________________
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર
(૧) શ્રુતસંપત્તિના રક્ષણની સુદીર્ઘકાલીન ગરવી જૈન પરંપરા
જૈનસંઘ-હસ્તકના પ્રાચીન હસ્તલિખિત ગ્રંથભંડારોની ત્રણ વિશેષતાઓ પહેલી નજરે જ ધ્યાનમાં આવી જાય એવી છે:
(૧) એમાં જૈનધર્મના પ્રાણરૂપ પવિત્ર આગમસૂત્રો અને અનેક વિષયોને આવરી લેતા, જૈન સાહિત્યના આઠસો કે તેથી પણ વધુ વર્ષો પહેલાં લખાયેલા ગ્રંથો હજારોની સંખ્યામાં સચવાયેલા છે. આવા ગ્રંથોની નકલ થઈ હોય ભલે આઠસો કે એક હજાર વર્ષ પહેલાં, પણ એમાંના સંખ્યાબંધ ગ્રંથો તો એવા છે કે જેની રચના પંદરસો, બે-હજાર કે એથી પણ વધુ વર્ષો પહેલાં થયેલી છે. આમાંના કેટલાક આગમસૂત્રોની ગૂંથણી કે રચના તો ખુદ ભગવાન મહાવીરના ગણધરોને હાથે થયેલી હોવાથી એ ગ્રંથોનું સર્જન આશરે પચીસસો વર્ષ પહેલાં થયું હતું એમ કહી શકાય.
મહાવીરસ્વામીના નિર્વાણ પછી લગભગ એક હજાર વર્ષ સુધી (ઐતિહાસિક ઉલ્લેખ પ્રમાણે ૯૮૦ વર્ષ સુધી) જૈન નિગ્રંથો અપરિગ્રહ-મહાવ્રતનું ઉત્કટ રૂપમાં પાલન કરવાની ભાવનાથી પ્રેરાઈને, પોતાના ધર્મગ્રંથોને લખાવીને એનો સંગ્રહ પોતાની પાસે રાખવાને બદલે, શ્રુત-સાહિત્યને કંઠસ્થ જ રાખતા હતા. આ માટે તેઓને કેટલું નિર્મળ ચારિત્ર પાળવું પડતું હશે, જ્ઞાનસાધનામાં કેટલું એકાગ્ર રહેવું પડતું હશે અને કેવી અખંડ જાગૃતિ કેળવવી પડતી હશે એનો ખ્યાલ આવી શકે છે. આ રીતે એમણે શ્રુતસંપત્તિનો પોતાની જીવનસાધના માટે ઉપયોગ કરવાની સાથે સમસ્ત શ્રીસંઘને માટે એનું જતન કરવાની ભારે અસાધારણ જવાબદારી વહન કરવી પડતી હતી.
પણ સમય જતાં શ્રુતસંપત્તિમાં વધારો થતો ગયો, અને માનવીની સ્મરણશક્તિ ઘટતી ગઈ; પરિણામે, ધર્મશાસ્ત્રોને મુખપાઠથી સાચવી રાખવાનું વધુ ને વધુ મુશ્કેલ બનતું ગયું. આવી નાજુક પરિસ્થિતિને પામી જઈને સમયજ્ઞ શ્રમણ-ભગવંતોએ શ્રુતની સાચવણીની દિશામાં પુરુષાર્થ શરૂ કર્યો. આ માટે મથુરામાં એક અને વલભીપુરમાં બે વાચનાઓ યોજવામાં આવી; એટલું જ નહિ, વલભીની બીજી વાચના વખતે, વીરનિર્વાણ પછી ૯૮૦ વર્ષે, શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણ, દૂરંદેશી વાપરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org