________________
પ્રાકૃતાદિનું અધ્યયન : ૩
૪૨૧
(૩) પ્રાકૃત ભાષાના જતનનો પ્રયાસ રોજ-બ-રોજના વ્યવહાર કે ચાલુ બોલચાલમાંથી ઓસરી ગયેલી ભાષા સંસ્કૃતિમાંથી સર્વથા લુપ્ત થઈ જવામાંથી ઊગરી શકે એમાં રચાયેલી ખમીરવંત સાહિત્યકૃતિઓ દ્વારા જ. આવી કૃતિઓ સામાન્ય જનસમૂહના અંતર ઉપર સતત કામણ કરતી લોકભોગ્ય કૃતિઓ પણ હોઈ શકે, સર્વજનનાં આદર અને બહુમાનને પાત્ર લેખાતાં ધર્મશાસ્ત્રો પણ હોઈ શકે; અથવા તો ઉચ્ચ કોટીના વિદ્યારસનું કે સાહિત્યરસનું પાન કરાવતી વિદ્ધભોગ્ય કે રસિકભોગ્ય રચનાઓ પણ હોઈ શકે.
જ્યારે સંસ્કૃત ભાષા આ દેશમાં બોલચાલની ભાષારૂપે પ્રચલિત હતી, એ જ કાળે પ્રાકૃત ભાષા નગર કે ગામમાં વસતી તળ જનતાની રોજિંદા વ્યવહારની ભાષા - લોકભાષા હતી, અને તેથી એનું ક્ષેત્ર સંસ્કૃત કરતાં વ્યાપક રહેતું. તેથી જ તો ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધે પોતાના ધર્મસંદેશ પ્રાકૃત અને પાલિ જેવી સર્વજનસુગમ લોકભાષાઓમાં આપવાનું પસંદ કર્યું હતું.
અહીં એટલું યાદ રાખવું ઘટે કે સંસ્કૃત ભાષા અને તે કાળે પ્રચલિત અર્ધમાગધી, પાલિ વગેરે લોકભાષાઓ એ કંઈ એકબીજાથી તદ્દન જુદી સ્વતંત્ર ભાષાઓ ન હતી, પણ તે સમયના માનવજીવન સાથે વણાઈ ગયેલી એક જ ભાષાનાં, તે-તે માનવસમૂહોની વિકસિત, અલ્પવિકસિત કે અર્ધવિકસિત ભૂમિકા પ્રમાણે, માત્ર ઉચ્ચારણભેદે જ સાવ સહજપણે નીપજી આવેલાં બે રૂપો હતાં. જે ભાષાએ શિષ્ટ અને નિયમબદ્ધ રહેવાનું મંજૂર કર્યું તે “સંસ્કૃત' કહેવાઈ, અને જે બોલીને ખળખળ વહેતા ઝરણાની જેમ, આવા નિયમોમાં ન બંધાઈને જે-તે મુલકના લોકોની જબાનની ફાવટ મુજબ બોલની થોડી-થોડી જુદી લઢણો પસંદ પડી, તે ભાષા “પ્રાકૃત' કહેવાઈ – “પ્રાકૃત' એટલે “સામાન્ય વર્ગને લગતું'. બાકી તો ભાષા સંસ્કૃત હોય, પ્રાકૃત હોય કે બીજી ગમે તે; એનું મુખ્ય કામ અંતરની વાતને અભિવ્યક્તિ આપવાનું જ છે. આ કામ સંસ્કૃત અને પ્રાકૃત (અર્ધમાગધી, પાલિ વગેરે પ્રાકૃતના પ્રકારો છે) બંનેએ સમર્થ રીતે બજાવ્યું છે એ વાતની સાખ આજ સુધી ટકેલું પ્રાચીન ભારતીય સાહિત્ય પૂરે છે.
સમય જતાં જૈન પરંપરામાં સંસ્કૃત ભાષામાં સ્વતંત્ર શાસ્ત્રકૃતિઓની રચના કરવાની તેમ જ મૂળ આગમગ્રંથોની ટીકાઓની રચના કરવાની અભિનવ છતાં સમયાનુરૂપ અને ખૂબ આવશ્યક પરિપાટી શરૂ થઈ. આને લીધે સંસ્કૃત ભાષાની વિવિધ વિષયની જૈન રચનાઓમાં એક પ્રકારની ભરતી આવી. પ્રાકૃત રચનાઓ ચાલુ રહેવા છતાં એમાં કંઈક ઓટ આવી, અને સમય જતાં, પ્રાકૃત રચનાઓની આ ઓટની જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org