેને પ્રમાણ માનવા શુદ્ધ બુદ્ધિ તૈયાર ન થાય. બીજો વર્ગ એમ કહેતો કે એ વાત ખરી છે, પણ વેદની બાબતમાં તે લાગુ પડતી નથી. વેદોમાં તો પ્રામાણ્યની શંકા લઈ શકાય તેવું છે જ નહીં; કારણ એ છે કે પુરુષો વેદોના રચયિતા જ નથી. તેથી તેઓના અજ્ઞાન કે લોભને લઈને વેદોમાં અપ્રામાણ્ય આવે જ ક્યાંથી ? આવી રીતે વેદના પ્રામાણ્ય અને અપ્રામાયની ચર્ચામાંથી વેદના પર બે યત્વ અને અપૌરુષેયત્વનો વાદ જામ્યો. અપૌરુષેયત્વવાદમાં બે ફાંટા પડ્યા. બંનેની માન્યતાનું સમાનત્વ એ કે વેદો પ્રમાણ છે, તેમાં અપ્રમાણ ભાગ જરાયે નથી, પણ બંનેમાં એક મતભેદ જન્મ્યો. એક પક્ષ કહેવા લાગ્યો કે વેદ શબ્દરૂપ હોઈ અનિત્ય છે, તેથી તેનો કોઈ રચનાર તો હોવો જ જોઈએ. પુરુષો (સાધારણ જીવાત્માઓ) સર્વથા પૂર્ણ ન હોવાથી વેદોને તેઓની કૃતિ ન માની શકાય, એટલે સર્વજ્ઞ ઈશ્વરની રચનારૂપે વેદો મનાવા જોઈએ;
જ્યારે બીજો પક્ષ કહેવા લાગ્યો કે વેદ ભલે શબ્દરૂપ હોય, પણ વેદ એ નિત્ય છે અને નિત્ય એટલે અનાદિસિદ્ધિ. તેથી વેદને પુરુષોની કે ઈશ્વરની રચના માનવાની જરૂર નથી. આ રીતે પૌરુષેયત્વ-અપૌરુષેયત્વવાદમાં વેદના અનિત્યત્વ અને નિત્યત્વનો પ્રશ્ન પણ ચર્ચાવા લાગ્યો. વેદનું પ્રામાણ્ય મૂંગા મોંએ ન સ્વીકારનાર પક્ષ તો તેને પૌરુષેય અને અનિત્ય માનતો જ, પરંતુ તેનું પ્રામાણ્ય સ્વીકારનાર પણ એક પક્ષ તેને અનિત્ય માનતો થયો. વેદને અનિત્ય માની પ્રમાણ માનનાર પક્ષ નિત્યવાદીને કહેતો કે શાસ્ત્રનું પ્રામાણ્ય તેના રચનારની પૂર્ણતાને લઈને છે, તેથી જો વેદ કોઈની રચના ન હોય તો તેમાં પ્રામાણ્ય કેવી રીતે ઘટાવી શકાય ? આનો ઉત્તર બીજા પક્ષે આપ્યો કે પ્રામાણ્ય એ પરાધીન નથી; પરાધીન તો અપ્રામાણ્ય છે. તેથી જે શાસ્ત્રો કોઈનાં રચાયેલાં હોય તેમાં અપ્રામાણ્યનો સંભવ ખરો, પણ વેદ તો કોઈની રચના જ નથી, એટલે તેમાં પુરુષદોષની સંક્રાન્તિ અને તર્જન્ય અપ્રામાણ્યનો સંભવ ન હોવાથી વેદનું પ્રામાણ્ય સ્વતઃસિદ્ધ છે. આ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org