________________
૩૯૨
જિનમાર્ગનું અનુશીલન જ્ઞાનભંડારોમાંના હસ્તલિખિત ગ્રંથો એવી કઢંગી હાલતમાં પડ્યા હતા – હજુ પણ પડ્યા છે – કે ક્યારે કયો ગ્રંથ જીવ-જંતુ કે માટી-કચરાનો શિકાર બનીને નામશેષ થઈ જાય કે ગ્રંથોનાં પાનાંઓ એકબીજામાં સેળભેળ બની જઈને અનેક ગ્રંથો કામમાં ન આવી શકે એવા બની જાય એ કહી શકાય એમ ન હતું.
ત્રણેક વર્ષ ઉપર આપણાં જાણીતા સાક્ષર શ્રી જિનવિજયજી પોતાની સાથે કેટલાક બીજા વિદ્વાનો તેમ જ લહિયાઓને લઈ લગભગ છએક માસ લગી આ જ્ઞાનભંડારોમાંથી મુખ્યત્વે ઐતિહાસિક સામગ્રી મેળવવા માટે જેસલમેરમાં રહેલા, ત્યારે ત્યાં કેવી કઢંગી સ્થિતિ પ્રવર્તે છે તે તરફ, તેમ જ એ જ્ઞાનભંડારોમાં કેવાં અમૂલ્ય અને પ્રાચીન ગ્રંથરત્નો ભર્યાં પડ્યાં છે તે તરફ આપણું ધ્યાન દોર્યું હતું. ત્યારથી જ જાણે એમ લાગ્યા કરતું હતું કે સલમેરના એ જ્ઞાનભંડારો પોતાના સંપૂર્ણ પુનરુદ્ધાર માટે કોઈ સમર્થ વિદ્વાનૂની રાહ જોઈ રહ્યા છે. આજે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના પ્રયાણથી એ રાહ પૂરી થાય છે એ જૈનસંઘ અને સંસ્કૃતિને માટે એક શુભ અવસર છે.
જ્ઞાનભંડારોને સુવ્યવસ્થિત કરવાના કસબમાં પૂ. પુણ્યવિજયજી ખૂબ નિષ્ણાત છે. એમના હાથે લીંબડી, વડોદરા અને પાટણના તેમ જ બીજા અનેક જ્ઞાનભંડારી વ્યવસ્થિત થયા છે અને અનેક પ્રાચીન હસ્તપ્રતિઓ કાળદેવતાનો કોળિયો બનવામાંથી બચી ગઈ છે. વળી એ ગ્રંથોનું સંશોધન-સંપાદન કરવા માટે કે પોતાના હાથે થતા આગમ-સંશોધનના કાર્યમાં એ ભંડારોમાંથી મળી આવતી મહત્ત્વની પ્રાચીન પ્રતિઓનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવા માટે જે અપાર ધીરજ અને ખંત જોઈએ, તે મહારાજશ્રીમાં મોજુદ છે. એમ કહી શકાય કે ઢગલા જેટલી ધૂળનું શોધન કરીને કણ જેટલું સુવર્ણ મેળવનાર ધૂળધોયા જેવી ધીરજ સાહિત્ય-સંશોધનના ધૂળધોયા આ મુનિવરમાં ભરી પડી છે. એટલે તેમની જેસલમેરની આ મુલાકાતથી જૈનસંઘને બેવડો લાભ થવાની આશા છે : એક તો એ, કે જ્યારે એ જ્ઞાનભંડારોના વહીવટદારો પોતે જ વિનંતી કરીને મહારાજશ્રીને ત્યાં તેડી જાય છે ત્યારે તેઓ કોઈ પણ ડર રાખ્યા વગર સાવ મુક્ત મને એ જ્ઞાનભંડારોનાં દ્વાર ખુલ્લાં મૂકી દેશે. એટલે એ બહુમૂલા ગ્રંથો બરાબર વ્યવસ્થિત થવાની સાથે એમની જાળવણી માટે જરૂરી બધી વ્યવસ્થા પણ કરી શકાશે. એટલે ભવિષ્યમાં એ ગ્રંથોને હાનિ પહોંચવાનો બહુ જ ઓછો સંભવ રહેશે. એ જ્ઞાનભંડારો બરાબર વ્યવસ્થિત થશે, એટલે એમાંનાં ગ્રંથરત્નો એના ખપી વિદ્વાનો માટે વિશેષ સુલભ બનશે. બીજો લાભ એ, કે એ જ્ઞાનભંડારોમાં રહેલ આગમગ્રંથોની પ્રાચીન હસ્તપ્રતોથી આપણા આગમ-ગ્રંથોનું વિશેષ સંશોધન થઈ શકશે; આ લાભ જૈન સંસ્કૃતિને માટે ખૂબ મહત્ત્વનો છે. ઉપર્યુક્ત બંને રીતે એ જ્ઞાનભંડારોનો ઉપયોગ કરી લેવા માટે પૂ. પુણ્યવિજયજી અધિકારી વ્યક્તિ છે એમાં શક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org