________________
૪૫૬
જિનમાર્ગનું અનુશીલન આ પર્યાલોચનનો કેટલોક ભાગ અમદાવાદથી પ્રગટ થતા “નિરીક્ષક' સાપ્તાહિકના તા. ૧૮-૭-૧૯૭૧ના અંકમાં આપવામાં આવેલ છે. એ આપણા અખબારોની પરિસ્થિતિ અંગેની વિચારપ્રેરક સામગ્રી રજૂ કરતું હોવાથી એમાંનો કેટલોક વિશેષ મહત્ત્વનો અંશ અહીં સાભાર રજૂ કરીએ છીએ :
“ભારતના પત્રકારત્વની સામે આજે જે સવાલ ખરેખર ઊભો છે તે અખબારી સ્વાતંત્ર્યનો નથી; દેશને કઈ જાતનાં અખબારોની જરૂર છે એ છે. જગતભરનાં છાપાં બે પ્રકારની કામગીરી બજાવે છે : એક તો માહિતી પૂરી પાડવાની અને બીજી ટીકાટિપ્પણ કરવાની. પણ ભારતનાં અખબારોએ પહેલી કામગીરીને બીજીની સરખામણીમાં સાવ ગૌણ બનાવી દીધી છે.
સ્વરાજ પહેલાંના કાળમાં રાજકારણનું આપણે માટે વાજબી મહત્ત્વ હતું. પણ આઝાદી આવ્યા પછી રાજકારણ આપણે માટે કાંઈક વળગાડ સમું બની ગયું છે. રાજકારણીઓ, રાજકીય બાતમીઓ, ગપાટાંઓ અને છળકપટ આપણાં અખબારોનો એકધારો મુખ્ય આહાર બની રહ્યાં છે.
“છેલ્લાં ૨૦ વરસમાં સમાજમાં મોટા-મોટા ફેરફારો થયા છે. તે છતાં, આપણાં છાપાં બહુ મોટા પ્રમાણમાં શહેરીજનોના રંગે રંગાયેલાં રહ્યાં છે; શહેરી જીવનના રસો ને તેનાં મૂલ્યોની જ છાયા તેમાં મુખ્યત્વે પડેલી જોઈ શકાય છે. એશિયામાં ભારતનું અગત્યનું સ્થાન છે. તે છતાં આપણાં છાપાંમાંના વિદેશોના સમાચારો યુરોપઅમેરિકા તરફ જ અતિશય ઢળેલા રહે છે. બિન-એશિયાઈ સમાચારો કુલ વિદેશી સમાચારના ૮૦ ટકા જેટલું મહત્ત્વ ધરાવે છે, અને તેમાં પણ રાજકીય સમાચારો જ અગ્રસ્થાને હોય છે, સામાજિક-આર્થિક બાબતોનો અભાવ જણાય છે.
આ દેશમાં એના રાજકારણીઓના કરતાં વિશેષ ઘણું-ઘણું બીજું પડેલું છે. મોટાં શહેરોની સગવડો અને કલબો-સચિવાલયો-હોટલોના એશઆરામને પાર, રાજકારણીઓનાં કૃત્યો ને અપકૃત્યોને પણ પેલે પાર આખી એક દુનિયા ખૂંદાવાની રાહ જોતી, પત્રકારોના ગંભીર પ્રયાસો વડે અજવાળાવાની ને અર્થઘટન કરાવાની વાટ જોતી પડેલી છે. એ દુનિયા છે ભારતની અસલી જિંદગાનીની, આર્થિક પ્રવૃત્તિના અટપટા તાણાવાણાની. યંત્રવિદ્યા અને ઔદ્યોગીકરણે વછોડેલાં પ્રચંડ બળોની, સામાજિક પરિવર્તનનાં ભરતી-પ્રવાહો અને આંતર-વહેણોની, વધતાં જતાં શહેરોની અને રાજકારણ પરના તેના પ્રત્યાઘાતોની, સમાજ અને ધર્મની – ટૂંકામાં ભારતની સર્વતોમુખી વાસ્તવિકતાનાં અનેકવિધ પાસાંની. આ જે સંભવિત મહેફિલ પડેલી છે, તેને બદલે આજના આપણા મોટા ભાગના સમાચારો એઠા-જૂઠા ટુકડા જેવા જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org