________________
સ. સ્થિતિ એટલે શું?
આત્મા ઉપર (બંધ દ્વારા) લાગેલ કર્મ કોઈ પણ જાતના પુરુષાર્થ વિના ઉદય દ્વારા ભોગવીને પૂરું કરવા જેટલો કાળ લાગે તેને તે કર્મની સ્થિતિ કહેવાય. ટાંકીનું પાણી ભર્યા પછી નળ દ્વારા ટાંકી ખાલી થતાં વાર લાગે અને જે ટાંકીની ભીત તૂટી જાય કે તોડવામાં આવે તો ક્ષણવારમાં ટાંકી ખાલી થાય. તેમ આત્મા ઉપર લાગેલ કર્મને ઉદીરણા વગેરે દ્વારા ખપાવવામાં આવે તો અંતર્મુહૂર્તમાં પૂરાં થઈ જાય અને ઉદય દ્વારા ક્રમસર ખપાવવામાં આવે તો ઉત્કૃષ્ટથી સિત્તેર કોટાકોટિ સાગરોપમ (મિથ્યાત્વમોહનીય કર્મને આશ્રયીને) જેટલો કાળ લાગે, આથી તે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાય. આયુષ્ય સિવાયનાં સાતે કર્મની સ્થિતિ જ્યારે ઘટતી ઘટતી એક કોટાકોટિ સાગરોપમથી કંઈક ન્યૂન થાય ત્યારે જીવમાં સમ્યકત્વ પામવાની યોગ્યતા આવે. એને શાસ્ત્રીય પરિભાષામાં ગ્રંથિદેશ કહેવાય છે. તમારી ભાષામાં કહીએ તો ટેમ્પરેચર ઓછું થાય તો દવા લેવાની યોગ્યતા આવે. આવી યોગ્યતા તો આપણે અનંતી વાર પામ્યા.
સ. હવે માત્ર પુરુષાર્થની ખામી છે.
પુરુષાર્થની નહિ, મનની ખામી છે, ઈચ્છાની ખામી છે. પુરુષાર્થ તો તમે ગજબનો કરો છો. અશાતાને ટાળવા માટે તમે જે પુરુષાર્થ કરો છો તે તો ચક્તિ થઈ જવાય એવો છે. હવે મોહને મારવાના મનની જ ખામી છે.
* સંસારના સુખનાં સાધન પુણ્યથી મળે છે એની ના નહિ, પણ એ પુણ્યને સારું માનવાનું કામ જે ન કરે તેને ધર્મ કરવાની યોગ્યતા મળે. સંસારના સુખનાં સાધન આપનાર પુણ્યને સારું માનવાનું કામ ધર્માત્મા ન કરે, આગળ વધીને ધર્મ પામવાની ઈચ્છાવાળા પણ ન કરે, ધર્મની યોગ્યતા પામવાની ઈચ્છાવાળા પણ ન કરે. કારણ કે જ્ઞાનીઓએ સંસારના સુખને દુઃખરૂપ કહ્યું છે. જે સુખ પોતે દુઃખરૂપ છે તેના સાધન આપનાર કર્મને સારું માનવાની જરૂર ખરી ?
સં. સંસારનું સુખ દુઃખરૂપ લાગતું નથી.
અત્યાર સુધી જે સુખની ઈચ્છા છે તે મળ્યું છે ખરું ? તમારા જેવા બુદ્ધિમાન માણસે એ વિચાર કર્યો ખરો કે જે સુખ માટે પુરુષાર્થ કરું છું તે મળતું કેમ નથી ? જે કર્મ આપણી ઈચ્છા મુજબ જીવવા ન દે તેને દુઃખરૂપ જ કહેવાય ને? પુણ્યથી મળેલું સુખ પણ ઈચ્છા મુજબ ભોગવી શકાતું નથી તો એ પુણ્યમાં રાચવા જેવું છે શું?
૩૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org