________________
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્ર-કોશા... / ૫૧
ગાઢ સ્નેહ છે, એ ભૂમિકા તો અહીં સ્થૂલિભદ્ર સાથેના સંવાદમાં માત્ર ઉલ્લેખાઈ જ છે. એ રીતે અહીં કથન નહીં, વર્ણન અને ભાવિનરૂપણ મહત્ત્વનાં બન્યાં છે. કોશાનું સૌંદર્યવર્ણન કૃતિનો આસ્વાદ્ય અંશ છે. બે પાત્રો વચ્ચેનો ટૂંકો સંવાદ પણ બન્નેની કેટલીક વ્યક્તિત્વરેખાઓને ઉપસાવી આપનાર બન્યો છે. આખું કાવ્ય સુગ્રથિતતા અને સુશ્લિષ્ટતાની છાપ અંકિત કરે છે.
૦ સ્થૂલિભદ્ર લગ
કવિ હલરાજે સં.૧૪૦૯માં રચેલી, ૩૬ કડીની આ નાની ફાગુરચના છે. કૃતિ ‘ભાસ’માં વિભક્ત થઈ છે. કાવ્યનો પદબંધ મુખ્યત્વે રોળા વૃત્તથી બંધાયો છે. પણ ‘ભાસ’ને અંતે દોહાની પંક્તિ જોવા મળે છે.
કવિ કાવ્યનો આરંભ સરસ્વતીનંદનાથી કરે છે. તે પછી રાજા નંદ, મંત્રી સગડાલ અને કોશાને ત્યાં આનંદવિલાસ કરતા એના જ્યેષ્ઠ પુત્ર સ્થૂલિભદ્રનો ઉલ્લેખ કરી, કવિ પંડિત વચિની સગડાલ સામેની વૈરવૃત્તિને અત્યંત સંક્ષેપમાં આલેખે છે. સગડાલની હત્યા પછી રાજાનું સ્થૂલિભદ્રને તેડું, મંત્રીપદ માટેનો પ્રસ્તાવ, વૈરાગ્ય જાગતાં સ્થૂલિભદ્રનું દીક્ષાઅંગીકરણ, ગુરુ સંભૂતિવિજય પાસે સ્થૂલિભદ્રનું પ્રાયશ્ચિત્ત વગેરે પ્રસંગોને પણ કવિ ઝડપી ગતિએ નિરૂપે છે.
ચોમાસું નજીક આવતાં સ્થૂલિભદ્ર કોશાના આવાસે જવાનો આદેશ માગે છે. સ્થૂલિભદ્રને આવેલા જોઈ હર્ષોલ્લાસ અનુભવતી કોશા સુંદર વેશભૂષા અને શૃંગાર સજીને ચિત્રશાળામાં સ્થૂલિભદ્રને રીઝવવા વિવિધ હાવભાવ સહિત નૃત્ય કરે છે. પણ ધ્યાનસ્થ સ્થૂલિભદ્ર એ તરફ આંખ માંડીને જોતા પણ નથી. કોશાની ભોગ ભોગવવાની વિનંતીનો સ્થૂલિભદ્ર અસ્વીકાર કરતાં કહે છે, ‘રત્નાકર છોડી ખાબોચિયાને, ચિંતામણિ ત્યજી પથ્થરને કોણ ગ્રહે ? અરિહંતને ઉવેખી યક્ષને કોણ નમે ?” આમ મદનરાજ અને સ્થૂલિભદ્ર વચ્ચે યુદ્ધ થતું કવિ નિરૂપે છે, જેમાં સ્થૂલિભદ્ર કામવિજેતા બને છે.
સ્થૂલિભદ્ર કોશાને બોધ પમાડી, નિર્મળ ચારિત્ર્ય પાળી, ચાતુર્માસ પૂરો કરી ગુરુ પાસે પહોંચ્યા અને દુક્કર દુક્કર' એમ બે વાર ગુરુની પ્રશંસા પામ્યા. આ ફાગુરચનામાં કવિએ સ્થૂલિભદ્રના પૂર્વવૃત્તાંતને સંક્ષેપમાં રજૂ કરી, સ્થૂલિભદ્ર-કોશા મિલનપ્રસંગ-નિરૂપણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
કોશાની શૃંગારસજાવટ, વર્ષાઋતુ, સ્થૂલિભદ્ર-મદનયુદ્ધ જેવાં કેટલાંક વર્ણનો કાવ્યાત્મક બન્યાં છે. સંસારભોગ અને સંયમ વચ્ચેનો ભેદ કવિએ વિવિધ દૃષ્ટાંતોથી ચિત્રબદ્ધ કર્યો છે. મદનયુદ્ધના કથાંશમાં સ્થૂલિભદ્ર અને મદન વચ્ચે જે સંવાદ થાય છે એમાં કવિએ ઓજસયુક્ત વાણીનું સામર્થ્ય પ્રગટ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org