________________
મંગળપ્રવચન - ૫ અને અનાવશ્યક વાગ્યુદ્ધમાં વેડફી નાંખતા અને એમ માની લેતા કે પરીક્ષા પાસ કરવી એમાં તે શું ? જ્યારે પરીક્ષા નજીક આવશે ત્યારે તૈયારી કરી લઈશું અને એ પ્રમાણે કરી પણ લેતા, પરંતુ જ્યારે બી. એ. પાસ થયા અને આગળ ઊંડા અધ્યયનનો વિચાર આવ્યો ત્યારે એમ જણાયું કે અમે શરૂઆતનાં ચાર વર્ષોનો ઘણો સમય ખોટી રીતે બરબાદ કર્યો છે. એ વખતે બધા જ સામર્થ્ય અને સમયનો યોગ્ય રીતે કરકસરપૂર્વક નિયમિત સદુપયોગ કર્યો હોત તો અમે ખાતરીથી કૉલેજજીવનમાં મેળવ્યું છે તે કરતાં બહુ વધારે મેળવી શક્યા હોત. હું ધારું છું કે મારા એ મિત્રની વાત તદ્દન સાચી છે અને દરેક કોલેજિયનને ઓછેવત્તે અંશે લાગુ પડે છે. તેથી હું દરેક વિદ્યાર્થી, જે અત્યારે કોલેજમાં નવો દાખલ થયો હોય કે આગળ વધેલો હોય, તેનું ધ્યાન આ મુદ્દા તરફ ખેંચું છું. કૉલેજના જીવનમાં એટલી બધી સારી તકો છે કે માણસ પોતે ધારે તો પોતાનું સંપૂર્ણ નવસર્જન કરી શકે છે. તેમાં જુદા જુદા વિષયના સમર્થ અધ્યાપકો, જોઈએ તેવું પુસ્તકાલય, અને નવીન શોણિતના ઉત્સાહથી થનગનતા વિદ્યાર્થીઓનો સહચાર, એ જીવન તૈયાર કરવા વાસ્તુની મૂલ્યવતી સંપત્તિ છે. માત્ર તેનો ઉપયોગ કરવાની જીવનકળા હસ્તગત હોવી જોઈએ. જીવનકળા
વિદ્યાર્થીજીવનમાં જો કંઈ સિદ્ધ કરવા જેવું તત્ત્વ મને લાગ્યું હોય તો તે જીવનકળા છે. જે જીવવાની કળા હસ્તગત કરે છે તેને સાધનો તથા સગવડની ઊણપ વિષે ફરિયાદ કરવાપણું હોતું નથી. તે તો પોતાની સામે જેટલાં અને જેવાં સાધનો હોય, જેટલી અને જેવી સગવડ હોય તેનો એવી સજીવ કળાથી ઉપયોગ કરે છે કે તેમાંથી જ તેની સામે આપોઆપ નવાં સાધનોની સૃષ્ટિ ઊભી થાય છે, તે વણમાગી આવી ઊભી રહે છે. જે આવી જીવનકળા જાણતો ન હોય તે હંમેશાં આ નથી, તે નથી, આવું નથી, તેવું નથી એવી ફરિયાદ કર્યા જ કરે છે, અને તેની સન્મુખ ગમે તેટલાં અને ગમે તેવાં સાધનો ઉપસ્થિત હોય તો પણ તેને તેનું મૂલ્ય સમજાતું નથી, કારણ કે તે જંગલમાંથી મંગલ કરવાની કળા જ ધરાવતો નથી.
પરિણામે એવા વિદ્યાર્થી મળેલ સગવડના લાભથી તો વંચિત રહી જ જાય છે, અને ભાવી સગવડના લાભો તો માત્ર તેમના મનોરાજ્યમાં જ રહી ઊલટી વ્યાકુળતા ઊભી કરે છે. તેથી આપણે ગમે તે ક્ષેત્રમાં ગમે તે કરતા હોઈએ, છતાં એમાં જીવનકળાની જ પ્રથમ જરૂર છે અને એ કળા એટલે ઓછામાં ઓછી અને નજીવી ગણાતી સાધનસામગ્રીમાં પણ સંતુષ્ટ મને આગળ વધવામાં તેનો ઉપયોગ કરી લેવો અને સ્વપુરુષાર્થથી જ પોતાને જોઈતી સૃષ્ટિ ઊભી કરવી તે.
અગવડોનો અતિભાર જો જીવનને કચડી નાંખતો હોય તો એ દોષ સગવડોના ઢગલામાં પણ રહેલો જ છે. જેને બહુ સગવડ તે હંમેશાં પ્રગતિ કરી જ શકે અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org