________________
૧૮
જિનમાર્ગનું અનુશીલન જોવાય છે. આમ થવામાં ધર્મનો કે ધર્મભાવનાનો પોતાનો દોષ હોતો નથી; ખરી રીતે એ દોષ માનવીના વિકૃત, અસંસ્કારી, અણવિકસિત માનસનો છે. પોતાના મનના આ દોષને માનવી ધર્મમાં દાખલ કરીને ધર્મનું સંપ્રદાયમાં એવું રૂપાંતર કરી નાખે છે કે ત્યાં સત્યને સ્થાને સાંપ્રદાયિક માન્યતાઓનું વર્ચસ્વ જામી છે.
સાંપ્રદાયિક માન્યતાઓ અને સત્યની શોધને આમ સામસામે મૂકીને આવી વિચારણા કરવી એટલા માટે વિશેષ જરૂરી થઈ પડી છે કે વિજ્ઞાન દ્વારા અત્યારે થતી પ્રકૃતિનાં તત્ત્વો તથા પરિબળોને લગતી કે ભૂગર્ભ, ભૂગોળ અને ખગોળને લગતી નવીનવી શોધોનું સત્યની શોધની દૃષ્ટિએ એટલે કે ધર્મની દૃષ્ટિએ શું મૂલ્યાંકન કરવું, એ નક્કી કરવાનો સમય ક્યારનો પાકી ગયો છે. આ મૂલ્યાંકન યોગ્યરૂપે કરવામાં મોટામાં મોટી મુશ્કેલી એ છે કે જેઓ ધર્મની સાચી ભાવના અને એની વ્યાપક દૃષ્ટિને સમજવામાં નિષ્ફળ જાય છે, તેઓ વિજ્ઞાનની શોધોને પ્રકૃતિના કે ભૂગોળ-ખગોળના સત્યને (કે સત્યાંશને) પ્રગટ કરનારી શોધો તરીકે આવકારવાને બદલે, પરંપરાથી ધર્મના નામે ચડી ગયેલી માન્યતાઓથી એ જુદી પડે છે તે જ કારણે એને ધર્મવિરોધી માની બેસે છે, એટલું જ નહીં, સાચી સમજણની ખામીને લીધે, એ શોધોને ભૌતિક (જડ) કહીને એની વધારે પડતી નિંદા કરવામાં, અને બીજી બાજુએ બૌદ્ધિક કસોટીએ 'વિચારતાં જે માન્યતા કોઈ રીતે ગળે ઊતરતી ન હોય, એને ફક્ત પરંપરાથી મળતા ધર્મના આધારને કારણે, આધ્યાત્મિક શોધ તરીકે બિરદાવીને એની મોકળે મને પ્રશંસા કરવામાં રાચે છે. અલબત્ત, અમુક શોધને ભૌતિક કે અમુકને આધ્યાત્મિક લેખવામાં હરકત ન હોઈ શકે; પણ એટલા માત્રથી પહેલી સાવ નિંદનીય અને બીજી સર્વથા પ્રશંસનીય – એમ માની લેવાની જરૂર નથી. ખરેખર તો “ભૌતિક' કે “આધ્યાત્મિક એ વિશેષણો નિંદા કે સ્તુતિને પાત્ર વસ્તુનો નિર્દેશ કરવાને બદલે તે-તે વિષયવસ્તુનું સ્વરૂપ દર્શાવવા માટે જ પ્રયોજવામાં આવેલાં હોય છે. સ્થૂળ દૃષ્ટિએ ભૌતિક અને આધ્યાત્મિક લેખાતી વસ્તુઓ એકબીજા સાથે કેવી રીતે અવિરોધીપણે સંકળાયેલી છે, એનો પણ વિજ્ઞાનની શોધોનું યથાર્થ મૂલ્યાંકન કરતી વખતે ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે. આ દૃષ્ટિએ વિચારતાં વિજ્ઞાનની શોધો એ ધર્મની વિરોધી નહીં, પણ સત્યની શોધની બાબતમાં ધર્મની પૂરક બની શકે છે, એમ માનવામાં વિજ્ઞાન અને ધર્મ બંનેનું સંગોપન થાય છે, માનવીને પોતાને પણ વિશેષ લાભ છે. અલબત્ત, આમાંથી વિજ્ઞાનની જે શોધો નરી હિંસા ઉપર આધારિત હોય કે હિંસાને પ્રોત્સાહન આપતી હોય એને જુદી તારવી શકાય; પણ એટલામાત્રથી વિજ્ઞાનની બધી શોધોને ધર્મવિરોધી માનીને એની ઉપેક્ષા કે વગોવણી કરવી એ તો જૂ પડવાની બીકે બધાં વસ્ત્રોનો ત્યાગ કરવા જેવી ભૂલ જ લેખાય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org