SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ VIII વિસાશ્રીમાળી જૈન વણિક અટક સંઘવીની અને ગોત્ર ધાકડ (ધર્કટ). દસમી સદીના કવિ ધનપાલનું પણ આ જ ગોત્ર હતું. ચાર વર્ષની ઉંમરે માતાનો સ્વર્ગવાસ થયો, અને ઘરમાં નવી માતાનાં પગલાં થયાં. એમનું નામ જડીબાઈ. એ જેટલાં રૂપાળાં એટલાં જ હસમુખા, અને જેટલાં હેતાળ એટલાં જ કામગરાં; આદર્શ માતૃત્વની મૂર્તિ. પંડિતજી કહે છે, “અમે ઘણાં વર્ષે જાણ્યું કે આ અમારી નવી મા છે !” કુટુંબનો વ્યવહાર અને બાળકોને સાચવવાનું કામ મૂળજીકાકાનું. એ હતા તો નોકર પણ ભારે ખાનદાન. સુખલાલ ઉપર તો એમને સગા દીકરા જેટલું હેત. પંડિતજી એમને પુરુષમાતાના લાગણીભર્યા નામે આજે પણ સંભારે છે. નાનપણથી જ સુખલાલને રમતગમત તરફ ખૂબ પ્રેમ. અને સાહસિક તો એવો કે એક વાર તરતાં શીખવાનું મન થયું તો કોઈની પણ મદદ લીધા વગર સીધું કૂવામાં જ ઝંપલાવ્યું અને તરતાં શીખ્યા. ઘોડેસવારીનો પણ એટલો જ શોખ. સરકસના સવારની જેમ ઘોડાની પીઠ ઉપર ઊભા રહીને ઘોડાને દોડાવવામાં એમને મોજ આવતી. એમ કરતાં પછાડો પણ ખાધેલી. એક વાર બે મિત્રો સાથે સુખલાલ તળાવમાં નાહવા ગયેલા. વાતવાતમાં ત્રણે મિત્રો હોડે ચડ્યા કે અહીંથી પાછલે પગે ચાલીને કોણ પહેલું પાળ વટાવી જાય છે ? બસ, સુખલાલે તો માંડ્યું ચાલવા, અને જઈ પડ્યા હાથલા થોરની વાડમાં. ઝેરી કાંટા ભોંકાવાથી એ વાડમાં જ બેભાન થઈ ગયા. ત્યાં એમના ઓઘડકાકા આવીને ઘેર લઈ ગયા. ચાર કલાકે ભાનમાં આવીને સુખલાલે જોયું તો આખા શરીરે તેલના ગાડા ચાલ્યા જાય છે અને હજામ એક એક કરીને શરીરમાંથી કાંટા કાઢી રહ્યો છે! પણ ઉંહકારો કરે એ બીજા. પણ નવાઈની વાત તો એ હતી કે આવા રમતિયાળ અને સાહસપ્રિય સુખલાલ કામગરા, કહ્યાગરા અને જાતમહેનતુ પણ એટલા જ હતા. ઠાવકાઈ અને સુઘડતા એમના દરેક કામમાં દેખાઈ આવે. કોઈને કંઈ પણ કામ હોય તો સુખલાલ તૈયાર. ભણવાની ચીવટ એટલી કે એમાં જરીકે આળસ ન કરે. બુદ્ધિ એવી ઝીણી કે આકરામાં આકરા વિષય પણ સહેજે સમજી જાય; અને સ્મરણશક્તિ પણ એટલી તીવ્ર કે જે કંઈ વાંચે. તે જાણે હૈયામાં કોતરાઈ જાય. ચોપડીઓની સાચવણી પણ એવી કે આખું વર્ષ વાપરી હોય તો જુઓ તો જાણે નવીનકોર. ગુજરાતી સાત ચોપડી પૂરી કરી, અને એમનું મન, મોટાભાઈની જેમ, અંગ્રેજી ભણવા તરફ દોડવા લાગ્યું. પણ વડીલોને એમ કે આવા હોશિયાર છોકરાને ભણતર કરતાં વેપારની ધૂંસરીએ જોડીએ તો થોડા વખતમાં જ આપણો ભાર ઉપાડવામાં ભાગીદાર બને. સુખલાલ દુકાને બેસવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy