________________
૧૫૪ - અનેકાન્ત ચિંતન દાર્શનિક સર્વ વિષયોનું સંગ્રહસ્થાન બનાવ્યું. આવો મહાન ઉદેશ સિદ્ધ કરવા જતાં ટીકાનું પ્રમાણ વધે એ સ્વાભાવિક છે. જો એનો એટલો વિસ્તાર કરવામાં તેઓએ કૃપણતા કરી હોત તો દશમા સૈકા સુધીના ભારતીય સમગ્ર દાર્શનિક વિષયોની વિકસિત ચર્ચા એક સ્થળે આપણને ભાગ્યે જ જોવા મળત. તેથી ટીકાનો વિસ્તાર એ એનું ખરું મહત્ત્વ છે, કારણ કે તેથી જ તેનો ઉદેશ સધાય છે. '
અગિયારમા સૈકા પછી શ્વેતાંબર સાહિત્યમાં એવા પણ ગ્રંથો રચાયા છે કે જે કદમાં પ્રસ્તુત ટીકા કરતાં ત્રણ ગણા છે, છતાં એ મહાકાય ગ્રંથો અભયદેવસૂરિના સર્વસંગ્રહના ઋણી છે, કારણ કે પ્રસ્તુત ટીકામાં સંગૃહીત થયેલ વિષયો તેમને સરળતાથી મળી ગયા છે. એક બીજી દૃષ્ટિએ પણ પ્રસ્તુત ટીકાનું મહત્ત્વ છે, અને તે એ કે દશમા સૈકા પછીના ગ્રંથોની જેમ તેમાં શબ્દાડંબર નથી. એમાં ભાષાનો પ્રસન્ન પ્રવાહ શરઋતુના નદીપ્રવાહની જેમ વહ્યું જ જાય છે. ભારતીપૂજામાં ગુજરાતનો ફાળો
સાહિત્યનાં સર્જન, રક્ષણ અને વિસ્તારમાં આ દેશના બીજા ભાગોને મુકાબલે ગુજરાતનું સ્થાન ક્યાં છે એનું સ્પષ્ટ અને વિસ્તૃત ભાન તો ગુજરાતીઓને જાગ્રત કરી પુરુષાર્થની દિશામાં પ્રેરે તેવું અને ઈતર પ્રાંતના દેશવાસીઓને ગુજરાત પ્રત્યે બહુમાનશીલ કરે તેવું અવશ્ય છે, પણ એ વિશેની ગંભીર અને વિસ્તૃત માહિતીમાં અત્રે ન ઊતરતાં ટૂંકમાં એટલું જણાવી દેવું બસ થશે કે ભારતીમંદિરમાં સાહિત્યોપાસનાનું નૈવેદ્ય ધરવામાં પોતપોતાની ઢબે બીજા પ્રાંતોએ જે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો છે તેવો ભાગ લેવામાં વૈશ્યવૃત્તિપ્રધાન ગુજરાત જરાયે પાછું નથી રહ્યું; બલકે ઘણા અંશોમાં તો તેનું વ્યક્તિત્વમાત્ર નિરાળું જ નહિ, પણ બીજા પ્રાંતો કરતાં ચિઢિયાતુંયે છે.
જૂના યુગને બાદ કરી ઐતિહાસિક યુગ તરફ આવી પૂર્વ અને ઉત્તર હિંદુસ્તાનના વિદ્વાનોને જોઈએ છીએ તો તેઓ વ્યાકરણ, કોષ, કાવ્ય, નાટક, અલંકાર, દર્શન, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, નીતિ, ધર્મશાસ્ત્ર, સંગીત, શિલ્પ, જ્યોતિષ, ચિકિત્સા આદિ અનેક સાહિત્યની શાખાઓના મૌલિક તથા ટીકાત્મક ગ્રંથો રચી વિશ્વભારતીને ભેટ કરતા નજરે પડે છે. દક્ષિણ હિંદુસ્તાનના બ્રાહ્મણ વિદ્વાનો પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસાના જગદાકર્ષક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org