________________
૩૧૨
જિનમાર્ગનું અનુશીલના
પ્રત્યેક માનવીને – પછી એ ગમે તેવી સ્થિતિમાં હોય – ઈશ્વરના બાળક તરીકે લેખવામાં આવે છે. સંભવ છે કે આવી વિચારસરણી ભારતમાં પણ અસ્તિત્વ ધરાવતી હોય, પણ અહીંના લોકો એને વર્તનમાં નથી ઉતારતા. ભારતવાસીઓને બીજા લોકોની જરૂરિયાતનો સામાજિક ખ્યાલ હોતો નથી!
“નેત્રહીન હોવાથી મારે અઠવાડિયામાં પચીસ જેટલા વાચકોની સહાયતા લેવી પડે છે. એમાં બીજા દેશમાં કેટલું બધું ખર્ચ કરવું પડે ? પણ અમેરિકામાં તો મારે કશું જ ખર્ચ કરવું પડતું નથી! અમેરિકનો હમેશાં મને નિઃસ્વાર્થભાવે સહાય કરવા માટે તત્પર હોય છે ! અરે, ક્યારેક હું એમને નથી બોલાવતો તો તેઓ સામેથી ટેલિફોન કરીને મને પૂછે છે કે અમને કેમ બોલાવતા નથી!”
ડો. રોયની આ વાત મનમાં કંઈકંઈ વિચારો જગવી જાય છે. આપણે માનવતા, ધાર્મિકતા અને આધ્યાત્મિકતાના ગુણગાન ગાતા જ રહ્યા અને વર્તનમાં એનાથી દૂર ને દૂર ધકેલાતા ગયા !
ક્યાં ઉપનિષદોની, વેદાંતની, જૈન આગમોની અને બૌદ્ધ પિટકોની અતિઉન્નત વિચારધારા અને ક્યાં પોતાના જ માનવસમાજ પ્રત્યેનું આપણું ક્ષુદ્ર વર્તન ! (તા. ૨૭-૮-૧૯૬ ૧ના “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ને આધારે) (તા. ૮-૯-૧૯૬૧)
(૫) વિના સહકાર નહિ ઉદ્ધાર વિકાસ સાધવો હોય કે મુસીબતોની સામે ટકી રહેવું હોય, તો તે એકલે હાથે થઈ શકતું નથી. આ માટે જરૂરી એવાં સાથ અને સહાયતા ત્યારે જ મળી શકે, જ્યારે માનવસમૂહોએ પોતાની અંદર સહકારની મંગલમય ભાવના પ્રગટાવી હોય.
સહકારની ભાવના એ ખરેખર તો હાર્દિકતા, વાત્સલ્ય અને સમસંવેદનના આદાન-પ્રદાનની સુભગ પ્રક્રિયા છે. જેમ આવા દિવ્ય ગુણોથી રંગાયેલા કુટુંબમાં એક પણ માનવીનું અસુખ આખા કુટુંબની બેચેની બની રહે છે, અને એને દૂર કર્યા વગર કુટુંબને જંપ વળતો નથી, એવી જ સહકારની ભાવના જે નાના-મોટા માનવસમૂહમાં જન્મે છે અને કેળવાય છે, તે પ્રાણવાન અને શક્તિશાળી બનીને બહુમુખ વિકાસ સાધે છે અને મુશ્કેલીઓના સાગરને સહેલાઈથી તરી શકે છે. ત્યાં વ્યક્તિ કે વ્યક્તિ-સમૂહનાં સુખ-દુઃખ સહિયારાં બની જાય છે, અને શરીર અને એનાં અંગ-પ્રત્યંગોની જેમ સહુ સમરસતા અનુભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org