________________
૨૮
જિનમાર્ગનું અનુશીલન સતાવતી ન હોય તો એ સમાજ શરીરના બંધારણ જેવો સુશ્લિષ્ટ અને સુવ્યવસ્થિત નથી રહી શકતો, અને દીન-દુઃખના સંકટનિવારણરૂપે સમાજને પોતાને પણ જે લાભ મળવો જોઈએ, તે તેને નથી મળી શકતો. પછી તો અંદરથી ખવાયેલા, પણ ઊજળા દેખાતા વાન અને ચરબીના થરને લીધે દેખાવડા લાગતા શરીરની જેમ એવો સમાજ પણ અંદરથી સારહીન બની જાય છે.
સુખ અને દુઃખ એ કંઈ નવી જન્મેલી કે ક્યાંક અધ્ધરથી આવી પડેલી વસ્તુઓ નથી; એ તો જીવન સાથે જ જડાયેલી વસ્તુઓ છે. એમાં કેટલાંક સંકટોનું નિવારણ વ્યક્તિએ પોતે જ કરવાનું હોવા છતાં, ઇતર વ્યક્તિઓનાં સાથ, સહકાર કે સહાયતા એમાં સારી રીતે ઉપયોગી નીવડી શકે છે. એક કાળ એવો પણ કલ્પી શકીએ કે જ્યારે માનવી પોતાનાં સુખ-દુઃખ માટે પોતાની જાતને જ જવાબદાર માનતો, અને એના નિર્માણ કે નિવારણ માટે પણ પોતાની જાત ઉપર જ આધાર રાખતો; અથવા કદાચ સુખ-દુ:ખની અનુભૂતિ કરવાનું એનું સંવેદન જ એ કાળે એટલું તીવ્ર નહિ હોય, અને સંકટના નિવારણ માટેનો એનો વલવલાટ પણ એટલો ઉત્કટ નહિ હોય; જે કંઈ આવી પડતું તે જીવનના એક સહજ ક્રમરૂપે આવી પડેલું માનીને એ વગર ફરિયાદ સહન કરી લેતો. પણ જેમ-જેમ માનવસમૂહમાં ચેતનાનો વિકાસ થયો, તેમ-તેમ પરિસ્થિતિ બદલાતી ગઈ. એને એમ પણ ભાન થતું ગયું કે પોતે જેમ બીજાના દુઃખનું નિમિત્ત બની શકે છે, તેમ બીજાના સંકટને દૂર કરવામાં પણ એ સહાયરૂપ બની શકે છે. આવી સભાનતાનો સમય એ માનવજીવન અને માનવસમૂહોના ક્રમિક વિકાસનો એક અગત્યનો અને ઐતિહાસિક સમય હતો. આ પછી ઉત્તરોત્તર વ્યવસ્થિત માનવસમાજની રચના થઈ અને એમાં પ્રગતિ પણ થઈ. ધર્મભાવનાનો પ્રાદુર્ભાવ, વિકાસ અને પ્રસાર પણ આને જ આભારી છે. આ યુગ માનવજાતિ માટે અમૃત જેવો ઉત્તમ નવઘડતરનો યુગ બની ગયો.
આ ધર્મભાવનાએ માનવીને એ પરમ સત્ય સમજાવવાનો સમર્થ પ્રયત્ન કર્યો કે કેવળ બીજા માનવીઓ જ નહીં, પણ ચેતનતત્ત્વ ધરાવતા કીટ-પતંગ અને સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવો પણ પોતાના બંધુઓ કે મિત્રો છે. અને એમને પોતાને કારણે લેશ પણ ક્લેશ ન પહોંચે અને એમના સંકટ-નિવારણમાં પોતાની બધી શક્તિઓ કામે લાગે એવી રીતે વર્તવું એ પોતાનો ધર્મ છે. આ ભાવના ભાવિક, સહૃદય અને અંતર્મુખ માનવીના જીવનમાં સર્વસ્પર્શી અહિંસા અને કરુણારૂપે વ્યક્ત થઈ. પરિણામે, એણે પોતાની જીવનપ્રક્રિયા એવી તો સાદી અને સરળ બનાવી કે જેથી ઓછામાં ઓછી હિંસાથી પોતાના જીવનનો નિર્વાહ થઈ શકે, અને જે સ્વલ્પ હિંસા કરવી પડે એ માટે પણ હૃદયમાં સંતાપની કૂણી લાગણી ઊભરાતી હોય; અને કોઈના પ્રત્યે ક્લેશ-દ્વેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org