________________
૨૧૪ • અનેકાન્ત ચિંતન
આવી વસ્તુસ્થિતિ છતાં માતૃચેટનું પ્રસ્તુત સ્તોત્ર બ્રાહ્મણ અને શ્રમણ કવિઓની એ અતિશયતાઓથી સર્વથા મુક્ત રહ્યું છે. એમાં માતૃચેટે બુદ્ધના આધ્યાત્મિક જીવનને કવિસુલભ કલ્પના દ્વારા સરલ અને શિષ્ટ લૌકિક સંસ્કૃતમાં સ્તવ્યું છે, પણ એણે તેમાં દૈવી ચમત્કારો કે વિકસિત માનવતા સાથે જરા પણ અસંગત દેખાય એવી અતિશયતાઓનો આશ્રય લીધો જ નથી. તે સ્વમાન્ય તથાગતને સ્તવે છે, પણ ક્યાંય અન્ય સંપ્રદાયસંમત દેવો કે પુરુષો ઉપર એક પણ કટાક્ષ નથી કરતો. ગમે તેવા વિરોધી સંપ્રદાયના અનુયાયીને પણ માતચેટની આ સ્તુતિનો પાઠ તેને વિશે અણગમો ઉત્પન્ન નથી જ કરતો. આ શૈલી દ્વારા જાણે માતૃચેટે એવું તત્ત્વ સ્થાપિત કર્યું લાગે છે કે કોઈ પણ ભક્ત કે સ્તુતિકાર પોતાના ઈષ્ટદેવની ભક્તિ કે સ્તુતિ બીજા કોઈના દોષ જોયા સિવાય અને દૈવી કે અસ્વાભાવિક ચમત્કારોનો આશ્રય લીધા વિના પણ કરી શકે છે.
અહીં ઈ-ત્સિંગના ઉપર આપેલ એ કથન વિશે વિચાર કરવો ઘટે છે કે માતૃચેટની સ્તુતિઓના ઘણા વ્યાખ્યાકારો અને અનુકરણકારો થયા છે. આજે આપણી સામે માતૃચેટનું સમકાલીન કે ત્યાર પછીનું સંપૂર્ણ ભારતીય વાલ્મય નથી કે જેથી ઇ-સિંગના એ કથનની અક્ષરશઃ પરીક્ષા કરી શકાય. તેમ છતાં જે કાંઈ વાડ્મયની અસ્તવ્યસ્ત અને અધૂરી જાણ છે, તે ઉપરથી એ તો નિ:શંક કહી શકાય છે કે ઇ-સિંગનું એ કથન નિરાધાર કે માત્ર પ્રશંસાપૂરતું નથી. માતૃચેટની બે પૈકી પહેલી સ્તુતિ “ચતુશતક' છે. નાગાર્જુનની “મધ્યમકકારિકા' ૪૦૦ શ્લોકપ્રમાણ છે. નાગાર્જુનના શિષ્ય આર્યદેવનું ચતુ શતક પણ તેટલા જ શ્લોકપ્રમાણ છે. બન્ને ગુરુ-શિષ્ય માતચેટના સમીપ ઉત્તરવર્તી છે અને બૌદ્ધ શૂન્યવાદી વિદ્વાનો છે. તેથી એમ કહેવાનું મન થઈ જાય છે કે કદાચ નાગાર્જુન અને આર્યદેવે માતૃચેટના “ચતુઃ શતક”નું અનુકરણ કરી પોતપોતાનાં ચતુઃશતપ્રમાણ પ્રકરણો લખ્યાં. આ પ્રકરણો ઈ-સિંગ પહેલાં રચાયેલ હોઈ તેના ધ્યાનમાં હતાં જ અને તેનું ચીની ભાષાંતર પણ છે જ. ઈ-ત્સિગે ચતુઃશતકના અનુકરણની વાત કહી છે તે સાધાર લાગે છે. જૈન આચાર્ય હરિભદ્ર પ્રાકૃતિમાં વીસ વીશીઓ રચી છે, જે ચારસો શ્લોક પ્રમાણ થાય છે. જોકે હરિભદ્ર ઇત્સિંગના ઉત્તરવર્તી હોઈ એ વિશિકાઓ ઈત્સિગની જાણમાં ન હોઈ શકે, છતાં એટલું તો ભારતીય વિદ્વાનોની અનુકરણપરંપરા ઉપરથી કહી શકાય કે કદાચ હરિભદ્રની એ રચનામાં પણ માતૃચેટના ચતુ શતકની, સાક્ષાત્ નહિ તો પારસ્પરિક, પ્રેરણા હોઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org