________________
૧૪
જિનમાર્ગનું અનુશીલન એટલે સાચી શક્તિ, સાચું સત્ય અને સાચો પ્રભાવ આચરણયુક્ત સમજણ એટલે કે ચારિત્રયુક્ત જ્ઞાનમાંથી જ નિષ્પન્ન થાય છે. જ્યારે પણ સમજણ અને આચરણ વચ્ચે માનવી એકરૂપતાની પ્રતિષ્ઠા કરશે ત્યારે પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની એકરૂપતા પણ આપો-આપ જ પ્રગટ થયા વગર નહીં રહે.
(તા. ૨૬-૯-૧૯૫૩)
(૬) અજ્ઞાનનો અંધકાર અને જ્ઞાનનો અહંકાર દૂર કરીએ
વ્યક્તિમાં કે જનસમૂહમાં વ્યાપેલ અજ્ઞાનનો અંધકાર જેટલો વિકાસને રૂંધનારો બને છે, એટલો જ જ્ઞાનનો અહંકાર પણ વ્યક્તિ કે સમાજને હાનિ પહોંચાડે છે. ઝીણવટપૂર્વક વિચારીએ તો અહંકારથી અભડાયેલું જ્ઞાન એ પણ એક પ્રકારનું અજ્ઞાન જ છે, જે આત્મભાવ કે ચિત્તશુદ્ધિને અટકાવે છે; અને તેથી કદાચ સામાન્ય અજ્ઞાન કરતાં એ વધારે કષ્ટકારક અને દુર્દમ બની બેસે છે. એટલે આ બંનેને દૂર કરવાનો પ્રયત્ન કરવો એ વિકાસના માર્ગ મોકળો કરવા જેવું ઉત્તમ કામ છે.
આમ તો અજ્ઞાન એ બહુ મોટી ખામી છે અને અહંકાર એ બહુ મોટો દુર્ગણ છે; એટલે સાધનામાત્રમાં એ બંનેની સામે ઝૂઝવાનું કહેવાયું છે. પણ આત્મલક્ષી ધર્મસાધનામાં તો સૌથી વધારે આંતરબળ વાપરીને એ બંનેને દૂર કરવાનું અનિવાર્ય ગણાયું છે. એ બંને જેમ-જેમ દૂર થતા જાય છે તેમ-તેમ પુરુષાર્થ વધુ તેજસ્વી બનતો જાય છે.
અજ્ઞાન દૂર ન થાય, તો બીજી અનેક વસ્તુઓની જેમ, “સોહનું – પોતાની સાચી જાતનું – ભાન ન થાય. અને આવું કંઈક આત્મભાન જાગી ઊઠ્યા પછી પણ અહંના વજ જેવા પડને ઉખાડી ફેંકવામાં કે ગાળી નાખવામાં ન આવે ત્યાં સુધી ન તો સોહનો સાક્ષાત્કાર થઈ શકે કે ન તો નિજાનંદનો – સચ્ચિદાનંદપણાનો – આહલાદ મળી શકે. પુરો મિટાથે વિના યુવા નહીં મિત્રતા |
તેથી જ ધર્મશાસ્ત્રો અને ધર્મારાધક સંતો આ બંને દોષોને દૂર કરવાનું ઉદ્દબોધે છે. જેમ-જેમ અજ્ઞાનનું અંધારું દૂર થતું જાય, તેમ-તેમ સત્યનો સુભગ પ્રકાશ હૃદયમાં વિસ્તરતો જાય, અને જેમ-જેમ અહંકારનું ઝેર ઓછું થતું જાય તેમ-તેમ આત્મરમણરૂપ અમૃત લાધતું જાય. સમસ્ત આત્મસાધના, આધ્યાત્મિકતા કે ધર્મમયતાનો ઉદ્દેશ આ બેને દૂર કરવાનો જ મુખ્યત્વે છે એમ જરૂર કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org