________________
ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા • ૫૯ એ ધ્યેયવાળો ભાવ જૈન પ્રથમ પોતાનાં આત્મિક કર્તવ્યો સમજી તેમાં રસ લેશે. તેથી એ પોતાની બુદ્ધિની વિશુદ્ધિ અને વિકાસ માટે પોતાથી બનતું બધું જ કરશે અને પોતાના પુરુષાર્થનું જરાય ગોપન નહિ કરે, કેમકે એ સમજશે કે બુદ્ધિ અને પુરુષાર્થના દ્રોહમાં જ આત્મદ્રોહ અને આત્મકર્તવ્યનો દ્રોહ છે. તે કુટુંબ પ્રત્યેનાં પોતાનાં નાનાંમોટાં સમગ્ર કર્તવ્યો અને જવાબદારીઓ અદા કરવામાં પોતાનું જીવનસાફલ્ય લેખશે. એટલે તેના જીવનથી તેનું કુટુંબરૂપ ઘડિયાળ બરાબર – અનિયમિતતા વિના – જ ચાલતું રહેશે. તે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની એક એક જવાબદારીના પાલનમાં પોતાનું મહત્ત્વ માનશે. એટલે સમાજ અને રાષ્ટ્રના અભ્યદયના માર્ગમાં એનું જીવન ભારે મદદગાર થશે.
જૈન સમાજમાં એકાશ્રમ સંસ્થા એટલે કે ત્યાગાશ્રમ સંસ્થા ઉપર જ મુખ્ય ભાર અપાવાને લીધે અધિકારનો વિચાર બાજુએ રહી જવાથી જીવનમાં જે વિશૃંખલતા વ્યાપેલી દેખાય છે, તેના સ્થાનમાં અધિકારાનુરૂપ આશ્રમવ્યવસ્થા, ઉક્ત ધ્યેય સ્વીકારવાથી આપોઆપ સિદ્ધ થઈ જશે. આ દૃષ્ટિએ વિચાર કરતાં મને ચોખ્ખું લાગે છે કે અત્યારની નવી પેઢી બીજા એકેય વાદવિવાદમાં ન પડતાં પોતપોતાનાં બધી જાતનાં કર્તવ્યો અને તેની જવાબદારીઓમાં રસ લેતી થઈ જાય તો આપણે થોડા જ વખતમાં જોઈ શકીશું કે જે પશ્ચિમના કે આ દેશના પુરુષોને આપણે સમર્થ માની તેના પ્રત્યે આદરવૃત્તિ ધરાવીએ છીએ તેની હરોળમાં આપણે પણ ઊભા હોઈશું..
અહીં એક પ્રશ્નનું નિરાકરણ કરવું જરૂરી છે. પ્રશ્ન એ છે કે ચાર્વાકદષ્ટિ માત્ર પ્રત્યક્ષ સુખવાદની છે અને તે પણ માત્ર સ્વસુખવાદની જ છે, એટલે તેમાં માત્ર પોતાના સુખનું જ ધ્યેય રહેતું હોવાથી બીજા પ્રત્યેની અને સામૂહિક જવાબદારી – પછી તે કૌટુંબિક હોય કે સામાજિક – તેને અવકાશ જ ક્યાં રહે છે, જેવો અવકાશ પરલોકવાદમાં સંભવે છે? ચાર્વાક વાસ્તે તો પોતાનું સધાયે સઘળું સધાયું” અને “આપ મરે ફિર ડૂબ ગઈ દુનિયા” એ જ સિદ્ધાન્ત હોય છે. પણ એનો ખુલાસો એ છે કે માત્ર પ્રત્યક્ષવાદ હોય તોય જ્યાં પોતાના સ્થિર અને પાકા સુખનો વિચાર આવે છે ત્યાં કૌટુંબિક, સામાજિક આદિ જવાબદારીઓ પ્રાપ્ત થઈ જ જાય છે. જ્યાં લગી બીજા પ્રત્યેની જવાબદારીઓ ન સમજાય, ન પળાય ત્યાં લગી કેવળ પોતાનું ઐહિક સુખ પણ સધાતું નથી. દુન્યવી કોઈ સુખ હોય, પણ તે બધું જ પરસાપેક્ષ છે; એટલે અન્ય સાથેના વ્યવહારો બરાબર ગોઠવાયા સિવાય માત્ર પોતાનું ઐહિક સુખ પણ સિદ્ધ ન થઈ શકે. તેથી જેમ પરલોકદૃષ્ટિમાં તેમ માત્ર પ્રત્યક્ષવાદમાં પણ બધી જ જવાબદારીઓને પૂરેપૂરો અવકાશ છે.
– પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org