________________
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૪
૩૮૧
લેખક શ્રી પાર્શ્વભાઈએ આ બાબત તરફ સૌનું ધ્યાન ખેંચીને એક અભિનવ વિચાર રજૂ કર્યો છે, કે “અંચલગચ્છ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' સ્થાપીને છૂટી-છવાઈ બધી હાથપ્રતોનો એક જ સ્થાને વિપુલ સંગ્રહ તૈયાર કરવો. નાનાં ગામો હાથપ્રતો વ્યવસ્થિત રીતે ન સાચવી શકે એ સ્વાભાવિક છે. તેઓ સ્વેચ્છાએ એ સંગ્રહ ઉક્ત સંસ્થાને ભેટ ધરી દે. અનેક સંગ્રહોના સમૂહરૂપે એક જ સ્થાને હાથપ્રતોની જાળવણી સુંદર રીતે થઈ શકશે. એ ગ્રંથોનાં સૂચિપત્રો પણ તૈયાર થઈ શકશે એમાં જરા યે શંકા નથી. સૂચિપત્રો તૈયાર થતાં પ્રાચ્યવિદ્યાના અભ્યાસીઓ સંશોધન માટે કે પીએચ.ડી. થવા આ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટનો લાભ સારી રીતે લઈ શકશે, અને એ રીતે અંધકારમાં રહેલાં ગ્રંથરનો પ્રતિદિન પ્રકાશમાં આવતાં જશે.
શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ “શેઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર" અમદાવાદમાં સ્થાપેલ હોઈ અને ત્યાં હસ્તપ્રતોનો વિશાળ ગ્રંથસંગ્રહ હોઈને આજે સંશોધનના અભ્યાસીઓ માટે વિદ્યા મેળવવાનું વિદ્યાધામ બનેલ છે. પરદેશી વિદ્વાનો પણ સંશોધન માટે ત્યાં આવવા આકર્ષાય છે. આ સંસ્થાના વિપુલ સંગ્રહમાં માંડલનો અંચલગચ્છનો ભંડાર આદિ અનેક સંગ્રહો લેવાઈ ગયા છે; અને હજી પણ એવા જ બીજા સંગ્રહો મેળવાઈ રહ્યા છે...
આપણા શ્રીમંતો સંઘો કાઢવામાં, પ્રતિષ્ઠાઓ કરાવવામાં કે આંગીઓ રચાવવામાં અઢળક ધનવ્યય કરે છે, જેનાં તાજાં ઉદાહરણો સૌની સ્મૃતિમાં છે. આ શ્રીમંતો જ્ઞાનભંડારોના ઉદ્ધાર માટે પણ થોડું લક્ષ આપે, તો આપણા સંગ્રહોની અસ્પૃહણીય દશા ન રહે, એટલું જ નહીં, પણ “અંચલગચ્છ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેવી એક આદર્શ સંસ્થા પણ અસ્તિત્વમાં આવે, જે દ્વારા વેરવિખેર થતાં ગ્રંથરત્નો જળવાઈ રહે અને તેનો યોગ્ય રીતે પ્રચાર પણ થાય. જો આ દિશામાં સત્વરે લક્ષ નહીં અપાય, તો રહ્યા-સહ્ય ગ્રંથભંડારો પણ વેચાઈ જશે, અથવા તો નખ્ખાય: થઈ જશે..”
ભાઈશ્રી પાર્શ્વનાં વિદ્યાવ્યાસંગ અને અભ્યાસશીલતાને કારણે એમની વિદ્યાપ્રવૃત્તિ સારી રીતે પાંગરવા લાગી છે; એનું કેટલુંક નક્કર પરિણામ પણ આપણી સમક્ષ આવ્યું છે. એટલે પ્રાચીન હસ્તપ્રતોનું અને શાસ્ત્રસંશોધનનું મૂલ્ય તેઓ બરાબર સમજે છે. અંચળગચ્છનાં સંશોધનની સંસ્થાની જરૂરનો નિર્દેશ કરતા એમના સુચનને અનુલક્ષીને ભાઈશ્રી ખોનાએ કરેલું આપણા ગ્રંથભંડારોની અત્યારે પણ પ્રવર્તતી બિસ્માર હાલતનું વર્ણન બિલકુલ સાચું છે. તેથી શ્રી પાર્શ્વ અને શ્રી ખોનાના આ સૂચનને અમલી બનાવવા લાગતા-વળગતાને પ્રયત્નશીલ બનવા અનુરોધ કરીએ છીએ.
(તા. ૨૯-૧૧-૧૯૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org