________________
ભારતીય તરવજ્ઞાન ઉપાયોમાં ઉપર ગણાવેલા ઉપાયો ઉપરાંત તપનો સ્વીકાર છે. નિર્જરાનો ખાસ ઉપાય તપ છે.“ તપના બે પ્રકાર છે - બાહ્ય તપ અને આંતર તપ. બાહ્ય તપમાં અનશન આદિનો સમાવેશ થાય છે. આંતર તપમાં પ્રાયશ્ચિત્ત (દોષશોધનક્રિયા), વિનય, વૈયાવૃત્ય (સેવાભક્તિ), સ્વાધ્યાય, વ્યુત્સર્ગ (મમત્વનો-કાષાયિક વિકારોનો ત્યાગ) તથા કલ્યાણગામી એકાગ્રતારૂપ ધ્યાન આ છનો સમાવેશ થાય છે. તપથી સંવર પણ સધાય છે. પરંતુ નિર્જરા માટે તો મુખ્ય ખાસ ઉપાય તપ જ છે. આવતાં કર્મોને તદ્દન અટકાવી દેતાં અને લાગેલાં કર્મોને સંપૂર્ણપણે ખેરવી નાખતાં આત્મા સંપૂર્ણપણે કર્મરહિત બની જાય છે. સંપૂર્ણપણે કર્મથી મુક્તિ એ જ મોક્ષ છે.
કર્મ અને પુનર્જન્મ-ભારતીય દર્શનોનો સર્વસાધારણ સિદ્ધાંત ચાર્વાક દર્શનને છોડી બાકીનાં બધાં જ દર્શનો કર્મવાદને અને પુનર્જન્મને સ્વીકારે છે. બધાં ભારતીય દર્શનોમાં એ વાત ઉપર સર્વસંમતિ છે કે મનુષ્ય કે વ્યક્તિ જે કર્મ કરે છે એ કર્મનું ફળ તેને જ મળે છે. શુભ કર્મનું ફળ સુખ છે અને અશુભ કર્મનું ફળદુઃખ છે. જે કર્મનું ફળ વર્તમાન જન્મમાં મળતું નથી તે કર્મનું ફળ પછીના જન્મમાં મળે છે. જીવ પોતાનાં કર્માનુસાર વિવિધ યોનિઓમાં જન્મે છે. જ્યારે જીવ તૃષ્ણારહિત બની જાય છે ત્યારે તે ફલાસક્તિરહિત કર્મ કરે છે. નિષ્કામભાવે કરાતાં કર્મો બન્ધન નથી બનતાં. એ સ્થિતિમાં
જીવને કેવળ પૂર્વજન્મોનાં કર્મોનાં જ ફળ ભોગવવાં પડે છે. તેને પુનર્ભવ નથી. તે દેહપાત પછી મુક્ત બને છે. અંતિમ જન્મમાં બધાં કર્મોનાં ફળો ખાસ પ્રક્રિયાથી તે ભોગવી લે છે.
કર્મસિદ્ધાન્ત પરનો આક્ષેપ અને તેનો પરિહાર કર્મ સિદ્ધાન્ત નિયતિવાદ (predeterminism) અને નિરાશાવાદ ભણી લઈ જાય છે, તેમાં પુરુષ સ્વાતંત્ર્યને (freedom of willને) અવકાશ જ નથી. પૂર્વ કર્મોને કારણે પ્રાણી અત્યારે જે કંઈ છે કે કરે છે તે છે અને કરે છે, અત્યારનાં કર્મો તેના ભાવિ વ્યક્તિત્વને નિયત કરશે અને આમ ચાલ્યા કરશે. પુરુષ સંપૂર્ણપણે પૂર્વકથી બદ્ધ છે, એટલું જ નહિ તેમનાથી તેનો ચેહસિક અને શારીરિક વ્યવહાર - તેનું સંપૂર્ણ વ્યક્તિત્વ -- નિયત છે. આમાં પુરુષસ્વાતંત્ર્યને અવકાશ ક્યાં રહ્યો? વળી, આમાં મુક્તિનો સંભવ પણ ક્યાં રહ્યો? આ શંકા બરાબર નથી. તે કર્મસિદ્ધાંતની અધૂરી સમજમાંથી ઊભી થયેલી છે. કર્મ અનુસાર પુરુષને ભિન્ન ભિન્ન શક્તિવાળાં મન, શરીર અને બાહ્ય સાધનો પ્રાપ્ત થાય છે તેમ જ તે ભિન્ન ભિન્ન વાતાવરણ અને પરિસ્થિતિમાં મુકાય છે એટલું જ, પરંતુ પ્રાપ્ત સાધનોનો ઉપયોગ કેમ કરો અને અમુક વાતાવરણ અને પરિસ્થિતિમાં કેવો પ્રત્યાઘાત આપવો તે તેના હાથની વાત છે એવું કર્મસિદ્ધાન્ત માને છે. વળી, પુરુષ પોતાના પ્રયત્નથી પૂર્વકર્મોની અસરોને હળવી કે નષ્ટ કરી શકે છે એવું પણ કર્મસિદ્ધાંતમાં સ્વીકારાયું છે. પુરુષ ઉપર કર્મનું નહિ પણ કર્મ ઉપર પુરુષનું આધિપત્ય છે-અલબત્ત પુરુષને તેનું ભાન થવું જોઈએ, તેનું ચિત્ત ચમકવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org