________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૯
રૂપર
છે કે માણસ-માણસ વચ્ચેનું ભૌગોલિક અંતર ઘટી ગયું છે, પરંતુ માણસે જે આધુનિક શસ્ત્રોની શોધ કરી છે તે જ તેનો સર્વનાશ કરવા સમર્થ છે. એમાંથી બચવાનું એકમાત્ર સાધન માણસ પોતે છે; અને તે તેની ધર્મભાવના. તેમના ઇતિહાસના આ નવનીતનો આસ્વાદ લઈ કોણ કહેશે કે પશ્ચિમના લેખકોમાં આધ્યાત્મિકતા નથી? આપણે તેનું મિથ્યાભિમાન કરી, ફુલાઈએ છીએ, પરંતુ તે તો સર્વત્ર પડેલી જ છે.”
વિદેશી ભાષામાં થતાં સંશોધનોમાં દેખાતાં ઊંડાણ અને તલસ્પર્શી અભ્યાસ તરફ આંગળી ચીંધતાં તેઓ કહે છે –
પૂર્વકાળમાં સંશોધનક્ષેત્રે ભારતમાં વિસ્તાર તો ઘણો થયો, પણ આજે જે થોડું-ઘણું વિદેશી ભાષામાં લખાઈ રહ્યું છે, તેમાં ઊંડાણ જોવા મળે છે, અને તેનું કારણ મર્યાદિત વિષયો લઈને લખાય છે એ છે. દર્શનો વિષે કે ભારતીય ધર્મો વિષે સામાન્ય ઘણું લખાયું, પણ તેમાંના એકએક મુદ્દાની ચર્ચા જે પ્રકારે હવે થઈ રહી છે, તેમાં તલસ્પર્શી અભ્યાસ અને વિષયને પૂરો ન્યાય આપવાની પ્રવૃત્તિ વિશેષરૂપે દેખાય છે. આવું કાંઈ આપણે પણ સ્વતંત્ર રીતે કરવું જોઈએ.”
પ્રશિષ્ટ ગ્રંથોના અનુવાદોની જરૂર સમજાવતાં તથા આ દિશામાં યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ કરેલ ખામીભરેલી કામગીરીની ટીકા કરતાં તેઓએ કહ્યું –
અત્યારની જે આપણી શૈક્ષણિક સ્થિતિ છે, એમાં કદાચ સ્વતંત્ર સંશોધનને બહુ ઓછો અવકાશ મળે તેમ બને. તો એનું નિરાકરણ તે-તે વિષયમાં લખાતા પ્રશિષ્ટ ગ્રન્થોના અનુવાદ કરવાની પ્રવૃત્તિને વેગ આપી કરવું જોઈએ. હજી આપણી ભાષામાં વેદના વિક્માન્ય અનુવાદો નથી થયા. વેદને નામે જે થઈ રહ્યું છે તે કથાવાર્તા છે, અને તેથી આપણી પ્રજા સંતોષ અનુભવે છે એ દુર્ભાગ્ય છે. આ અનુવાદોનું કાર્ય આ પેઢીના કેટલાક વિદ્વાનો કરી શકશે, પણ આગલી પેઢી તો એ પણ કરી નહિ શકે એ આપણું પરમ દુર્ભાગ્ય હશે. એટલે ઉત્તમ ગ્રન્થોના અનુવાદની પ્રવૃત્તિને તીવ્ર વેગ આપવાની જરૂર છે. યુનિવર્સિટી ગ્રન્થનિર્માણ બોર્ડ આમાં ઘણું કરી શકે તેમ હતું, પરંતુ સમગ્રભાવે આયોજનના અભાવને કારણે આ બન્યું નહિ, અને મોટા ભાગના ગ્રન્થો વિદ્યાર્થી માટે ઉચ્ચ પ્રકારની ગાઈડો પણ પૂરી પાડે એમ બન્યું નહીં. આમાં દોષ આયોજકો ઉપરાંત તેમાં ભાગ લેનાર કેટલાક લેખકોનો પણ ગણાવો જોઈએ. લેખનમાં જે પ્રકારની નિષ્ઠા જોઈએ, તેનો સર્વથા અભાવ કેટલાકમાં હતો. પરિણામ એ છે કે જેમના માટે ગ્રન્થનિર્માણ બોર્ડે ગ્રન્થો તૈયાર કરાવ્યા એ વિદ્યાર્થીઓ હજુ આ ગ્રન્થોને બદલે બજારૂ ગાઈડોનો જ ઉપયોગ કરે છે, અને ગ્રન્થનિર્માણ બોર્ડના ગ્રન્થો તેમના ગોદામમાં જ ભરાઈ પડ્યા છે.”
પરદેશી (અંગ્રેજી) ભાષાના અધ્યયનની ઉપેક્ષાને લીધે ભારતીય ધર્મો તથા દર્શનોના આપણા અધ્યયનમાં આવનાર ખામી, આ વિષયના ગ્રંથોના ભાષાંતરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org