________________
પ્રાકૃતાદિનું અધ્યયન : ૬, ૭
૪૩૯
સહજ રીતે મળી રહે. આવી સંસ્થાની આપણે ત્યાં બહુ મોટી ખામી છે, અને એ બે રીતે નુકસાનકારક છે : પહેલું તો એ કે આ ભાષાના અભ્યાસીને યોગ્ય સ્થળ નથી મળી શકતું, અને બીજું: જો અર્ધમાગધી ભાષાનો પ્રખર વિદ્વાન તૈયાર થાય તો તેને આપણે યોગ્ય કામગીરી નથી આપી શકતા, અને તેથી એવા વિદ્વાનોને પણ પોતાનાં સમય-શક્તિ બીજાં ક્ષેત્રોને અર્પણ કરવાં પડે છે.
બૌદ્ધ સાહિત્યનો પ્રચાર ઇચ્છનારાઓએ આજે જુદાં જુદાં સ્થળે પાલીભાષાનાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચમાં ઉચ્ચ અધ્યયન માટે દેશમાં અનેક કેન્દ્રોની સ્થાપના કરી છે એ બીના આપણા માટે માર્ગદર્શક બની શકે એમ છે.
એટલે પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે સારી ભાવના વ્યક્ત કર્યાથી કશો અર્થ સરવાનો નથી. એ માટે તો આપણે કર્મપંથ સ્વીકારીને અમુક પૂર્વતૈયારી જ કરવી પડશે. જૈનસંઘ પરમોપકારી અને જનગણનું કલ્યાણ કરનારી આ ભાષામાતા પ્રત્યેનું પોતાનું ઋણ યત્કિંચિત્ અદા કરવા આ પૂર્વતૈયારીમાં એકાગ્ર બને એમ ઇચ્છીએ.
(તા. ૧૧-૪-૧૯૫૩)
(૭) પ્રાકૃત વિધામંડળ
તાજેતરમાં અમદાવાદમાં “પ્રાકૃત વિદ્યામંડળ'ની સ્થાપના કરવામાં આવી છે એ વાતની નોંધ લેતાં અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ.
પ્રાકૃત ભાષા અને સાહિત્યનો અભ્યાસ ભારતીય સંસ્કૃતિના પ્રમાણભૂત તથા સર્વાગીણ જ્ઞાન અને યથાર્થ મૂલ્યાંકન માટે ઉચ્ચ ઠરેલ વિચારણાને આધારે અનિવાર્ય ગણાય છે. પ્રાકૃત ભાષા અને સાહિત્યનાં અધ્યયન-અધ્યાપનના પ્રસાર માટે, એનાં સંશોધન-સંપાદન માટે અને એનાં મુદ્રણ-પ્રકાશન માટે અત્યારે જાણે સોનેરી અવસર આવ્યો હોય એમ જ લાગે છે.
આ આગમગ્રંથો અને એની સમજૂતી માટે પ્રાકૃત ભાષામાં જ રચાયેલા નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ જેવા ગ્રંથોની જેટલી ઉપયોગિતા જૈનધર્મના હાર્દને સમજવાની દૃષ્ટિએ છે, એટલી જ ભારતીય સંસ્કૃતિ, ભારતીય ભાષાઓના વિકાસ અને ભારતીય ઇતિહાસના અધ્યયનની દૃષ્ટિએ પણ છે. ભારતીય જીવન-પદ્ધતિના અનેક અંશો એમાં છૂટાછવાયા સચવાયેલા પડ્યા છે, અને ભારતીય ઇતિહાસ અને કાળગણનાના કેટલાય ખૂટતા અંકોડા એમાંથી મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org