________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક - ૨૧૩
કોઈ ઐતિહાસિક વ્યક્તિને સ્તવે છે. આગળ જતાં સ્તુતિનો પ્રવાહ બીજી દિશામાં પણ વહેવો શરૂ થાય છે. બૌદ્ધ પ્રાચીન પિટકોમાં અને જૈન આગમોમાં સ્તુતિઓ સંસ્કૃત ભાષાનું કલેવર છોડી પ્રાકૃત ભાષાનો આશ્રય લે છે અને સાથે જ તે કાલ્પનિક તેમ જ પૌરાણિક દેવ-દેવીઓનો પ્રદેશ છોડી ઐતિહાસિક વ્યક્તિનો વિષય સ્વીકારે છે. પાલિ સુત્તો બુદ્ધને સ્તવે છે, જ્યારે જૈન સુત્ત મહાવીરને સ્તવે છે. ભાષા અને વિષયભેદ ઉપરાંત આ પાલિપ્રાકૃત સ્તુતિઓનું બીજું પણ એક ખાસ લક્ષણ છે અને તે એ કે એ સ્તુતિઓ તદ્દન સાધારણ બુદ્ધિવાળા માણસથી પણ સમજાય તેવી સહેલી અને નિરાડમ્બર શૈલીમાં મળી આવે છે. માતૃચેટના ઉત્તરવર્તી બ્રાહ્મણપરંપરાના કવિઓ વૈદિક શૈલીમાં સ્તુતિઓ રચે છે. કાલિદાસ જેવા મહાકવિઓ કવિત્વસુલભ કલ્પનાઓ દ્વારા સુપ્રસન્ન અને હૃદયંગમ શબ્દબંધમાં ઈષ્ટદેવને સ્તવે છે, તો બાણ-મયૂર આદિ સ્તુતિકારો વ્યાકરણ અને અલંકારશાસ્ત્રના ભારથી લચી જતી એવી શબ્દાડંબરી શૈલીમાં સ્તુતિઓ રચે છે, પણ આ બધા જ કવિઓનું સામાન્ય લક્ષણ એ છે કે તેઓ પોતાના વૈદિક પૂર્વજોના ચાલેલ ચીલે ચાલી પ્રકૃતિગત તેમ જ પૌરાણિક દેવદેવીઓની જ મુખ્યપણે સ્તુતિઓ રચે છે. એમાંથી કોઈની સરસ્વતી ભાગ્યે જ ઐતિહાસિક વ્યક્તિને સ્તવે છે. તેથી ઊલટું, માતૃચેટના ઉત્તરવર્તી બૌદ્ધને જૈન સ્તુતિકારો પોતાના પૂર્વજોને માર્ગે જ વિચરી બુદ્ધ-મહાવીર જેવા ઐતિહાસિક કે પૌરાણિક પણ મનુષ્યની સ્તુતિઓ રચે છે. તેઓ પોતાના પૂર્વજોની અકૃત્રિમ શૈલી છોડી મોટે ભાગે શબ્દ અને અલંકારના આડંબરમાં કવિત્વસુલભ કલ્પનાઓને વણે છે. એટલું જ નહિ, પણ તેઓ ઐતિહાસિક માનવજીવનનું ચિત્ર સ્તુતિ દ્વારા રજૂ કરવા પ્રવૃત્ત થયા હોવા છતાં તેમાં એવાં અનેક તત્ત્વોની ભેળસેળ કરે છે કે જેથી તે સ્તુત્ય વ્યક્તિનું જીવન શુદ્ધ માનવજીવન ન રહેતાં અર્ધ દૈવીજીવન કે અર્ધ કાલ્પનિક જીવન ભાસવા લાગે છે. પછીના બૌદ્ધ કે જૈન દરેક સ્તુતિકારે મોટા ભાગે પોતાના ઇષ્ટદેવને આવતાં અનેક દૈવી ચમત્કારો અને માનવજીવનને અસુલભ એવી અનેક અતિશયતાઓ વર્ણવી છે. વધારામાં એ સ્તુતિઓ શુદ્ધ વર્ણનાત્મક ન રહેતાં બહુધા ખંડનાત્મક પણ બની ગઈ છે—જાણે પોતાને અમાન્ય એવા સંપ્રદાયોના ઈષ્ટદેવો ઉપર કટાક્ષ-ક્ષેપ કર્યા સિવાય પોતાના ઈષ્ટદેવની સ્તુતિ જ કરવા તેઓ અસમર્થ બની ગયા હોય ! મોટે ભાગે દરેક સંપ્રદાયની સ્તુતિનું સ્વરૂપ એવું બની ગયું છે કે તેનો પાઠ તે સંપ્રદાયના શ્રદ્ધાળુ ભક્ત સિવાય બીજામાં ભાગ્યે જ ભક્તિ જગાડી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org