________________
સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ - ૧૫૫
ભાષ્ય અને ટીકાગ્રંથો રચીને સરસ્વતીની આરાધના કરતા નજરે પડે છે; તેમ જ તે ભાગના જૈન વિદ્વાનો આગમિક અનેકાંતવાદને તાર્કિક પદ્ધતિએ વિશદ કરતા ગ્રંથોને રચી જુદી જ રીતે સરસ્વતીની સેવા કરતા નજરે પડે છે. કાશ્મીરના વિદ્વાનો વળી તંત્ર, શૈવ અને પાશુપતદર્શન વિશે અનુપમ સાહિત્ય નિર્માણ કરી કાવ્ય અને અલંકારના પ્રદેશમાં અદ્ભુત પ્રતિભાદર્શક કૃતિઓ સરજી શારદાને પ્રસન્ન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના સુપુત્રો પણ લગભગ સાહિત્ય અને કળાની પ્રાચીન બધી શાખાઓમાં ગૌરવ પ્રાપ્ત કરે તેવી કૃતિઓ બનાવી વાદેવીની અભ્યર્ચના કરતા દેખાય છે.
સાહિત્યનાં સર્જન, સંગ્રહ અને રક્ષણમાં ગુજરાતના બ્રાહ્મણ સંપ્રદાયે કે શ્રમણ સંપ્રદાયે અને શ્રમણ સંપ્રદાયમાં પણ જૈન કે બૌદ્ધે કેટકેટલો ભાગ આપ્યો એનું પૃથક્કરણ અત્યારે અનાવશ્યક છે. અત્યારે તો એમ જ માનવું જોઈએ કે એ બધો ફાળો ગુજરાતે આપેલો ફાળો જ છે, અને તેમાં જ ગુજરાતનું વિશિષ્ટ વ્યક્તિત્વ અને ઉદારત્વ છે.
જ્યારે પૂર્વ, ઉત્તર અને દક્ષિણ હિંદુસ્તાનના બ્રાહ્મણ વિદ્વાનો જ મુખ્ય ભાગે પોતાની પ્રતિભા અને વિદ્યાવ્યાસંગનું અદ્ભુત નિદર્શન દાર્શનિક અને તાર્કિક ગ્રંથો મારફત કરાવી રહ્યા છે, ત્યારે ગુજરાતના જૈન શ્રમણો જ દાર્શનિક અને તાર્કિક પ્રદેશમાં પોતાની ગંભીર વિચારણાનું પ્રદર્શન કરાવે છે.
ગુજરાતમાં બૌદ્ધ વિદ્વાનોને હાથે રચાયેલી કોઈ કૃતિ વિશે આજે સ્પષ્ટ પ્રમાણ નથી. બ્રાહ્મણ વિદ્વાનોને હાથે દર્શન કે ન્યાયના વિષયમાં કાંઈ પણ મહત્ત્વપૂર્ણ લખાયું હોય એવી માહિતી અદ્યાપિ નથી જ મળી. દર્શન અને તર્કના પ્રદેશમાં સ્વૈરવિહાર કરનાર સિદ્ધસેન, મલ્લવાદી, સિંહક્ષમાશ્રમણ, જિનભદ્ર, હરિભદ્ર, શાંત્યાચાર્ય, અભયદેવ, મલયગિરિ, હેમચંદ્ર, ચંદ્રપ્રભ, નરચંદ્ર, જિનેશ્વર, મુનિચંદ્ર, વાદી દેવસૂરિ, ગુણરત્ન, મલ્લિષેણ, રાજશેખર અને છેલ્લા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી એ બધા જૈન શ્રમણો જ છે, અને તેમાં કેટલાયે તો એવા છે કે જેની એકએકની કૃતિઓની સંખ્યા ક્ષેમેન્દ્રની તે સંખ્યા કરતાં બમણી કે ચારગણી સુધ્ધાં છે. એ બધાની કૃતિઓ અત્રે મુખ્ય પ્રસ્તુત નથી. એમાં સિદ્ધસેનની કૃતિઓ અને તેમાંયે સન્મતિતર્ક પ્રસ્તુત છે અને તેથી ગુજરાતે ગૌરવ લેવું જોઈએ કે સન્મતિ અગર તેની ટીકા એ ગુજરાતનું સર્જન છે.
આપણું જૂનામાં જૂનું જે જ્ઞાન સચવાઈ રહ્યું છે તેનાં સાધનોમાં મુખ્ય સાધન ભંડાર છે. પુસ્તકસંગ્રહ(લાઇબ્રેરી)ની પ્રથા આ દેશ માટે નવી નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International