________________
૩૬૨
જિનમાર્ગનું અનુશીલન જૈન સાહિત્ય પ્રત્યે પરદેશના વિદ્વાનોને રસ જળવાવાના આપણા હાથે થયેલ વ્યવસ્થિત પ્રયત્નોનો વિચાર કરતાં ખાસ ઉલ્લેખનીય ફક્ત બે જ પ્રયત્નો આપણા ધ્યાનમાં આવે છે. પહેલો પ્રયત્ન આપણા સમર્થ આચાર્ય સ્વ. પૂજ્ય શ્રી આત્મારામજી પૂ. આ. ભ. શ્રી વિજયાનંદસૂરિજી) મહારાજના હાથે અને બીજો પ્રયત્ન નવયુગીન દૃષ્ટિવાળા સ્વ. પૂજ્ય આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી કે તેમના સમુદાયમાંના કોઈ-કોઈ મુનિવરોના હાથે. સ્વ. શ્રી વિજયધર્મસૂરિજીએ તો તેમના સમયના જૈન સાહિત્ય પ્રત્યે રસ ધરાવતા લગભગ બધા ય પરદેશી (તેમ જ દેશના પણ) વિદ્વાનો સાથે ગાઢ સંપર્ક સાધ્યો હતો, અને તેમને અનેક રીતે સહાયક બનીને તેમના હાથે જૈન સાહિત્યના પ્રકાશનનું અને મૂલ્યાંકનનું કાર્ય કરાવ્યું હતું. તેના પછી આ કાર્ય, બહુ ઓછા અપવાદ સિવાય, લગભગ સ્થગિત થઈ ગયું છે એમ કહી શકાય. કોઈ છૂટાછવાયા સંબંધો બંધાયા હોય કે છૂટાછવાયા પ્રયત્નો થતા હોય તેની ના ન કહી શકાય.
આમ છતાં પરદેશના વિદ્વાનો આ ક્ષેત્રને સાવ તજી નથી બેઠા, અને પોતાની અનુકૂળતા મુજબ જૈન સાહિત્યનું કાર્ય કર્યા કરે છે. ભૂતકાળમાં તો આ વિદ્વાનોએ બહુ જ નોંધપાત્ર સેવા બજાવી છે, અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યપ્રણીત ‘ઉણાદિવૃત્તિ' ગ્રંથની જેમ આપણા કેટલાક ગ્રંથો પહેલવહેલાં પરદેશમાં જ અને આવા પરદેશી વિદ્વાનો દ્વારા જ સંપાદિત થઈને મુદ્રિત થયેલા આપણને મળ્યા છે.
અમને લાગે છે કે પરદેશના તેમ જ દેશના જે-જે જૈનેતર વિદ્વાનોએ જેના સાહિત્યની થોડી-ઘણી સેવા કરી છે, અને જેઓ અત્યારે પણ આવી સાહિત્ય-સેવાના કાર્યને વરેલા છે તે સહુની કામગીરીનો ઈતિહાસ રચવાનો વખત પાકી ગયો છે.
જૈન સાહિત્યની સેવા કરનાર આવા જે-જે વિદ્વાનો થઈ ગયા કે અત્યારે મોજૂદ છે, તે દરેકનો તેમ જ તેઓએ કરેલી સાહિત્યસેવાનો પરિચય આપતા ગ્રંથો આપણા સાહિત્યના તેમ જ ધર્મના ગૌરવની દૃષ્ટિએ તૈયાર કરવા જોઈએ એમ અમે ચોક્કસ માનીએ છીએ; અને તેથી આપણી સાહિત્ય-સંસ્થાઓમાંની કોઈક આ કાર્ય હાથ ધરે એવી આશા રાખીએ છીએ.
આવા વિદ્વાનોના હાથે એવી કેટલીય બહુ ઉપયોગી સાહિત્યકતિઓ નિર્માઈ છે. જેનો આપણા વિદ્વાનુ મુનિવરો કે અન્ય વિદ્વાનોને ખ્યાલ પણ નથી. વિશેષ મહત્ત્વનું કાર્ય તો એ છે કે આવી અલભ્ય સાહિત્યકૃતિઓનો મૂળ ભાષામાંથી અનુવાદ કરીને આપણી પોતાની ભાષામાં પ્રગટ કરીએ; જરૂર લાગે ત્યાં એને એની મૂળ ભાષામાં કે અંગ્રેજીમાં પણ પ્રકાશિત કરીએ. આ કાર્ય તો આપણે જ્યારે હાથ ધરીએ ત્યારે ખરા; અત્યારે તો આવા દેશી અને પરદેશી ગ્રંથકારો અને તેમના ગ્રંથોનો પરિચય આપતું સાહિત્ય પ્રગટ કરવા તરફ આપણે ધ્યાન આપીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org