________________
૩૬
જિનમાર્ગનું અનુશીલન ગુરુ ગૌતમે શ્રમણોપાસક આનંદની ભાવના પૂરી કરી. પ્રભુના પ્રતિનિધિની ચરણરજ લઈ આનંદ આનંદસમાધિમાં લીન બની ગયા. એમણે માન્યું કે આજે મારે આંગણે કલ્પતરુ પ્રગટ થયું; જીવતર કૃતાર્થ થયું.
પછી શ્રાવક-શ્રેષ્ઠ ગુરુને પૂછ્યું: “ભગવનું, ઘરમાં રહેલા ગૃહસ્થને અવધિજ્ઞાન પ્રગટે ખરું ?” ગુરુએ હા કહી એટલે આનંદે પોતાને પ્રગટેલા અવધિજ્ઞાનની વાત કરી, અને પોતાને એ જ્ઞાનના પ્રતાપે દેખાતા ક્ષેત્રની વિગતો કહી જણાવી.
ગુરુ ગૌતમે સહજભાવે કહ્યું: “મહાનુભાવ, તમને અવધિજ્ઞાન પ્રગટ્યું એ સાચું પણ જેટલું ક્ષેત્ર દેખાવાની તમે વાત કરો છો તે સાચી નથી. તેથી, આવી ખોટી વાત કહેવા માટે તમારે પ્રાયશ્ચિત્ત લેવું ઘટે.”
આનંદે કહ્યું: “ભગવદ્. શું જિનપ્રવચનમાં સાચું બોલનારને પણ પ્રાયશ્ચિત્ત કરવાનું કહ્યું છે ?”
ગુરુએ કહ્યું : “એવું તો નથી, પ્રાયશ્ચિત્ત તો અસત્-પ્રરૂપણાનું જ હોય.” - આનંદે નમ્રતા છતાં દઢતાપૂર્વક કહ્યું: “તો ભગવન્! આપે ખોટી વાત કરી, માટે આપે જ પ્રાયશ્ચિત્ત કરવું ઘટે.”
ગૌતમ તો સાવ સરળપરિણામી આત્મા ! આમાં પોતાની ભૂલ થયાનું સાંભળી એમના અંતરને ચોટ લાગી ગઈ; એમને ચટપટી થઈ કે આ વાતની તરત જ ખાતરી કરવી ઘટે, અને તેઓ સત્વર ભગવાનની પાસે ઉપસ્થિત થયા અને આમાં સત્ય શું છે અને પ્રાયશ્ચિત્ત કોણે કરવું ઘટે એ વિનયપૂર્વક પૂછી રહ્યા.
ભગવાન તો સત્યના પરમ ઉપાસક. પોતાના પ્રથમ અને અનન્ય શિષ્યની ભૂલ પણ, જરા પણ સંકોચ વગર બતાવતાં એમણે કહ્યું: “ગૌતમ ! શ્રમણોપાસક આનંદની વાત સાચી છે. તમારાથી ખોટી પ્રરૂપણા થઈ ગઈ. માટે તમારે આ બાબતમાં આનંદની ક્ષમા માગવી ઘટે.”
ગૌતમનું ચિત્ત ફૂલ જેવું હળવું: એક પળ પણ આવા દોષનો ભાર ન સહી શકે; તરત જ આનંદ પાસે જઈ ક્ષમાપના કરી ત્યારે જ એમના આત્માને નિરાંત થઈ!
પર્યુષણ-મહાપર્વ એ ક્ષમાયાચનાનું મહાપર્વ છે. જે પોતાની ભૂલની ક્ષમા માગવા જેટલી નમ્રતા અને બીજાની ભૂલને ખમવા જેટલી ઉદારતા દાખવે છે એ પોતાના આત્માને ફૂલ જેવો હળવો અને કંચનસમાં નિર્મળ કરી જાણે છે.
ભગવાન મહાવીરની સત્યપ્રિયતા અને નિષ્પક્ષ દૃષ્ટિ અને ગૌતમની ઋજુતા અને નિરભિમાનતા ધર્મસંસ્કારિતાનું નવનીત છે, ધર્મશાસ્ત્રોનો સાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org