________________
સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ ૦ ૧૪૭ કહેવરાવવામાં સંતોષ માને છે અને એ નયવાદની યોગ્ય મીમાંસા નથી કરતા તેઓ અજ્ઞ છે. સંપૂર્ણ નયવાદનું જ્ઞાન એ જ નિર્દોષ સમ્યગ્દર્શન છે; એ વિનાના માત્ર આત્મોત્કર્ષથી પોતાની પ્રશંસા કરતા કરતા છેવટે નષ્ટ થાય છે. કેટલાકો પોતાને શાસનભક્ત અને સિદ્ધાંતજ્ઞ માની દિવાકરશ્રી જેવા સૂક્ષ્મ દ્રષ્ટાને શાસનનાશક અથવા શુષ્ક તાર્કિક કહેતા તેઓને લક્ષીને દિવાકરશ્રી કહે છે કે, ભાઈઓ ! માત્ર સિદ્ધાંતજ્ઞ થવાથી તેની પ્રરૂપણા કરવા જેટલી સ્થિરબુદ્ધિ નથી આવી શકતી. વળી આગળ વધી તેઓ કહે છે કે માત્ર સૂત્રપાઠથી અર્થનો ઠીક બોધ નથી થતો. એવો બોધ કઠિન નયવાદની અપેક્ષા રાખતો હોવાથી દુર્ગમ છે. તેટલા માટે સૂત્રપાઠી દરેક જણે અર્થજ્ઞાન મેળવવા પ્રયત્નશીલ થવું. જે આચાર્યો અશિક્ષિત અને છતાં ધૃષ્ટ છે તેઓ ભગવાનની આજ્ઞાને અવગણે છે. છેવટે કેટલાકની બહારની ધમાલ અને મોટપનો દાવો જોઈ દિવાકરશ્રી દુઃખપૂર્વક કહે છે કે જેઓ વિચાર વિના જ ઘણાં પોથાં વાંચી પોતાને બહુશ્રુત માને છે, જેઓ મોટા શિષ્યપરિવારને લીધે પોતાને બહુસંમત માનવાની ભૂલ કરે છે, તેઓ શાસ્ત્રમાં સ્થિરમતિ ન થતા ઊલટા સિદ્ધાંતદ્રોહી બને છે.
દિવાકરશ્રીના આટલા પ્રાસંગિક ઉદ્ગારોથી એ સ્પષ્ટ થાય છે કે સન્મતિની રચના એ મુખ્યપણે શ્રમણસંધમાં પ્રજ્ઞાબળ પ્રેરવા માટે થયેલી છે; પરંતુ એ ઉપરાંત એ રચનાનો બીજો પણ ઉદ્દેશ હતો અને તે એ છે કે જૈન તત્ત્વોનું જૈનેતર વિદ્વાનોમાં જ્ઞાન લાવવું અને જેઓ જૈન સિદ્ધાંતો ઉપર આક્ષેપો મૂકતા તેઓને સચોટ ઉત્તર આપવો. આપણે સન્મતિની નય, જ્ઞાન અને જ્ઞેયની પ્રરૂપણાઓમાંથી નય અને જ્ઞેયની પ્રરૂપણાઓમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે એ બીજો ઉદ્દેશ સિદ્ધ કરવા દિવાકરશ્રીનું ખાસ લક્ષ્ય હતું. તેથી જ તેઓએ નયવાદનું સુંદર પૃથક્કરણ કરી ઉપલબ્ધ તત્કાલીન સમગ્ર દર્શનોને સ્યાદ્વાદની સાંકળની કડીઓ જેવા ભિન્ન ભિન્ન નયોમાં યોગ્ય રીતે ગોઠવ્યા છે અને તે રીતે તેની મહત્તા આંકી છે. જે દર્શનો માત્ર પોતાની પ્રરૂપણા સિવાય બીજી પ્રરૂપણાઓને ઘટતું સ્થાન નથી આપતાં તે બધાંને તેઓએ એકતરફી અને અધૂરાં સાબિત કરવાનો ખાસ પ્રયત્ન કર્યો છે અને નયવાદનું તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં કેવું સ્થાન છે એ સમજાવવા પ્રબળ પુરુષાર્થ દાખવ્યો છે. જેઓ વગર સમજ્યે અનેકાંતનો ઉપહાસ કરતા તેઓને તેનું સ્વરૂપ સમજાવવા આકર્ષક ચર્ચા કરી છે અને છેવટે કહ્યું છે કે જેના વિના વ્યવહારનું એક પણ કામ સિદ્ધ નથી થઈ શકતું એવા અનેકાંતવાદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org