________________
જિનમાર્ગનું અનુશીલન જ ધર્મનું મુખ્ય કાર્ય છે. તેથી ધર્મગુરુઓનું મુખ્ય કર્તવ્ય પણ જનસમૂહના અંતરમાં આ મહાકરુણાને અને આસ્થાને જાગૃત, દઢમૂલ અને વ્યાપક કરવી એ જ છે. આ મહાકરુણા અને આ આસ્થા એ અહિંસાનું જ મૂર્તિ રૂપ છે.
એટલે જ્યારે ધર્મપ્રચારથી આ મહાગુણોની કેળવણી થાય ત્યારે જ સમજવું કે એ સાચો ધર્મપ્રચાર છે; અન્યથા સમજવું કે એ ધર્માભાસ છે.
ધર્મના અને ધર્મગુરુઓના મુખ્ય કાર્ય સંબંધી આટલા લંબાણથી વિચાર કરવાનું અત્યારે એટલા માટે પ્રાપ્ત થયું છે કે સંત વિનોબાજી અત્યારના મધ્યપ્રદેશના અમુક વિભાગમાં (જૂના ગ્વાલિયર રાજ્યના મોરેના અને ભિંડ જિલ્લાઓમાં), ગુજરાતનાં મહી નદી અને સાબરમતીનાં ઊંડાંઊંડાં કોતરીને ય ભુલાવે એવાં ચંબલ નદીનાં અતિ ગહન અને દુર્ગમ કોતરોમાં ફરીને ત્યાં દાયકાઓથી વસવાટ કરી રહેલા અને વસતીને રંજાડીને એમનાં જાન-માલને બિન-સલામત બનાવી રહેલા ભયંકર બહારવટિયાઓનો હૃદયપલટો કરાવવા પગપાળા ઘૂમી રહ્યા છે.
વર્તમાનપત્રો વાંચનારાઓથી એ અજાણ્યું નથી કે શ્રી વિનોબાજીનો આ પ્રયત્ન ઠીકઠીક સફળ થયો છે, અને અનેક બહારવટિયાઓ એમની મારફત સરકારને તાબે થઈ ગયા છે.
કોઈ કલ્પના-કથા જેવી આ બાબતને નક્કર સત્યરૂપે પ્રત્યક્ષ જોયા-જાણ્યા પછી સહેજે પ્રશ્ન થાય છે કે એવી તે કઈ શક્તિ છે કે જે શ્રી વિનોબાજીને આવા ભારે જોખમી કામને સરળ અને સહજ માનીને એને પાર પાડવાનું બીડું ઝડપવાની પ્રેરણા આપે છે ? આનો જવાબ એ જ છે કે શ્રી વિનોબાજી મહાત્મા ગાંધીજી અને બીજા અનેક સંતો અને સાધકોની જેમ હૃદયની શક્તિમાં અને હૃદયપલટામાં અવિચળ શ્રદ્ધા ધરાવે છે.
આ કે આના જેવી ઘટનાઓના પ્રકાશમાં જ્યારે આપણા ધર્મગુરુઓની પ્રવૃત્તિઓનું અવલોકન અને મૂલ્યાંકન કરીએ છીએ, ત્યારે કેવળ નિરાશા જ સાંપડે છે.
આપણા ધર્મગુરુઓની પ્રવૃત્તિ અત્યારે માનવજીવનને સર્વશ્રેષ્ઠ સાબિત કરતા સદ્દગુણો અને સવૃત્તિઓને જાગૃત કરવા તરફ કે એને સ્થિર તેમ જ મજબૂત કરવા તરફ કેટલું ધ્યાન આપે છે, તેમ જ સમગ્ર માનવજાત અહિંસા, સંયમ અને તપનો
સ્વ-પર-કલ્યાણકારી માર્ગ સમજે એ રીતે એમની ઉપદેશધારા કેટલે અંશે કામ કરી રહી છે એનો તટસ્થ રીતે વિચાર કરવાની જરૂર લાગે છે.
- ધર્મગુરુ એટલે ધર્મની સમજૂતીની જગલ્હાણ કરનાર ગુરુ. એમને સંપ્રદાય, પંથ, ગચ્છ કે એવી કોઈ સંકુચિત વાડાબંધી હોઈ જ ન શકે. કોઈ પણ માનવી ધર્મથી વંચિત રહે એવી સંકુચિતતા પણ એમને ન ખપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org