________________
૧૩. યુવકોને
ક્રાન્તિ-ફેરફાર એ વસ્તુમાત્રનો અનિવાર્ય સ્વભાવ છે. કુદરત પોતે જ અણધારેલ સમયે કે ધારેલ વખતે ક્રાન્તિ જન્માવે છે. મનુષ્ય પણ બુદ્ધિપૂર્વક એવી ક્રાન્તિ કરીને જ જીવન ટકાવે અને લંબાવે છે. વિજળી અચાનક પડે છે ને ઝાડોને ક્ષણમાત્રમાં નિર્જીવ કરી બીજા જ કોઈ કામ લાયક બનાવી મૂકે છે. પણ વસંતઋતુ એથી ઊલટું કરે છે. તે પાંદડામાત્રને ખેરવી નાખે છે, પણ તેની સાથે જ કોમળ, નવીન અને લીલાંછમ અપૂર્વ પાંદડાંઓ જન્માવતી જાય છે. ખેડૂત ક્યારેક આખા ખેતરને સૂડી નાખીને જ નવેસર ખેતીની તૈયારી કરે છે, ત્યારે વળી તે બીજી વાર માત્ર નીંદણનું કામ કરી, નકામા ઝાડપાલાને જ ફેંકી દઈ, કામના છોડવા અને રોયાઓને વધારે સારી રીતે ઉગાડવા–સફળ કરવા યત્ન લે છે. આ બધા ફેરફારો પોતપોતાના સ્થાનમાં યોગ્ય છે, તે બીજે સ્થાને તે તેટલા જ અયોગ્ય સિદ્ધ થાય છે. આ વસ્તુસ્થિતિ ધ્યાનમાં લઈએ તો આપણને ક્રાન્તિથી ડરવાને પણ કારણ નથી, તેમજ ક્રાન્તિને નામે અવિચારી ક્રાન્તિ પાછળ તણાઈ જવાને પણ કારણ નથી. આપણું કામ, ભૂતકાળના અનુભવ અને વર્તમાનકાળના અવલોકન ઉપરથી, સુંદર ભાવી વાસ્તે કયા સ્થાને શું કરવું, શું રાખવું, શું બદલવું ને કેટલું રાખવું ને કેવી રીતે રાખવું કે ફેંકવું, એ શાંત ચિત્તે વિચારવાનું છે. આવેશમાં તણાઈ જવું કે જડતામાં ફસાઈ જવું એ બંને એકસરખી રીતે જ હાનિકારક છે. તેથી આપણું પ્રત્યેક કાર્ય ચપળતા, શાંતિ અને વિચારણા માગે છે.
આ દષ્ટિએ અત્યારે હું જૈન યુવકમાં ત્રણ લક્ષણો હોવાની અગત્યતા જોઉં છું. જૈન પરંપરાવાળા કુળમાં જન્મેલો તે જૈન' એવો જૈનનો સામાન્ય અર્થ છે. અઢાર વર્ષથી ચાળીસ વર્ષ જેટલી ઉંમરનો સામાન્ય રીતે યુવક કહી શકાય. પણ આપણે માત્ર એટલા જ અર્થમાં જૈન યુવક શબ્દને પરિમિત રાખવો ન ઘટે. આપણો ઇતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ એમાં જીવનભૂત એવાં નવીન તત્ત્વો ઉમેરવા સૂચવે છે, કે જેના સિવાય જેન યુવક માત્ર નામનો જૈન યુવક રહે છે, અને જેના હોવાથી તે એક જીવન્ત યથાર્થ યુવક બને છે, તે ત્રણ લક્ષણો નીચે પ્રમાણે :
૧. નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિ. ૨. નિર્મોહ કર્મયોગ. ૩. વિવેકી ક્રિયાશીલતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org