________________
૩૮૨
જિનમાર્ગનું અનુશીલન (૫) જોખમી સ્થાનોમાંથી જ્ઞાનભંડારોને
તત્કાળ ફેરવવાની જરૂર આપણા કેટલાક જ્ઞાનભંડારોનો તાત્કાલિક સ્થળફેર કરવાની ખાસ જરૂર ઊભી થઈ છે; એથી આ અંગે કંઈક વિસ્તારથી લખવાની અમને જરૂર લાગે છે.
પાકિસ્તાન અને હિંદુસ્તાન વચ્ચે તાજેતરમાં છેડાઈ ગયેલી અને ઠીક-ઠીક ઉગ્રતાપૂર્વક ખેલાયેલી લડાઈના લીધે, યુદ્ધ કેવી તારાજી કરે છે અને કેવો સર્વનાશ ફેલાવે છે એનો સચોટ ખ્યાલ આપણને આવી ગયો હોવો જોઈએ. આના લીધે જ્યારે હજારો અને લાખો માનવીઓનાં જાન-માલ જોખમમાં મુકાઈ ગયાં હોય ત્યારે, દેવમંદિરો, સંસ્કૃતિનાં ધામો કે સરસ્વતીનાં મંદિરો પણ ભય અને જોખમમાં મુકાયા એ સ્વાભાવિક છે. આવા સર્વનાશના સમયમાં રક્ષણની યોજનાથી જેમ આ બધાંનો બચાવ કરવો જરૂરી થઈ પડે છે, તેમ એમાંની જે-જે વસ્તુઓનું સ્થાનાંતર કરવાથી એનો બચાવ થઈ શકે એમ હોય, તે વસ્તુઓ તત્કાળ બીજાં સુરક્ષિત અને ભયમુક્ત સ્થાનોમાં લઈ જવી એ જ શાણપણ અને દૂરંદેશી ગણાય.
આ યુદ્ધને કારણે પંજાબના, રાજસ્થાનના અને સૌરાષ્ટ્રમાંના પણ આપણા કેટલાક જ્ઞાનભંડારો ભયમાં મુકાઈ ગયા હતા, તેમાં ય પંજાબ અને રાજસ્થાનમાંના અમુક ભંડારો માટે તો સવિશેષ ચિંતા ઊભી થઈ હતી. પંજાબના જ્ઞાનભંડારોમાં પણ અમુક હસ્તલિખિત પુસ્તકો હોવાને કારણે એ મહત્ત્વના છે. આમાંના કયા ભંડારોમાં હસ્તલિખિત ગ્રંથોની કેવી-કેવી સામગ્રી સંગ્રહાયેલી પડી છે, એની વિગતો બહુ પ્રસિદ્ધિ નહીં મળેલ હોવાથી એનું પૂરેપૂરું મહત્ત્વ આપણે પિછાણી શકતા નથી. એ જ રીતે સૌરાષ્ટ્રના સાગર-કિનારાની પાસે આવેલ જામનગરમાં પણ અમુક હસ્તલિખિત ગ્રંથસામગ્રી હોવા છતાં એની મહત્તાનો ખ્યાલ આવવો હજી બાકી છે.
પણ રાજસ્થાનમાંના જોધપુર અને જેસલમેરના હસ્તલિખિત ગ્રંથભંડારો કેવળ જૈન સાહિત્યની દૃષ્ટિએ જ નહીં, પણ સમગ્ર ભારતીય સાહિત્યના વિવિધ વિષયોને લગતા સાહિત્યની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વના છે અને વિશ્વવ્યાપી ખ્યાતિ ધરાવે છે. તેમાં ય જેસલમેરમાંના હસ્તલિખિત ગ્રંથભંડારો તો એમાંના કેટલાંક અપૂર્વ અને અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથરત્નોને કારણે કેટલાય દાયકાઓથી દેશ-વિદેશના વિદ્વાનોને માટે મોટા આકર્ષણરૂપ બની રહ્યા છે. તેથી જેસલમેરનો પ્રવાસ અત્યારે પણ અન્ય સ્થાનોના પ્રવાસના જેટલો સહેલો ન હોવા છતાં, દેશના ને વિદેશના અનેક વિદ્વાનો એની મુલાકાત લેતા જ રહ્યા છે. કળામય શિલ્પ અને કોરણીથી સમૃદ્ધ એવાં મનોહર, ભવ્ય જિનમંદિરો પણ જેસલમેરની યાત્રાનું એક વધારાનું આકર્ષણ રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org