________________
પ૬
જિનમાર્ગનું અનુશીલન ઘણી ઉન્નત ભૂમિકા માગી લે છે, અને સાથેસાથે એ ચિત્તને વધારે ઊંચી ભૂમિકા તરફ દોરી જાય છે. એટલા માટે જ આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાની એક શ્વાસોચ્છુવાસમાં જેટલાં કર્મનો ક્ષય કરી શકે છે, એટલાં કર્મનો ક્ષય અજ્ઞાની હજારો વર્ષમાં પણ (અજ્ઞાનજન્ય સાધનાથી) નથી કરી શકતો. જ્ઞાનયોગનો આટલો બધો મહિમા હોવાથી એ માર્ગ શ્રીસંઘમાં ચાલુ રહે એ જરૂરી છે.
વળી, જેમ જ્ઞાનયોગના સાધકો ઓછા મળે છે, તેમ ધ્યાનયોગના સાધકો પણ ઓછા જ જોવા મળે છે. ધ્યાનયોગના સાધકોની સંખ્યા જ્ઞાનયોગના સાધકો જેટલી હશે કે એથી પણ ઓછી હશે, એ કહેવું મુશ્કેલ છે. દેખીતી રીતે તો, ધ્યાનસાધકો આપણા જૈનસંઘમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા પણ ભાગ્યે જ જોવા મળે છે; એથી એમ માનવું પડે છે કે આ માર્ગ ઘણો મુશકેલ હશે. પોતાના આગવા વ્યક્તિત્વને અને અહંભાવને લોપી નાખવાનું ધ્યેય મનમાં વસે તો જ આ માર્ગે જઈ શકાય. મોક્ષની સાધના માટે, અર્થાત્ આત્મામાં પરમાત્મભાવને પ્રગટાવવા માટે પોતાની જાતને વીસરી જનારા કેટલા?
જ્ઞાનયોગ અને ધ્યાનયોગનો માર્ગ ગમે તેટલો કઠણ હોય. પણ સંઘમાં જીવનશુદ્ધિલક્ષી ધર્મભાવનાને ટકાવી રાખવી હોય કે વિકસાવવી હોય તો આ બંનેની નિષ્ઠાપૂર્વક સાધના કરનાર આત્માઓ અમુક પ્રમાણમાં તો હોવી જ જોઈએ. તેવા સાધકો જ ભક્તિયોગ, કર્મયોગ કે બીજી ધર્મક્રિયાઓના આરાધકોને આત્મસમર્પણની સાચી દિશામાં દોરી શકે.
(તા. ૪-૧-૧૯૭૫) જૈનધર્મે બતાવેલી જીવનસાધનામાં ચિત્તની ચંચળ-મલિન વૃત્તિઓને કાબૂમાં લઈને તેમને સ્વસ્થ-નિર્મળ કરવાના અમોઘ ઉપાયરૂપ ધ્યાનસાધનાને ઘણું અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે સાધક ધ્યાન જેવી આંતરિક સાધનાના માર્ગે વળે છે, ત્યારે આહાર ઉપર નિયંત્રણ કે અનશન (ઉપવાસ), એકાંતવાસ અને મૌન એ સાવ સહજભાવે એના સાથી બની જાય છે. આત્મસાધક વીરોનાં જીવન આ વાતની સાક્ષી પૂરે છે.
જો ધર્મસાધનાનું ફળ ચિત્તશુદ્ધિ અને કષાય-વિજયરૂપે મેળવવું હોય તો ધ્યાનસાધનાની ઉપેક્ષા થાય એ કોઈ પણ રીતે પાલવે જ નહીં.
ધ્યાનસાધના તરફની જૈનસંઘની અત્યારની આવી ઉપેક્ષાવૃત્તિના સમયમાં, આપણે ત્યાં, જ્યાં-ક્યાંય આ પ્રવૃત્તિને સજીવન કરવાનો આછો-પાતળો પણ પ્રયત્ન થતો હોય, તે અનુમોદનીય, આવકારપાત્ર અને અપનાવવા જેવો જ ગણાય. આ બાબતનું જરાક અવલોકન કરવા અને આવો જે કંઈ સત્રયત્ન થઈ રહ્યો છે, એનું સ્વાગત કરવા અમે આ નોંધ લખવાનું યોગ્ય માન્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org