________________
૩૭૧
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૨ વિદ્યાઓને લગતું સાહિત્ય; જેમ કે વ્યાકરણ, કોશ, અલંકાર, છંદ, કાવ્ય વગેરે વિષયોના ગ્રંથો.
આ રીતે ઉત્તરોત્તર સાહિત્યસર્જનમાં વધારો થવાને લીધે, તેમ જ જૈનધર્મે જ્ઞાનભક્તિ અને જ્ઞાનરક્ષા ઉપર વિશેષ ભાર આપેલો હોવાને લીધે, જૈનસંઘમાં પ્રાચીન કાળથી જૈન ગ્રંથો લખાવવાની અને ગ્રંથોની સાચવણી માટે જ્ઞાનભંડારોની સ્થાપના કરવાની પ્રવૃત્તિમાં પણ ક્રમે ક્રમે વિકાસ થતો ગયો.
જૈન સાહિત્યની આવી વિપુલતાનો, ભારતીય સંસ્કૃતિના અધ્યયન માટેની તેની ઉપયોગિતાનો અને જૈન જ્ઞાનભંડારોની આવી વિશિષ્ટતાનો ખ્યાલ આપણા દેશના તેમ જ પરદેશના વિદ્વાનોને અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આવ્યો, અને તેથી જૈન સાહિત્યના સંશોધન-અધ્યયનને અને જૈન જ્ઞાનભંડારોનું ઝીણવટપૂર્વક અવલોકન કરવાની તેમ જ એમનું યથાશકય દરેક રીતે જતન કરવાની વૃત્તિને વેગ મળ્યો. સાથેસાથે કંઈક એમ પણ લાગે છે કે અંગ્રેજોના શાસનકાળનાં સો-દોઢસો વર્ષ દરમિયાન ભારતીય સાહિત્યની જેમ જૈન સાહિત્યના સંશોધનમાં પણ નવી જ દિશા, નવી જ દૃષ્ટિ ઊઘડી. આ રીતે અંગ્રેજોના શાસન સમય પહેલાંની જૈન-સાહિત્યનાં રક્ષણ, અધ્યયન અને સંશોધનની પદ્ધતિમાં અને એ શાસન દરમિયાનની તેમ જ તે પછીની પદ્ધતિમાં સ્પષ્ટ આંકી શકાય એવો ભેદ દેખાયા વગર નહીં રહે.
વળી, અત્યારે જૈન સાહિત્યના જુદા-જુદા વિષયના ગ્રંથોનું અધ્યયન-અધ્યાપન તેમ જ સંશોધન-પ્રકાશન કરવા તરફ આપણા દેશના તેમ જ બહારના દેશોના વિદ્વાનોનું ધ્યાન વિશેષ ગયું છે તેનું એક કારણ કદાચ એ પણ હોઈ શકે કે ભારતીય સંસ્કૃતિની વૈદિક તથા બૌદ્ધ એ બે ધારાઓના ધર્મ અને સંસ્કૃતિને લગતા મોટા ભાગના પ્રાચીન ગ્રંથોનું અધ્યયન-સંશોધન થઈ ગયું છે, એના પ્રમાણમાં જૈન સાહિત્યના સંખ્યાબંધ ગ્રંથોનું તુલનાત્મક અને ઐતિહાસિક દૃષ્ટિએ અધ્યયન-અધ્યાપન થવું અને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ એનું સંશોધન-સંપાદન થવું હજુ બાકી છે.
પણ, દુઃખની વાત એ છે, કે જૈન સાહિત્ય અને સંસ્કૃતિ અંગેની આવી વ્યાપક જિજ્ઞાસાની ન તો આપણે સમુચિત કદર કરી શક્યા છીએ કે ન તો એ જિજ્ઞાસાને સંતોષે અને વધારે એવી પદ્ધતિથી આપણા સાહિત્યને પ્રગટ કરવા માટે જોઈએ તેટલો સમર્થ અને સમુચિત પ્રયત્ન કર્યો છે, અને છતાં, દર વર્ષે સાહિત્યપ્રકાશનના કાર્યમાં આપણે પુષ્કળ ધન વાપરીને સંખ્યાબંધ પુસ્તકો પણ પ્રકાશિત કરતા રહીએ છીએ.
સાહિત્ય પ્રકાશનની બાબતમાં ઉદારતાપૂર્વક ધન ખર્ચવું એ સગુણ જ છે, એટલે એની ટીકા કરવાની હોય જ નહીં. પણ એમાં જરૂર છે એ ધન સાચી દિશામાં વપરાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org