________________
૪૫o
જિનમાર્ગનું અનુશીલન જે ગ્રન્થો, સચિત્ર પ્રતો વગેરે હોય તેની નોંધ (record) સચવાઈ રહે. આ યાદીઓનું કાર્ય આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીની સલાહ-સૂચના મુજબ થવું
જોઈએ.” (તા. ૩૦-૧૨-૧૯૬૭ના લેખમાં તા. ૮-૮-૧૯૫૩, તા. ૧૩-૬-૧૯૫૯ તથા
૧૦-૭-૧૯૭૧ના લેખોના અંશોના ઉમેરણ દ્વારા)
(૨) પુરાતન અવશેષોના સંરક્ષણની જરૂર દૂર-સુદૂરના ભૂતકાળમાં બનેલી મહત્ત્વની ઘટનાઓ રૂપી જુદીજુદી છૂટી-છવાઈ લાગતી કડીઓ વચ્ચેની ખૂટતી કડીઓની શોધ કરીને તે દ્વારા ઇતિહાસને સળંગ અને શૃંખલાબદ્ધ કરવાનાં જે થોડાંઘણાં સાધનો આપણે ત્યાં છે, તેમાં ખોદકામ દરમિયાન જમીનના ભૂગર્ભમાંથી, ઉપરની ગુફાઓમાંથી કે ગામ-પર્વતો-નગરના ધ્વંસના કારણે વેરાન બની ગયેલ ધરતીના પડ ઉપરથી પ્રાચીન શિલ્પ, સ્થાપત્ય કે શિલાલેખોના જે અવશેષો મળી આવે છે, તે અગત્યનું સ્થાન ધરાવે છે. સિંધમાં મોહેં-જો-દરોના ખોદકામ દરમિયાન મળી આવેલ પુરાતત્ત્વના અવશેષોએ ભારતીય સંસ્કૃતિની પાંચ હજાર વર્ષ પહેલાંની વાતોને વાચા આપી છે. એ જ રીતે ઓરિસ્સાના ખંડગિરિ-ઉદયગિરિ પહાડો ઉપરની હાથીગુફામાંના એક શિલાલેખના સંશોધને ઇતિહાસકારોની નજરમાંથી સાવ ભુલાઈ ગયેલા એક પ્રતાપી જેન રાજવી ખારવેલને પ્રકાશમાં આણ્યા. નાલંદા અને તક્ષશિલાના ખોદકામે ભૂતકાળની કેટલીય ઐતિહાસિક બીનાઓ ઉપર ચડી ગયેલાં અનેક પડ-પોપડાંને વેગળાં કરીને તે કાળનું સુભગદર્શન કરાવ્યું. આમ જે વાતો માનવીના સહજ ભુલકણા સ્વભાવને કારણે ભુલાઈ જાય છે, તે વાતો આવા પુરાતત્ત્વના અવશેષોની શોધના કારણે તાદશ થાય છે, અને આપણા ભવ્ય અને ભુલાયેલા ભૂતકાળનું અવલોકન કરીને આપણા વર્તમાનને ઘડવાની સૂઝ આપણને સાંપડે છે.
પ્રાચીન અવશેષોના મહત્ત્વની આ વાત જેમ ભારતવર્ષના ઇતિહાસની દૃષ્ટિએ સાચી છે, તેમ જૈન ધર્મ અને જૈન-સંસ્કૃતિના ઈતિહાસની દૃષ્ટિએ પણ એટલી જ સાચી છે. ઉપરાંત એ અવશેષો ભારતવર્ષના ઈતિહાસના સર્જનમાં અને કળાના વિકાસનું અવલોકન કરાવવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. એટલે આવા અવશેષોનું સંશોધન-સંરક્ષણ-જતન કરવું એ આપણી મોટી ફરજ થઈ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org