________________
૩૮૪
જિનમાર્ગનું અનુશીલન પરિવર્તન વધારે સહેલાઈથી થઈ શકે. આ માટે કેટલીક હિલચાલ તો ચાલી રહી છે, પણ હજી એ ગ્રંથભંડારની સંભાળ માટે જવાબદાર મહાનુભાવ આ બાબતમાં કેટલા સજાગ અને સક્રિય થયા છે એ જાણવાનું બાકી છે.
આ જ રીતે રાજસ્થાનમાં બીકાનેર વગેરે જે સ્થાનોમાં યુદ્ધની પરિસ્થિતિને લીધે આપણા જ્ઞાનભંડારો ભયમાં મુકાવાનો થોડો પણ સંભવ લાગતો હોય, ત્યાંના આગેવાનોએ પણ એ માટે સાબદા થઈને તરત ઘટતું કરવું જોઈએ.
ઉપરાંત પંજાબ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ જ્યાં-ક્યાંય આવી ભયજનક સ્થિતિ ઊભી થવાનો અંદેશો હોય, ત્યાંના સંઘોએ પણ એ વાતનો વિચાર કરીને બનતી ત્વરાએ ત્યાંના ગ્રંથભંડારોની સુરક્ષા માટે સમુચિત બંદોબસ્ત કરવો જોઈએ.
સદ્ભાગ્યે અત્યારે બે દેશો વચ્ચે યુદ્ધવિરામ સ્થપાયો છે, અને કેટલાંક નાનામોટાં છમકલાં ચાલુ હોવા છતાં, મોટા ભાગનું યુદ્ધ થંભી ગયું છે. આપણા આવા બધા અમૂલ્ય ગ્રંથભંડારોનું સુરક્ષિત સ્થળે ખસેડવાની દૃષ્ટિએ આ એક બહુ જ અનુકૂળ પરિસ્થિતિનો બને તેટલો વધુ અને બને તેટલો વેળાસર લાભ લઈ લેવો જોઈએ.
હવે તો યુદ્ધવિરામ થઈ ગયો છે, એટલે કંઈ કરવાની જરૂર નથી' એમ જો માની લઈશું તો આપણે ભીંત જ ભૂલીશું.
એક કાળે આપણને જેસલમેર બહુ જ સુરક્ષિત સ્થાન લાગ્યું હોવું જોઈએ. તેથી જ ત્યાં આવા અમૂલ્ય ગ્રંથભંડારો આપણે વસાવ્યા હશે. આનો અર્થ એવો નથી કે એ સ્થાન સદાને માટે સુરક્ષિત છે. પાકિસ્તાન ન થયું હોત તો વાત જુદી હતી. એટલે બદલાયેલી પરિસ્થિતિને અનુરૂપ પરિવર્તનને આપણે આવકારવું જ જોઈએ. આમાં સ્થાનનું મમત્વ, પ્રતિષ્ઠાનો સવાલ કે વહીવટી સત્તાની સાઠમારીમાં આપણે અટવાઈ ગયા, તો આપણા પોતાના હાથે આપણા પોતાના જ પગ ઉપર કુહાડો મારી બેસવાની કમનસીબ ભૂલ આપણે કરી બેસીશું!
આવા ખતરામાં આવી પડેલા ભંડારોને ક્યાં ફેરવવા એનો નિર્ણય તે-તે ભંડારોના સંચાલકોએ જ કરવાનો છે. આમ છતાં એ હકીકત જણાવીએ કે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ દ્વારા પૂ. મુ. શ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી સ્થપાયેલ “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર માં, બીજાઓની માલિકીને કાયમ રાખીને પણ, આવા હસ્તલિખિત ગ્રંથભંડારોની પૂરેપૂરી સાચવણીની સુંદર વ્યવસ્થા છે. જેઓને લાભ લેવો હોય, તેઓ આ આદર્શ વ્યવસ્થાનો લાભ લઈ શકે છે.
(તા. ર-૧૦-૧૯૬૫),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org