________________
૩૯૪
જિનમાર્ગનું અનુશીલન (૧) મહારાજશ્રીએ પોતાના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા ગુરુ મુનિવર્ય શ્રી ચતુરવિજયજીની સાથે અને તેઓના સ્વર્ગવાસ બાદ તેઓના પગલેપગલે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ હસ્તકના સંખ્યાબંધ પ્રાચીન હસ્તલિખિત જ્ઞાનભંડારોનો નમૂનેદાર જીર્ણોદ્ધાર કર્યો-કરાવ્યો હતો. આ જીર્ણોદ્ધારમાં માત્ર હસ્તલિખિત પ્રતોને સુરક્ષિત બનાવીને જ સંતોષ માનવાને બદલે એ પુસ્તકોનું માહિતીપૂર્ણ સૂચિપત્ર તૈયાર કરીને એ પુસ્તકો એનો ઉપયોગ કરવા ઇચ્છતા વિદ્વાનોને ઓછામાં ઓછી મુશ્કેલીથી મળી શકે એવી વ્યવસ્થા પણ તેઓએ કરાવી હતી. કેટલાક જ્ઞાનભંડારોમાંનાં પુસ્તકોની સૂચીઓ તો તેઓએ ખૂબ મહેનત લઈને મુદ્રિત પણ કરાવી, જેથી દેશ-વિદેશનાં જુદાં-જુદાં સ્થાનોમાં રહેતા વિદ્વાનોને માટે ભંડારનાં પુસ્તકોની માહિતી ઘર બેઠાં મેળવવાનું સહેલું થઈ પડ્યું. આમ મહારાજશ્રીને જ્ઞાનભંડારોને સુરક્ષિત બનાવવા જેટલી જ ધગશ જ્ઞાનભંડારનો ઉપયોગ સહેલાઈથી થઈ શકે એવી વ્યવસ્થા કરવા માટે હતી. એમ લાગે છે કે દાદાગુરુના ગુરુ યુગપ્રભાવક મહાપુરુષ શ્રી આત્મારામજી આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજને જ્ઞાન પ્રસાર અને જ્ઞાનોદ્ધારની જે ઉત્કટ ઝંખના હતી, એ પરંપરાનું જ સાતત્ય તેમણે સવાઈ રીતે સાચવી અને શોભાવી જાણ્યું.
(૨) જ્ઞાનભંડારોના ઉદ્ધારમાં હસ્તપ્રતોનો ઉદ્ધાર તો સ્વયમેવ સમાઈ જાય છે. આમ છતાં શ્રી પુણ્યવિજયજીએ હજારો પ્રાચીન જીર્ણ હસ્તપ્રતોને સુરક્ષિત બનાવવા માટે, માતા જેવી મમતાથી એમની જે માવજત કરી હતી, તેનો જુદો નિર્દેશ કરવો ઘટે. જુદી-જુદી પ્રતોનાં ભેળસેળ થઈ ગયેલાં પાનાંઓને તપાસી-તપાસીને છૂટાં પાડીને એમને સળંગ પુસ્તકરૂપે વ્યવસ્થિત કરવાની, પુસ્તકોનો વિષય સમજી જવાની, છૂટાંછવાયાં પરચૂરણ પાનાંઓને જોઈને એક-એક પાનાની ઉપયોગિતા નક્કી કરવાની, ફાટી તૂટી કે વળી ગયેલ પ્રતોને સરખી કરવાની, પ્રતોમાંના પુસ્તકની મહત્તાને પિછાણી જવાની, વિશિષ્ટ મહાપુરુષોના હસ્તાક્ષરોને ઓળખી કાઢવાની અને અન્ય પરંપરાના સાહિત્યનાં પુસ્તકોની વિશેષતાને પણ પામી જવાની મહારાજશ્રીની ચકોર દૃષ્ટિ, આવડત અને સૂઝ ખરેખર અનોખી હતી. પ્રાચીન પ્રતોની કિંમત પણ તેઓ બરાબર આંકી શકતા. આવાં પુસ્તકો વેચનારાઓ પાસેથી તેઓએ ખરીદાયેલી હસ્તપ્રતોની સંખ્યા હજારો ઉપર પહોંચી જાય એવી મોટી છે. આવી જૂની કે કળાના નમૂનારૂપ વસ્તુઓ વેચનારને યોગ્ય વળતર મળી રહે એ માટેની તેમની ચીવટ પણ તેઓના જીવન સાથે એકરૂપ બનેલી ઉદારતાનું જ પરિણામ કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org