________________
૩૦૭
સંસ્કૃતિનાં મૂળતત્ત્વો ઃ ૨, ૩
વિજ્ઞાન પણ, યથાર્થ યોગસાધનાની જેમ, વ્યક્તિ અને સમાજ બંને માટે આશીર્વાદરૂપ બની રહે અને એથી હાનિ થવાનો વખત મુદ્દલ ન આવે અથવા ઓછામાં ઓછો આવે એ માટે માનવીને મળેલ શક્તિઓમાં સર્વોપરિ સ્થાને બિરાજતી વિવેકશીલતા ઘણો મહત્ત્વનો, નિર્ણાયક અને માર્ગદર્શક ભાગ ભજવી શકે. સાર અને અસાર વચ્ચેની ભેદરેખાને આંકી બતાવવાની વિવેકની શક્તિ જાણીતી છે. વિવેકદીપ હોય તો પછી વિજ્ઞાન કે યોગ બેમાંથી કોઈ પણ માર્ગ ખેડવામાં નુકસાનને લેશ પણ અવકાશ રહેતો નથી.
આત્મલક્ષી અંતર્મુખ સાધનામાં આગળ વધવા માટે પણ વિજ્ઞાન અને એની શોધોની અવહેલના, નિંદા કે ઉપેક્ષા અત્યંત હાનિકારક છે. આ વાતને ખૂબ સ્પષ્ટતાપૂર્વક સમજવામાં ખુદ શ્રી મોટાનું જ જીવન અને કાર્ય બહુ જ ઉપયોગી થઈ શકે એમ છે. તેઓ પોતે યોગ-સાધનાને પૂર્ણરૂપે સમર્પિત થયેલા હોવા છતાં, વિજ્ઞાનની શક્તિ, મહત્તા અને ઉપયોગિતાને પણ બરાબર પિછાણીને પોષી શક્યા હતા એ એમની સતત જાગૃત વિવેકશીલતાનું સુપરિણામ હતું એમાં શક નથી.
(તા. ર૩-૮-૧૯૭૬)
(૩) માનવતાવાદી સંસ્કૃતિની જરૂર સંસ્કૃતિ'નો અર્થ અમુક વર્ગ કે પ્રજાની રહેણીકરણી કે જીવનપદ્ધતિ – એવો કરીએ તો એમાં સારા-ખોટા રિવાજો, સારી-ખોટી ટેવો, શ્રદ્ધા-અંધશ્રદ્ધા ઉપર આધારિત વિધિવિધાનો, ખુદ ધર્મના નામે પોષાતી પ્રગતિગામી કે પ્રત્યાઘાતી માન્યતાઓ અને પ્રવૃત્તિઓ, વિકાસશીલ કે આત્મવિઘાતક વિચારો અને કાર્યો વગેરે લાભકારક અને નુકસાનકારક બધી બાબતોનો સમાવેશ થઈ જાય છે. મતલબ કે માનવસમાજ પોતાના જીવનવ્યવહારનો નિભાવ કરવા માટે સારાં કે ખોટાં જે કંઈ વિચાર, વાણી, વર્તનને આવકારતો રહે, તે એની સંસ્કૃતિનાં – જીવનપદ્ધતિનાં અંગ બની જાય છે.
પણ જ્યારે સંસ્કૃતિ એટલે સુસંસ્કારિતા એમ સમજવામાં આવે ત્યારે એનો ભાવ સાવ બદલાઈ જાય છે; એમાંથી અનિષ્ટ તત્ત્વ દૂર થઈ જાય છે, અને કેવળ સદ્દગુણશીલતાને જ આશ્રય મળે છે. આ સંસ્કારિતામાં માનવતાને વગર કહ્યું સ્થાન હોય છે, એટલું જ નહીં, માનવતા જ સંસ્કારિતાનો પ્રાણ બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org