________________
રીતે સ્થાન આપવું.
જેમ જેમ માણસની વિવેકશક્તિ વધે છે તેમ તેમ તેની દૃષ્ટિમર્યાદા વધવાને લીધે તેને પોતાની અંદર રહેલી સંકુચિતતાઓ અને વાસનાઓના દબાણની સામે થવું પડે છે. જ્યાં સુધી માણસસંકુચિતતાઓ અને વાસનાઓ સામે ન થાય ત્યાં સુધી તે પોતાના જીવનમાં અનેકાંતના વિચારને વાસ્તવિક સ્થાન આપી જ નથી શકતો. તેથી અનેકાંતના વિચારની રક્ષા અને વૃદ્ધિના પ્રશ્નમાંથી જ અહિંસાનો પ્રશ્ન આવે છે. જૈન અહિંસા એ માત્ર ચુપચાપ બેસી રહેવામાં કે ધંધોધાપો છોડી દેવામાં કે માત્ર લાકડા જેવી નિશ્ચેષ્ટ સ્થિતિ સાધવામાં નથી સમાતી, પણ એ અહિંસા ખરા આત્મિક બળની અપેક્ષા રાખે છે. કોઈ પણ વિકાર ઊભો થયો, કોઈ વાસનાએ ડોકિયું કાઢ્યું કે કોઈ સંકુચિતતા મનમાં સરકી ત્યાં જૈન અહિંસા એમ કહે કે તું એ વિકારો, એ વાસનાઓ, એ સંકુચિતતાઓથી ન હણા, ન હાર, ન દબા. તું એની સામે ઝઝૂમ અને એ વિરોધી બળોને જીત. આ આધ્યાત્મિક જય માટેનો પ્રયત્ન એ જ મુખ્ય જૈન અહિંસા છે. આને સંયમ કહો, તપ કહો, ધ્યાન કહો કે કોઈ પણ તેવું આધ્યાત્મિક નામ આપો, પણ એ વસ્તુતઃ અહિંસા જ છે; અને જૈન દર્શન એમ કહે છે કે અહિંસા એ માત્ર સ્થૂલ આચાર નથી, પણ તે શુદ્ધ વિચારના પરિપાકરૂપે અવતરેલો જીવનોત્કર્ષક આચાર છે.
જૈન તત્ત્વજ્ઞાન ૦ ૧૩
ઉપ૨ વર્ણવેલ અહિંસાના સૂક્ષ્મ અને વાસ્તવિક રૂપમાંથી કોઈ પણ બાહ્યાચાર જન્મ્યો હોય અગર એ સૂક્ષ્મ રૂપની પુષ્ટિ માટે કોઈ આચાર નિર્માયો હોય તો તેને જૈન તત્ત્વજ્ઞાનમાં અહિંસા તરીકે સ્થાન છે. તેથી ઊલટું, દેખીતી રીતે અહિંસામય ગમે તે આચાર કે વ્યવહારના મૂળમાં જો ઉપરનું અહિંસાનું આંતરિક તત્ત્વ સંબંધ ન ધરાવતું હોય તો તે આચાર અને તે વ્યવહાર જૈન દૃષ્ટિએ અહિંસા છે કે અહિંસાના પોષક છે એમ ન કહી શકાય.
અહીં જૈન તત્ત્વજ્ઞાનને લગતા વિચારમાં પ્રમેયચર્ચા જાણીને જ લંબાવી નથી. માત્ર એ વિશેની જૈન વિચારસરણીનો ઇશારો કર્યો છે. આચારની બાબતમાં પણ કોઈ બહારના નિયમો અને બંધારણ વિશે જાણીને જ ચર્ચા નથી કરી, પણ આચારનાં મૂળ તત્ત્વોની જીવનશોધન રૂપે સહેજ ચર્ચા કરી છે, જેને જૈન પરિભાષામાં આસવ, સંવર આદિ તત્ત્વો કહેવામાં આવે છે. આશા છે કે આ ટૂંક વર્ણન જૈન દર્શનની વિશેષ જિજ્ઞાસા ઉત્પન્ન કરવામાં કાંઈક મદદગાર થશે.
– પ્રબુદ્ધ જૈન, ૧૫-૬-'૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org