________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૪
૩૩૭
જણાઈ આવ્યા વગર નહીં રહે કે જે સંસ્થાઓ વ્યક્તિનિષ્ઠ રહી, એનું ભાવિ અંતે એકદંડિયા મહેલ જેવું થઈ ગયું, અને એ સંસ્થાઓ નિરાધાર જેવી બની ગઈ. ત્યારે જે સંસ્થાઓ વ્યવસ્થાનિષ્ઠ રહી છે, એટલે કે જેનું વ્યવસ્થાતંત્ર નિશ્ચિત્ત ઉદ્દેશોને આધારે કાર્યકર્તાઓ સાચવતા રહે છે, એ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે છે. આ નવી ઊગતી સંસ્થાનો કારોબાર પણ આવો વ્યવસ્થાનિષ્ઠ બને અને એ વધુ ને વધુ પ્રગતિ સાધે એમ ઇચ્છીએ.
સંસ્થાની સ્થાપનાના પ્રસંગે આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરિજીએ સંસ્થા સદા ધ્યેયનિષ્ઠ રહી શકે અને કલ્યાણકર બની શકે, એ માટે જે પાયાની વાત કહી, તેની પણ અહીં નોંધ લેવી ઘટે છે; ઇશારામાં હિત-શિખામણ આપતાં તેઓએ કહ્યું –
“સર્વ કલાઓમાં ધમ્મકલા એટલે કે ધર્મકલા જ શ્રેષ્ઠ કલા છે. સંગીતકલા, ચિત્રકલા કે બીજી જે કોઈ કલાઓ હોય તે ધર્મને પુષ્ટિ આપતી જ કલા હોવી જોઈએ; તે જ સાચી કલા છે. સર્વ કલાઓનો પ્રશસ્ત ઉપયોગ ધર્મકલા માટે જ છે, અને એના માટે જ મુનિશ્રી યશોવિજયજીએ આ સંસ્થા સ્થાપવા માટે પ્રેરણા આપી છે. તમો આ દ્વારા જૈન સંસ્કૃતિ અને જૈન કલાઓનો પ્રચાર કરવામાં અને અનેક જીવાત્માઓનો જીવનપંથ અજવાળવામાં સફળતાને વરો એ જ શુભેચ્છા.”
કળાના પ્રચારને નામે આપણે નીચી કક્ષાએ ન ઊતરી પડીએ એ માટે એક અનુભવી ધર્મગુરુને છાજે એવી બહુ જ ટૂંકી છતાં અત્યંત મહત્ત્વની વાત આચાર્ય મહારાજે આપણને કહી છે. એમણે નિર્દેશેલી જે ધર્મને પ્રોત્સાહન આપે અને જીવનને અજવાળે એ જ સાચી કળા' એ કસોટીને આધારે આ નવી સંસ્થા પોતાના કાર્યના સારાસારને તપાસતી રહેશે, તો એ જૈનધર્મ અને જેને સંસ્કૃતિનો એટલે કે સાચી ધર્મભાવનાનો પ્રચાર કરવાના પોતાના હેતુને બરાબર ન્યાય આપી શકશે.
આ સંસ્થાની સ્થાપના વખતે માત્ર મોટીમોટી વાતો કરીને વીખરાવાને બદલે સંસ્થાને માટે પચાસેક હજાર જેટલું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું, એ પણ એક ઉત્સાહવર્ધક બીના છે. આ ભંડોળ ઓછું છે કે વધારે એનો વિચાર અહીં અપ્રસ્તુત છે. જો સંસ્થા પોતાના કાર્યમાં આગળ વધતી રહેશે, તો આ રકમ બીજરૂપ બનીને જેટલી જરૂરી હશે તેટલી સહાય સહેલાઈથી ખેંચી લાવશે; અને જો ધાર્યું કામ નહીં થાય, તો એ બંધિયાર પાણી જેવી બની જશે. પણ પ્રેરક મુનિવર અને સંસ્થાના કાર્યકરો સજાગ હશે તો સંસ્થાની કાર્યશીલતા થંભી જવાનો કોઈ સંભવ નહીં રહે.
પ્રાર્થીએ કે પોતાના કર્તવ્યપરાયણ, સંનિષ્ઠ કાર્યકરો અને પ્રેરક મુનિશ્રીની રાહબરી નીચે આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ સાધીને જૈન કળાના યથાર્થ પ્રકાશન અને પ્રચારના ક્ષેત્રમાં પ્રવર્તતી ખામીની પૂર્તિ કરવા શક્તિશાળી બને.
(તા. ૧૮-૧-૧૯૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org