________________
૩૩૪
જિનમાર્ગનું અનુશીલન આ નવી સંસ્થાની સ્થાપના માટે યોજવામાં આવેલ સમારંભની આમંત્રણપત્રિકામાં આ સંસ્થાના કાર્ય અંગે કહેવામાં આવ્યું હતું –
આ સંસ્થા પ્રારંભમાં તો જૈનધર્મની ઉત્તમ પ્રાર્થનાઓ, મંગલ મંત્રપાઠો, પ્રાચીન સ્તુતિઓ, સ્તવનો, સઝાયો, કાવ્યો વગેરેની રેકોર્ડો તૈયાર કરાવવાનું અને જરૂરી રેકોર્ડો રેડિયો-સ્ટેશનો ઉપરથી રિલે કરાવવાનું કાર્ય કરશે. ત્યારબાદ અનુકૂળતાએ શિલ્પ-સ્થાપત્ય અને અન્ય પ્રસંગોને લગતી કલાકૃતિઓનો પ્રચાર કરશે. વળી બાળકો, વિદ્યાર્થીઓ વગેરે માટે ન્હાની-ન્હાની ધાર્મિક સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની, જૈન ઘરો જેને સંસ્કૃતિના પવિત્ર વાતાવરણથી ઝળકતાં રહે તેવાં પ્રતીકો તૈયાર કરાવવાની, આખ્યાન પ્રકારના રાસાદિના વિશિષ્ટ સંગીત-સમારોહ ઊજવવાની વગેરે યોજનાઓ પણ હાથ ધરશે.”
અમને લાગે છે કે આ સંસ્થાએ કરવા ધારેલાં કાર્યોનું ઉપર જે વર્ણન કરવામાં આવ્યું છે, તે સ્પષ્ટ ઉદ્દેશરૂપ નહીં પણ સામાન્ય રૂપરેખારૂપ જ હશે. અલબત્ત, બાળજીવોમાં અને અભણ કે ઓછા ભણેલ ભદ્ર-પરિણામી શ્રદ્ધાળુ સામાન્ય જનસમૂહમાં ધાર્મિકતા અને સંસ્કારિતાનાં બીજો રોપવા માટે ઉપર જણાવ્યાં તેવાં કામો કરવાની જરૂર છે જ; અને આ માટે શાસ્ત્રીય ભાષામાં તેમ જ વિવિધ લૌકિક ભાષામાં રચાયેલી આપણી પ્રાચીન (તેમ જ ખાસ પસંદ કરેલી અર્વાચીન પણ) સુગમ, સુગેય અને હૃદયંગમ કાવ્યકૃતિઓ પણ ઉપયોગી થઈ શકે એવી છે. આ કૃતિઓને તેમ જ વિશિષ્ટ નવીન કૃતિઓને પણ જો એના શબ્દ અને ભાવને અનુરૂપ ગંભીર છતાં શ્રવ્ય રાગમાં રજૂ કરવામાં આવે તો એ ખૂબ અસરકારક બની શકે. ફિલ્મી ગીતોની રેકોર્ડે અને ખાસ કરીને રેડિયોના લીધે જનતામાં પ્રચલિત બનેલ ફિલ્મીગીતોની તર્જા કે રાગોમાં કોઈ પ્રભુસ્તુતિનું ગાન કરવા જતાં પ્રભુના મહિમાની સાથેસાથે એવી તર્જવાળા ફિલ્મીગીતનો હળવો ભાવ પણ છૂપી રીતે પોતાની અસર કરતો હોય છે. એટલે આવા છીછરા સંસ્કારથી આપણી આવી ઉમદા કૃતિઓ મુક્ત રહે એ જરૂરી છે. અને, જો આપણે ઇચ્છીએ અને શોધીએ તો, આવી ભવ્ય કૃતિઓને એની ભવ્યતાને સાકાર કરે એવી ઉમદા ઢબે ગાઈ બતાવનાર ભાઈ-બહેનો આપણાં સંબંધીઓમાંથી તેમ જ આપણી આસપાસના ઈતર વર્ગમાંથી પણ અવશ્ય મળી આવે. મતલબ કે આવી કાવ્યકૃતિઓ દ્વારા જેમ આપણે જનતાની ધર્મરુચિને જાગૃત કરવાની છે, તેમ એમની સંગીતની રુચિને પણ નિમ્ન થવા દેવાને બદલે ઊંચે લઈ જવાની છે. પણ આ તો એક આનુષંગિક વાત થઈ. મુખ્ય વાત તો આવા એક કલાકેન્દ્રની સ્થાપના કરવામાં આવી એ છે. અમે આ નવી સંસ્થાનું સ્વાગત કરીએ છીએ; એ જૈન કળાને દેશવિદેશના કળાકોવિદો અને સામાન્ય જનસમૂહ સુધી પહોંચતી કરવામાં ખૂબ સફળ થાય એવી એને શુભેચ્છા પાઠવીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org