SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ X સુખલાલ ધીરે ધીરે વેપારી બનવા લાગ્યા. વેપાર ધમધોકાર ચાલતો હતો, તેમ કુટુંબનો વ્યવહાર પણ ધમધોકાર ચાલતો હતો. સગપણ, લગ્ન, કારજ કે એવો કોઈ પણ અવસર આવે એટલે પૈસો પાણીની જેમ વપરાય. પરોણાગતમાં પણ પાછું વાળીને ન જુએ. પંડિતજી કહે છે, આ બધું હું જોતો, એ બધું ગમતું પણ ખરું, છતાં મનમાં ઊંડે ઊંડે લાગ્યા કરતું કે, આ કંઈ બરાબર નથી થતું. ભણતરને ખીંટીએ મૂકવું ને આવા ખર્ચાળ રિવાજોમાં મહાલ્યા કરવું એથી કંઈ ભલીવાર ન થાય ! જાણે એ કો અગમ્ય ભાવીના ભણકારા હતા. ચૌદ વર્ષની ઉંમરે નવી મા ગુજરી ગયાં. સુખલાલનું સગપણ નાનપણમાં જ થયેલું, એટલે વિ. સં. ૧૯૫૨માં, પંદર વર્ષની ઉંમરે, લગ્નની તૈયારીઓ થવા લાગી. પણ સાસરિયા પક્ષના કોઈ કારણસર એ વખતે લગ્ન મુલતવી રહ્યાં. ત્યારે તો કોણ જાણતું હતું કે એ લગ્ન સદાને માટે મુલતવી રહેવાનાં હતાં? બળિયાનો ઉપદ્રવ વેપારમાં ભાગ લેતા સુખલાલ આખા કુટુંબની આશા બની ગયા. પણ મધુરી લાગતી આશા ઘણી વાર ઠગારી બનીને આદર્યા અધૂરાં રાખી દે છે. આ કુટુંબને પણ એમ જ થયુંવિ. સં. ૧૯૫૩માં, યૌવનમાં ડગ ભરતી ૧૬ વર્ષની વયે, સુખલાલ બળિયાના ભયંકર રોગમાં ઝડપાઈ ગયા. કાયાના રોમેરોમે આ વ્યાધિનો પંજો ફરી વળ્યો. મરણ પળે પળે ડોકિયાં કરવા લાગ્યું. છેવટે જીવન અને મરણ વચ્ચે અનેક ઝેલાં ખાઈને સુખલાલ બીમારીને તો જીતી ગયા, પણ એમણે જોયું કે આંખોનાં તેજ ઓઝલ થઈ ગયાં હતાં ! આ જીત હાર કરતાંય વસમી થઈ પડી અને જીવન મરણ કરતાંય અકારું થઈ પડ્યું! નેત્રોના અંધકારે અંતરમાં નિરાશાનો સૂનકાર ફેલાવી દીધો. પણ દુઃખના સાચા ઓસડ સમા કેટલાક દિવસો ગયા અને સુખલાલને પોતાના અપાર દુઃખની કળ વળવા લાગી. આંખોમાંથી ચાલ્યા ગયેલાં તેજ અંતરમાં પ્રસરવા માંડ્યાં; અને એ નિરાશા, એ સૂનકાર, એ બેચેની, કમળપત્ર ઉપરથી જળબિંદુ સરી પડે એમ, અંતરમાંથી સરી પડ્યાં. પછી તો ગમે તે થાય તોય ન સૈન્ય ન પાય નો મંત્ર અજમાવીને, મહારથી કર્ણની જેમ માતં તુ પૌરુષે ના શસ્ત્રથી ભાગ્યની સામે ઝૂઝવાનો એમણે સંકલ્પ કરી લીધો અને વિપત્તિને ઉન્નતિનું વાહર બનાવી દીધી. વિપ: સન્તુ નઃ શઋતુ – મહાભારતકારે કુન્તી માતાના મુખમાં મૂકેલું એ વાક્ય આજે પણ એમને એટલું જ પ્રિય છે. બળિયાના આ ઉપદ્રવમાંથી બચીને સુખલાલ સાચે જ નવો અવતાર પામ્યા: બાહોશ વેપારી થવા સર્જાયેલ સુખલાલ વિદ્યા-ઉપાસનાને માર્ગે વળ્યા, અને જન્મ વૈશ્ય હતા તે કર્મે બ્રાહ્મણ (સરસ્વતી પુત્ર) બનવા લાગ્યા. પણ, ૧૬ વર્ષની પલટાર્સ વયે, દ્વિજત્વનો આ સંસ્કાર કેવી ભયંકર રીતે થયો હતો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy