________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૯, ૧૦
૩પ૭
એમાંના થોડા-ઘણાનો પણ ગુજરાતી સાહિત્ય પરિષદ્ તથા ગુજરાતની બીજી સાહિત્યિક સંસ્થાઓ દ્વારા અમલ થાય તો કેવું સારું!
(તા. ૩-૪-૧૯૭૬)
(૧૦) ભણે તેની વિધા અંગ્રેજોના રાજ્યશાસન દરમિયાન, તેમ જ તે પછી પણ, પશ્ચિમના સંપર્કના પ્રભાવે જેમ આપણા દેશની વિચારસરણીમાં અને રહેણી-કરણીમાં નખશિખ કહી શકાય એવું પરિવર્તન આવ્યું છે, એમ વિદ્યાવ્યાસંગના વિષયો અને એના ખેડાણની પદ્ધતિમાં પણ ક્રાંતિકારી કહી શકીએ એવો ફેરફાર થયો છે. સૌથી મોટી વાત તો એ છે કે વિદ્યાસાધના એ કોઈ પણ એક દેશ, ધર્મ, સમાજ, વર્ણ, વર્ગ કે જાતિના ઇજારાની જેમ બંધિયાર રહેવાને બદલે, કુદરતમાતાનાં જીવનપ્રદ તત્ત્વો પવન, પ્રકાશ અને પાણીની જેમ, બંધનમુક્ત બનીને સર્વજનસુલભ બની છે. જો આપણે પૂર્વગ્રહોથી, અજ્ઞાન કે અંધશ્રદ્ધાથી મુક્ત બની શકીએ, તો આપણને એ સમજતાં વાર ન લાગવી જોઈએ અને એ સત્ય સ્વીકારતાં સંકોચ ન થવો જોઈએ, કે વિદ્યા એ તો પવન, પ્રકાશ અને પાણી કરતાં પણ વધુ અસરકારક અને વધારે શક્તિશાળી જીવનપ્રદ તત્ત્વ છે; એ તત્ત્વની સમુચિત સાધનાથી જ માનવી સાચો માનવી બની શકે છે અને જીવનને ઊર્ધ્વગામી કરી શકે છે. વિદ્યા જેમ વ્યક્તિના ઘડતરનું અમોઘ સાધન છે, તેમ સમાજના ઉત્થાનનો પણ પાયાનો ઉપાય છે. એટલે તેનું ક્ષેત્ર વ્યાપક રહે એમાં જ માનવજાતનું કલ્યાણ છે.
પણ હવે વિદ્યા ફરી વાડાબંધીમાં સપડાઈ જશે એવી ચિંતા સેવવી પડે એવી સ્થિતિ રહી નથી; અરે, હવે તો તે દેશ જેવા વ્યાપક સીમાડા પણ વટાવીને વિશ્વવ્યાપક બની ગઈ છે. પરિણામે, ગમે તે દેશનો માનવી ગમે તે દેશની વિદ્યા અને સંસ્કૃતિના ગમે તે અંગનું અધ્યયન કરીને પોતાની વિદ્યા પ્રીતિ અને જિજ્ઞાસાને, બે-રોકટોક સંતોષી શકે છે. એટલે વિદ્યાની કોઈ પણ શાખાનાં અધ્યયન-અધ્યાપન બંધિયાર મટી વધુ ને વધુ વ્યાપક બને એવો પ્રયત્ન જ અત્યારના યુગનું પ્રાપ્ત કર્તવ્ય છે એ સમજી રાખવું ઘટે. સમગ્ર જીવન ઉપર જ જ્યારે વિશ્વની જુદીજુદી સંસ્કૃતિ કે જીવનપદ્ધતિ અસર કરી રહી હોય, ત્યારે વિદ્યાસાધનાને એમાંથી બાકાત કેવી રીતે રાખી શકાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org