________________
૩૯૭.
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૯ (૯) પ્રાચીન ગુજરાતી જૈન સાહિત્યને પ્રગટ
કરતાં રહીએ. જુદી-જુદી સદીઓમાં થઈ ગયેલ જૈન આચાર્યો-મુનિવરોએ તે-તે સમયના ભારતીય સાહિત્યમાં મૂકી શકાય એવા ચિરંજીવ અનેક ગ્રંથોનું સર્જન કરીને ભારતીય સંસ્કૃતિધારામાં જૈન સંસ્કૃતિનું આગવું સ્થાન આકાર્યું છે એ એક સુવિદિત બીના છે. આ સાહિત્ય-સર્જનમાં જૈન વિદ્વાનોએ જેમ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષામાં જુદાજુદા વિષયોને લગતા અનેક ગ્રંથો રચ્યા છે, તેમ ગુજરાતી, રાજસ્થાની અને હિન્દી ઉપરાંત દક્ષિણની તમિળ જેવી લોક-ભાષાઓમાં પણ અનેક કૃતિઓનું સર્જન કર્યું છે.
આવા લોકભાષામાં રચાયેલ જૈન સાહિત્યમાં, અત્યારના હિસાબે પ્રાચીન ગણી શકાય એવી ગુજરાતી ભાષાની કૃતિઓનું પ્રમાણ મોટું છે એમ ઠેરઠેરના જ્ઞાનભંડારોમાંથી સાંપડેલી કૃતિઓ ઉપરથી જાણી શકાય છે. તેમાં ગદ્ય અને પદ્ય બંને શૈલીની કૃતિઓનો સમાવેશ થાય છે. આ જૈન સાહિત્યનું પણ અત્યારના સંશોધનપ્રિય યુગમાં અનેક દૃષ્ટિએ મહત્ત્વ છે. પ્રાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ, પ્રાચીન કાવ્યનું સ્વરૂપ, ઇતિહાસ, ભૂગોળ, તે-તે સમયના સામાજિક રીતરિવાજો, ખાનપાન યા વેશભૂષાની પદ્ધતિ, કિંવદત્તીઓ, કથાઓ, ચરિત્રો, પિંગળશાસ્ત્ર, રૂઢ પ્રયોગો વગેરે અનેક વિષયોની રસપ્રદ માહિતી આ પ્રાચીન સાહિત્યમાં સહજ રીતે સમાયેલી હોય છે. એટલે આવા કોઈ પણ ગ્રંથનું સંશોધન-સંપાદન કરવું એ ગુજરાતી ભાષા અને સાહિત્યની ભારે સેવા બજાવવા જેવું અને જીવનને પણ સમૃદ્ધ કરનારું કાર્ય ગણાય.
વળી, આ સાહિત્ય એટલા મોટા પ્રમાણમાં આપણાં ભંડારોમાં ભર્યું પડ્યું છે, કે અત્યાર અગાઉ આવું જે કંઈ સાહિત્ય મુદ્રિત થઈને જુદે જુદે સ્થળેથી પ્રગટ થયું છે તે એના ચોથા ભાગ કરતાં પણ ઘણું ઓછું ગણી શકાય. આ સ્થિતિમાં બાકી રહેલી આવી નાની-મોટી સાહિત્યકૃતિઓ પ્રગટ કરવી એ જૈન સાહિત્યની ભારે સેવારૂપ અને તેની પ્રતિષ્ઠામાં ઉમેરો કરનારું પુણ્ય-કાર્ય છે.
પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં જૈન વિદ્વાનોએ આપેલા આ મહત્ત્વના ફાળાથી પ્રેરાઈને મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાના મુખપત્ર “સૈમાસિકના ગત એપ્રિલસપ્ટેમ્બરના પુસ્તક ૧૫માના સંયુક્ત અંક ૧-૨માં “નયસુંદરત રૂપચંદકુંવર રાસ – એક સ્વાધ્યાય' એ લેખમાં શ્રી જનાર્દન પંડ્યા લખે છે :
પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં જૈન (સાધુ) કવિઓનું અર્પણ અમૂલ્ય છે. રાસ, રાસા, ફાગુ અને પ્રબંધ વગેરે સાહિત્યના પ્રકારો એમની પાસેથી આપણને મળેલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org