________________
૧. મંગળપ્રવચન
મારો પરિચય કરાવતાં શ્રીયુત મોતીચંદભાઈએ કહ્યું છે કે હું વીસમી સદીના વિચાઅવાહો અને દૃષ્ટિબિંદુઓથી પરિચિત છું. તેમના આ કથનમાં સત્ય હોય તો હું મારી દષ્ટિએ તેનું સ્પષ્ટીકરણ કરવા ઇચ્છું . ભાગ્યે જ આઠસો માણસની વસ્તીવાળા એવા એક ગંદા ગામડામાં મારો જન્મ અને ઉછેર છે. આધુનિક સંસ્કાર, શિક્ષણ અને સાધનનો સાવ અભાવ હોય તેવા જ વાતાવરણમાં હું ઓગણીસમી સદીમાં ઊછર્યો અને ભણ્યો છું. ગુજરાતી ગામડિયા નિશાળથી આગળ મારે માટે કોઈ શિક્ષણનું વાતાવરણ હતું જ નહિ. મને યાદ છે ત્યાં સુધી મેં વીસેક વર્ષની ઉંમરે એકાદ સાંપ્રદાયિક માસિકનું નામ સાંભળ્યું હતું. ઓગણીસમી કે વીસમી સદીના કૉલેજ અને યુનિવર્સિટીના શિક્ષણવિષયક લાભો મેં મેળવ્યા નથી. આ દૃષ્ટિએ હું એક રીતે ઓગણીસમી સદીનોયે નહિ, પણ ચૌદમી સદીનો ગણાવા યોગ્ય છું.
આ બધું સત્ય હોવા છતાં, તેઓ કહે છે તેમ, જો હું વીસમી સદીનો હોઉં તો એક અર્થમાં તે સાચું છે. તે અર્થ એટલે ગમે તે કાળના, ગમે તે દેશના કે ગમે તે વિષયના જૂના કે નવા વિચારો મારી સન્મુખ આવે છે ત્યારે હું તે ઉપર કશા જ બંધન સિવાય સંપૂર્ણ મુક્તમને વિચાર કરું છું, અને તેમાંથી સત્યાસત્ય તારવવા હું યથાશક્તિ પ્રયત્ન કરું છું. મારા આ પ્રયત્નમાં મને જાતિ, ધર્મ, સંપ્રદાય, શાસ્ત્ર કે ભાષાના પૂર્વગ્રહો ભાગ્યે જ જકડી રાખતા હશે. હું આચરી શકું કે નહિ તે પ્રશ્ન પુરુષાર્થનો છે, પણ હું જિજ્ઞાસા અને વિચારની દૃષ્ટિએ મારા મનનાં બધાં દ્વારો એટલે સુધી ખુલ્લાં રાખવા કાળજી લેવું છું કે રખે કોઈ જ્ઞાતવ્ય એવો સત્ય અંશ માત્ર પૂર્વગ્રહ અને ઉપેક્ષાને કારણે ધ્યાન બહાર રહી ન જાય. મનને પૂર્વગ્રહો અને સંકુચિતતાનાં બંધનોથી પર રાખી તથ્ય જાણવા, વિચારવા અને તેને સ્વીકારવાની તત્પરતા સેવવી એ જો વીસમી સદીનું લક્ષણ હોય તો, હું તે અર્થમાં વીસમી સદીનો ગણાઉં ખરો; ભલે બીજા અર્થમાં હું ઓગણીસમી કે ચૌદમી સદીનો હોઉં. હું એમ માનું છું કે સત્યની જિજ્ઞાસા અને શોધ કોઈ પણ એક સદીને વરેલી નથી. દરેક સદી અને યુગમાં, ઇચ્છે તેને માટે, એનો સંભવ છે અને બીજાને માટે ગમે તે સદીમાં અને ગમે તે યુગમાં પણ એનાં દ્વાર બંધ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org