________________
૧૨ ૦ અનેકાન્ત ચિંતન એ ત્રણે શાખાઓ ગણાવી શકાય.
આત્માને કોઈ એક માને કે કોઈ અનેક માને, કોઈ ઈશ્વરને માને કે કોઈ ન માને ઈત્યાદિ તાત્ત્વિક વિચારણાનો ભેદ બુદ્ધિના તરતમભાવ ઉપર નિર્ભર છે અને એ તરતમભાવ અનિવાર્ય છે. એ જ રીતે બાહ્ય આચાર અને નિયમોના ભેદો બુદ્ધિ, રુચિ તેમ જ પરિસ્થિતિના ભેદમાંથી જન્મે છે. કોઈ કાશી જઈ ગંગાસ્નાન અને વિશ્વનાથના દર્શનમાં પવિત્રતા માને, કોઈ બુદ્ધગયા અને સારનાથ જઈ બુદ્ધનાં દર્શનમાં કૃતકૃત્યતા માને, કોઈ શત્રુંજયને ભેટી સફળતા માને, કોઈ મક્કા અને જેરૂસલેમ જઈ ધન્યતા માને, એજ રીતે કોઈ અગિયારસના તપ-ઉપવાસને અતિ પવિત્ર ગણે. બીજો કોઈ અષ્ટમી અને ચતુર્દશીના વ્રતને મહત્ત્વ આપે; કોઈ તપ ઉપર બહુ ભાર ન આપતાં દાન ઉપર આપે તો બીજો કોઈ તપ ઉપરપણ વધારે ભાર આપે. આ રીતે પરંપરાગત ભિન્ન ભિન્ન સંસ્કારોનું પોષણ અને રુચિભેદનું માનસિક વાતાવરણ અનિવાર્ય હોવાથી બાહ્યાચાર અને પ્રવૃત્તિનો ભેદ કદી ભૂંસાવાનો નહીં. ભેદની ઉત્પાદક અને પોષક આટલી બધી વસ્તુઓ છતાં સત્ય એવું છે કે તે ખરી રીતે ખંડિત થતું જ નથી. તેથી જ આપણે ઉપરની આધ્યાત્મિક વિકાસક્રમને લગતી તુલનામાં જોઈએ છીએ કે ગમે તે રીતે, ગમે તે ભાષામાં અને ગમે તે રૂપમાં જીવનનું સત્ય એકસરખું જ બધા અનુભવી તત્ત્વજ્ઞોના અનુભવમાં પ્રગટ થયું છે.
પ્રસ્તુત વક્તવ્ય પૂરું કરું તે પહેલાં જૈન દર્શનની સર્વમાન્ય બે વિશેષતાઓનો ઉલ્લેખ કરી દઉં. અનેકાંત અને અહિંસા એ બે મુદ્દાઓની ચર્ચા ઉપર જ આખા જૈન સાહિત્યનું મંડાણ છે. જૈન આચાર અને સંપ્રદાયની વિશેષતા આ બે બાબતોથી જ બતાવી શકાય. સત્ય ખરી રીતે એક જ હોય છે, પણ મનુષ્યની દષ્ટિ તેને એક રીતે ગ્રહણ કરી શકતી જ નથી. તેથી સત્યના દર્શન માટે મનુષ્ય પોતાની દૃષ્ટિમર્યાદા વિકસાવવી જોઈએ અને તેમાં સત્યાગ્રહણની સંભવિત બધી જ રીતોને સ્થાન આપવું જોઈએ. આ ઉદાત્ત અને વિશાળ ભાવનામાંથી અનેકાંતની વિચારસરણીનો જન્મ થયેલો છે. એ સરણી કાંઈ વાદવિવાદમાં જય મેળવવા માટે કે વિતંડાવાદની સાઠમારી રમવા માટે અગર તો શબ્દ-છળની આંટીઘૂંટી ખેલવા માટે યોજાયેલી નથી, પણ એ તો જીવનશોધનના એક ભાગ તરીકે વિવેકશક્તિને વિકસાવવા અને સત્યદર્શનની દિશામાં આગળ વધવા માટે યોજાયેલી છે. તેથી અનેકાંતવિચારસરણીનો ખરો અર્થ એ છે કે સત્યદર્શનને લક્ષમાં રાખી તેના બધા અંશો અને ભાગોને એક વિશાળ માનસવર્તુળમાં યોગ્ય For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International