SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ XII મિથિલાનો પ્રવાસ વિ. સં. ૧૯૬૬-૬૭ સુધીમાં બનારસમાંથી પોતે જે કંઈ મેળવી શકે એમ હતું તે મેળવી લીધું હતું અને છતાંય જિજ્ઞાસા તો વધતી જ જતી હતી. એટલે મન હવે બિહારના વિદ્યાધામ મિથિલા પ્રદેશ તરફ દોડવા લાગ્યું. મિથિલા પ્રદેશ એટલે દરિદ્રતાની જ ભૂમિ. પણ ત્યાંના વિદ્યાધન જ્ઞાનતપસ્વી પંડિતો વિદ્યાના એવા વ્યાસંગી કે દરિદ્રતાનું દુખ જ વિસરી જાય. પંડિતજીએ મુખ્ય મથક તો બનારસમાં જ રાખ્યું, પણ અવારનવાર ત્યાં જઈને વિદ્યાઅધ્યયન કરી આવે. ત્યાંના એમના અધ્યયનનો ખાસ વિષય હતો નવ્ય ન્યાયનો. મિથિલામાં ખાવાનું તો મુખ્ય ભાત-દાળ-શાક જ; પણ કયારેક દહીં મળી જાય તો જમણવાર જેવું લાગતું. ત્યાંનાં ટાઢ અને વરસાદ પણ તોબા પોકરાવે એવાં; એમાં રહેવાનું ઘાસફૂસના છાપરામાં અને સૂવાનું ઘાસની પથારીમાં. પંડિતજી પાસે એક ગરમ સ્વેટર – જિંદગીમાં પહેલી જ વાર ખરીદેલું. સખત શિયાળો ચાલે. ગુરુજીએ એનાં બહુ વખાણ કર્યા. પંડિતજી સમજી ગયાઃ પોતાનું શું થશે એની ચિંતા કર્યા વગર એ ગુરુજીને અર્પણ કરી દીધું અને પોતે ઘાસની પથારી અને ફ્રીત કાંબળાના આધારે શિયાળો વિતાવી દીધો. - મિથિલા પ્રદેશમાં પંડિતજી ત્રણ ગામોમાં ફર્યા. પણ દરભંગામાં જે ગુરુ મળ્યા તેથી એમણે પોતાનો પરિશ્રમ સફળ થયો લાગ્યો. મહામહોપાધ્યાય શ્રી. બાલકૃષણ મિશ્ર હતા તો પંડિતજી કરતાં નાની ઉંમરના, પણ ન્યાયશાસ્ત્ર અને ખાસ કરીને સર્વ દર્શનના પૂરા પારંગત વિદ્વાન સાથે કવિ પણ ખરા; અને સૌથી વિશેષ તો એ ભારે સહૃદય અને સજ્જન પુરુષ. પંડિતજીનું મન એમની પાસે ઠર્યું. અને ગુરુ પણ આ નવા શિષ્ય ઉપર ખૂબ પ્રસન્ન થયા. - શ્રી. બાલકૃષ્ણ મિશ્ર પાછળથી બનારસની ઓરિયેન્ટલ કૉલેજના પ્રિન્સિપાલ બન્યા; અને એમની ભલામણથી મહામના પંડિત માલવીયજી અને સાક્ષરવર્ય શ્રી આનંદશંકર ધ્રુવે, સને ૧૯૩૩ની સાલમાં, પંડિતજીની જૈનદર્શનના અધ્યાપક તરીકે નિમણૂક કરી. બનારસમાં અધ્યાપક બનીને ગયા છતાં પંડિતજી લગભગ હંમેશાં શ્રી બાલકૃષ્ણ મિશ્રના વર્ગમાં હાજરી આપતા – એવો તો પંડિતજીનો જીવંત વિદ્યાર્થીભાવ ! પંડિતજીના મન ઉપર આ ગુરુના પાંડિત્ય અને સૌજન્યની ભારે અસર છે. આજે પણ એમનું નામ આવતાં પંડિતજી ભક્તિ, આદર અને આભારની લાગણીથી ગગદિત બની જાય છે. આ રીતે વિ. સં. ૧૯૬૦થી ૧૯૬૯ સુધીનાં નવ વર્ષ અધ્યયનમાં ગયાં; અને પંડિતજીનો અભ્યાસકાળ એક રીતે પૂરો થયો. હવે મેળવેલ જ્ઞાનધનનું વિતરણ કરવાનો સમય પાકી ગયો. ત્યારે પંડિતજીની ઉંમર ૩૨ વર્ષની હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy