________________
જૈન તત્ત્વજ્ઞાન ૦ ૧૧
(૩) જૈન શાસ્ત્રમાં જે સાત તત્ત્વ કહેલાં છે તેમાંથી મૂળ જીવ અને અજીવ એ બે તત્ત્વ વિશે ઉપર સરખામણી કરી. હવે બાકી ખરી રીતે પાંચમાંથી ચાર તત્ત્વો જ રહે છે. આ ચાર તત્ત્વો જીવનશોધનને લગતાં અર્થાત્ આધ્યાત્મિક વિકાસક્રમને લગતાં છે, જેને ચારિત્રીય તત્ત્વો પણ કહી શકાય. બંધ, આશ્રવ, સંવર અને મોક્ષ એ ચાર તત્ત્વો છે. આ તત્ત્વોને બૌદ્ધ શાસ્ત્રોમાં અનુક્રમે દુઃખ, દુઃખહેતુ, નિર્વાણમાર્ગ અને નિર્વાણ એ ચાર આર્યસત્ય તરીકે વર્ણવેલાં છે. સાંખ્ય અને યોગશાસ્ત્રમાં એને જ હેય, હેતુ, હાનોપાય, અને હાન કહી ચતુર્વ્યૂહ તરીકે વર્ણવેલ છે. ન્યાય અને વૈશેષિક દર્શનમાં પણ એ જ વસ્તુ સંસાર, મિથ્યાજ્ઞાન, સમ્યકજ્ઞાન અને અપવર્ગનાં નામ આપી વર્ણવેલ છે. વેદાંત દર્શનમાં સંસાર, અવિદ્યા, બ્રહ્મસાક્ષાત્કાર અને બ્રહ્મભાવના નામથી એ જ વસ્તુ દર્શાવવામાં આવી છે.
જૈન દર્શનમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની ત્રણ સંક્ષિપ્ત ભૂમિકાઓને જરા વિસ્તારી ચૌદ ભૂમિકારૂપે પણ વર્ણવેલી છે, જે જૈન પરંપરામાં ગુણસ્થાનના નામથી જાણીતી છે. યોગવાસિષ્ઠ જેવા વેદાન્તના ગ્રંથોમાં પણ સાત અજ્ઞાનની અને સાત જ્ઞાનની એમ ચૌદ આત્મિક ભૂમિકાઓનું વર્ણન છે. સાંખ્ય-યોગ દર્શનની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ એ પાંચ ચિત્તભૂમિકાઓ પણ એ જ ચૌદ ભૂમિકાઓનું સંક્ષિપ્ત વર્ગીકરણ માત્ર છે. બૌદ્ધ દર્શનમાં પણ એ જ આધ્યાત્મિક વિકાસક્રમને પૃથજન, સોતાપન આદિ તરીકે છ ભૂમિકાઓમાં વહેંચી વર્ણવેલો છે. આ રીતે આપણે બધાં જ ભારતીય દર્શનોમાં સંસારથી મોક્ષ સુધીની સ્થિતિ, તેનો ક્રમ અને તેનાં કારણો વિશે તદ્દન એક મત અને એક વિચાર વાંચીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે જ્યારે બધાં જ દર્શનોના વિચારોમાં મૌલિક એકતા છે ત્યારે પંથ પંથ વચ્ચે કદી ન સંધાય એવો આટલો બધો ભેદ કેમ દેખાય છે?
આનો ઉત્તર સ્પષ્ટ છે. પંથોની ભિન્નતા મુખ્ય બે વસ્તુઓને આભારી છેઃ તત્ત્વજ્ઞાનની જુદાઈ અને બાહ્ય આચારવિચારની જુદાઈ. કેટલાક પંથો તો એવા જ છે કે જેમના બાહ્ય આચારવિચારમાં તફાવત હોવા ઉપરાંત તત્ત્વજ્ઞાનની વિચારસરણીમાં પણ અમુક ભેદ હોય છે; જેમ કે વેદાન્ત, બૌદ્ધ અને જૈન આદિ પંથો. વળી કેટલાક પંથો કે તેના ફાંટાઓ એવા પણ હોય છે કે જેમની તત્ત્વજ્ઞાન-વિષયક વિચારસરણીમાં ખાસ ભેદ હોતો જ નથી, તેમનો ભેદ મુખ્યત્વે બાહ્ય આચારને અવલંબી ઊભો થયેલો અને પોષાયેલો હોય છે; દાખલા તરીકે જૈન દર્શનની શ્વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org