________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૧૩૩
માત્ર મોહનીયકર્મનો ક્ષય કરી બારમા ગુણસ્થાનકે અવશિષ્ટ ત્રણ ઘાતિકમનો ક્ષય કરવા દ્વારા તેરમા ગુણસ્થાનકે મહામુનિઓને શ્રી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પોતાના શેષ જીવનમાં એ શ્રી કેવલજ્ઞાનના યોગે અને સર્વલબ્ધિઓના યોગે સ્વભાવથી જ પરોપકારને કરતાં કરતાં યોગીમહાત્માઓ ચૌદમા ગુણસ્થાનકે અયોગી અવસ્થાને પ્રાપ્ત કરી શિવસુખના ભોક્તા બને છે. સકલ કર્મનો ક્ષય થવાથી કર્મસ્વરૂપ અત્યંતર શત્રુઓ અને એના યોગે થનારા બાહ્ય શત્રુઓનો સર્વથા ક્ષય થાય છે. દ્રવ્ય અને ભાવરોગોના સર્વથા વિલયથી અયોગી એવા સિદ્ધ પરમાત્માઓ જે સુખને અનુભવે છે; તે સુખ દુનિયાના સકલ પદાર્થોના સંયોગોથી પ્રાપ્ત થનારા સુખની અપેક્ષાએ અનંતગુણ છે. અર્થાત તો એ છે કે આવા સુખની વચ્ચે પણ તેઓ તેની ઈચ્છા વિનાના છે. સામાન્ય રીતે વસ્તુ મળવાની નથી એવી ખાતરી થાય તોપણ ઈચ્છાનો વિયોગ થતો હોય છે. પરંતુ સર્વ ઈચ્છાઓની પૂર્ણતાના યોગે અહીં પરમાત્મા નિરીહ છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકથી મુખ્યપણે શરૂ થયેલી આ મોક્ષસાધનાના પ્રારંભથી જ પૂ. સાધુભગવંતો ઈચ્છાઓનો નિરોધ કરતા જ આવેલા. મોહનીયની વિદ્યમાનતામાં ઈચ્છાને આધીન નહિ બનનારા અને મોહનીયના અભાવમાં ઈચ્છા વિનાના મુમુક્ષુ આત્માઓની સાધનામાં ક્યારે પણ ઈચ્છાનું પ્રતિબિંબ પડતું નથી. મોક્ષની સાધનામાં, ઈચ્છા-એ મોટામાં મોટું દૂષણ છે. સર્વ દોષોને લઈ આવનારો એ દોષ છે. ઈચ્છા મુજબ જીવનારાને શિવસુખ મળતું નથી. શિવસુખની વિદ્યમાનતામાં ઈચ્છા હોતી નથી. કેવળજ્ઞાનથી અનંતસુખને જાણ્યા પછી લગભગ એક કરોડ પૂર્વ (૮૪ લાખ x ૮૪ લાખ = ૧ પૂર્વ) જેટલું પણ આયુષ્ય શેષ હોય છે. એવા વખતે જો ઈચ્છા હોય તો આત્માની કેવી સ્થિતિ થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.__