SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૫ ૧૩ શ્રદ્ધાને જ્ઞાનની કસોટીએ કસી જોવામાં લેશ પણ ડરવાની કે આંચકો ખાવાની જરૂર નથી. આ તો થઈ શ્રદ્ધાની અને એના પરિમાર્જનની વાત. પણ જ્ઞાન અને ચારિત્ર, સમજણ અને આચરણના સંબંધમાં પણ કંઈક આવો જ વિચાર કરવાનો રહે છે. જેમ શ્રદ્ધા જ્ઞાનથી પરિમાતિ અને પરિપુષ્ટ થાય છે, તેમ આચરણના બળે જ સમજણ વિશુદ્ધ અને પુષ્ટ બને છે. એટલે માનવીએ સમજણ સુધી પહોંચીને પોતાની મજલ પૂરી થઈ સમજવી નહીં, પણ આચરણ સુધી પહોંચ્યા પછી જ એ મજલ પૂરી થાય છે એ વાત બરાબર ધ્યાનમાં રાખવી. આચરણ એટલે જાતઅનુભવ. કેટલીય વસ્તુઓ કે વાતો સંબંધી આપણી સમજણ અમુક પ્રકારની હોય છે. પણ જ્યારે એનો જાતઅનુભવ કરીએ ત્યારે એમાંથી કેટલુંય નકામું તત્ત્વ આપમેળે દૂર થઈ જઈને અંતિમ સત્ય આપણા દિલમાં ઠરે છે. આમ અંતિમ સત્યનો સાક્ષાત્કાર નર્યા જ્ઞાનના બળે નહીં, પણ આચરણ એટલે કે જાતઅનુભવની સરાણે ચડેલ જ્ઞાનના બળે જ થઈ શકે છે. આમ છેવટે આચરણ જ વ્યવહારની છેલ્લી કસોટી બની જાય છે. અત્યારે જ્ઞાનના બે સ્પષ્ટ વિભાગ કરવામાં આવ્યા છે : જ્ઞાન અને વિજ્ઞાન. એમાં વિજ્ઞાન તો પગલે-પગલે પ્રયોગોના આધારે જ આગળ વધતું હોઈ એમાં સમજણ અને જાતઅનુભવ વચ્ચે ઝાઝું અંતર નથી પડતું, એમાં તો એ બંને સાથોસાથ ચાલે છે. પણ જ્ઞાનના ક્ષેત્રમાં વાત જરા જુદી છે. જ્ઞાનના ક્ષેત્રમાં તો માણસ એટલાથી પણ પોતાની પ્રગતિને અટકાવીને દેખીતો સંતોષ માની શકે છે, અને આજે તો ઠેરઠેર આચરણ કે અનુભવ વગરનું જ્ઞાન જ ખડકાયેલું જોવા મળે છે. આવા અનુભવ કે આચરણ વગરના જ્ઞાનનું પરિણામ નિરર્થક વિતંડાવાદરૂપે કે અર્થહીન કલહોરૂપે જોવા મળે છે. આજના અનેક કલહોનું મૂળ આવા આચારશૂન્ય જ્ઞાનમાં જ રહેલું છે. અને જ્યારે માનવીની શ્રદ્ધા સમજણનો અને સમજણ આચરણનો સમાદર કરવા લાગે છે, ત્યારે શું આધ્યાત્મિક ક્ષેત્રે કે શું વ્યાવહારિક ક્ષેત્રે, માનવી પગલે-પગલે અભુત સિદ્ધિઓને વરવા લાગે છે. સફળતાની ચાવીરૂપ આ ત્રણ વસ્તુના એકીકરણમાં જેટલી ઊણપ, એટલી કાર્યની સફળતામાં ઊણપ. કોરી સમજણ અને આચરણથી પુષ્ટ કોઈ પણ સમજણ વચ્ચેનો ફેર એક દાખલાથી સમજીએ. આપણે બે પુસ્તકો વાંચીએ. તેમાંનું એક આપણી બુદ્ધિને ડોલાવી મૂકે, છતાં આપણા હૃદય સુધી એનો સૂર નથી પહોંચી શકતો. બીજું એક પુસ્તક સાવ સીધુંસાદું હોવા છતાં એની ચોટ આપણને હૃદય-સોંસરી લાગી જાય છે. આ જ રીતે કોઈ છટાદાર વક્તા આપણી બુદ્ધિ પાસે આફરીન પોકરાવે, છતાં હૃદયના તારને ઝણઝણાવી જાય તો કોઈ બીજો જ વક્તા. આ ફેર તે જ ઉપર્યુક્ત બે સમજણનો ફેર સમજવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy